નવી દિલ્હી: હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિને અદાણી જૂથ સામેની તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી. સુપ્રીમ કોર્ટની એક્સપર્ટ કમિટીએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે અદાણી ગ્રુપ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના કોઈ પુરાવા મળ્યા નથી. તપાસ સમિતિએ સેબીના ચાર રિપોર્ટ ટાંક્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો છે. આ સાથે નિષ્ણાત સમિતિએ પોતાના તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે અદાણી ગ્રુપે સ્ટોક એક્સચેન્જને તમામ જરૂરી માહિતી આપી હતી. ગ્રુપના શેર પહેલેથી જ વધારાના સર્વેલન્સ મેઝર્સની દેખરેખ હેઠળ હતા. સેબી દ્વારા ઈડી (એન્ડોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ને આપવામાં આવેલા રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી.
અદાણી જૂથ માટે આ મોટી રાહતના સમાચાર છે. અલબત, તાજેતરમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ દ્વારા શેરના ભાવમાં ગોટાળા કરવાના આરોપોની તપાસ પૂર્ણ કરવા સુપ્રીમ કોર્ટે સેબી (માર્કેટ નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ને ૧૪ ઓગસ્ટ સુધી ત્રણ મહિનાનો સમય આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ એસસીએ સેબીને આદેશ આપ્યો છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ દ્વારા શેરના ભાવમાં ગેરરીતિના આરોપોની તપાસ અંગેનો અહેવાલ આપવાનો આદેશ આપ્યો હતો.
બીજી માર્ચના સુપ્રીમ કોર્ટે ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ દ્વારા શેરના ભાવમાં ગેરરીતિના આરોપોની તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ અગાઉ અમેરિકન શોર્ટ-સેલર કંપની હિંડનબર્ગે તેના રિપોર્ટમાં બિઝનેસ ગ્રૂપ સામે આક્ષેપો કર્યા છે. સુપ્રીમ કોર્ટ અદાણી હિંડનબર્ગ વિવાદ કેસની વધુ સુનાવણી ૧૧ જુલાઈએ કરશે. ખંડપીઠે કહ્યું હતું કે સેબીને તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે આપવામાં આવેલ સમય ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યો છે. જોકે આ સમાચારની સ્ટોક માર્કેટમાં જાણ થતાં અદાણી જૂથના મોટાભાગના સ્ટોકમાં લેવાલી વધી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના રિપોર્ટમાં અદાણી ગ્રુપને રાહત મળ્યા બાદ ગ્રૂપ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શેરબજારમાં લિસ્ટેડ ૧૦ કંપનીઓમાંથી માત્ર એકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ નવમાં તેજી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગે આ વર્ષે જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપ પર આરોપ લગાવ્યો હતો કે સાયપ્રસ અને મોરેશિયસ સ્થિત આમાંથી કેટલાક ફંડ અદાણી સાથે જોડાયેલા હતા, જેનો ઉપયોગ ગ્રૂપ કંપનીઓના શેરના ભાવમાં ફેરફાર કરવા માટે કરવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. જે બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.