Homeઉત્સવએલાર્મની ચીસો હાલો હાલો પરીક્ષા આવી!

એલાર્મની ચીસો હાલો હાલો પરીક્ષા આવી!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઈટલ્સ: જીવતરનો ત્રાસ કોઈ પણ સાઇઝમાં મળી શકે છે.
(છેલવાણી)
રોજ સવારે આઠ વાગ્યે ઊંઘીને ઊઠવાવાળા છોકરાએ એના પપ્પાને એક સવાલ પૂછ્યો: ‘પરોઢિયું અને વહેલી સવારમાં શું તફાવત છે?’ આ સીધાસાદા સવાલના જવાબમાં એના પપ્પા એને ખૂબ વઢ્યા. બાળક વિચારમાં પડી ગયો કે આટલી નાની વાતમાં પપ્પા મને વઢ્યા કેમ? કદાચ એના પપ્પાને પરોઢિયું અને વહેલી સવારનો અનુભવ નહીં હોય!
આતંકવાદીઓ જેમ બાળકોના કુમળા મનમાં હિંસાનાં બીજ વાવે છે, એમ આપણે નાનપણથી જ બાળકને વહેલા ઊઠી સ્કૂલે જવાનું શીખવીએ છીએ. છેને ૨૪ કેરેટની ક્રૂરતા! સવાર સવારમાં અડધી ઊંઘમાં તમને કોઈ પૂછે કે ઔરંગઝેબને કેટલી વાઈફ હતી કે પાણીપતનું યુદ્ધ પાણીપતમાં જ કેમ થયું? તો બાળકને ભણતર પર નફરત જ થાયને?
હમણાં તો અત્યાચારની હદ થઈ ગઈ. એક સમાચાર જાણવા મળ્યા કે હરિયાણા શિક્ષણ વિભાગ તરફથી સરકારી સ્કૂલના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની આવનાર બોર્ડની પરીક્ષામાં પાસ થવાની ટકાવારી વધારવા માટે ‘માસ એલાર્મ’ની પહેલ કરવામાં
આવી છે.
આ માટે આવનાર કેટલાક મહિનાઓ સુધી મંદિરો, મસ્જિદો, ચર્ચો અને ગુરુદ્વારાઓના સંચાલકોને દરરોજ સવારે ૪.૩૦ વાગ્યે છોકરાઓને ઉઠાડવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા વિનંતી કરી છે! વળી, છોકરાઓનાં માતા-પિતાએ એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે તેઓ ૪.૩૦ વાગ્યે ઊઠી જાય અને ૫.૧૫ વાગ્યે ભણવાનું શરૂ કરી દે.
ભણવામાં પૂરતું ધ્યાન આપી શકે એટલા માટે શિક્ષણ અધિકારીઓએ પંચાયતના વડાઓને પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી લાઉડ મ્યુઝિક અને પાર્ટીઓ ન કરવા માટે ભલામણ કરી છે. માર્ક્સ કમાવાની ગાંડી ઘેલછાનો આ ક્રૂર ક્લાઇમેક્સ છે! ધર્મસ્થળો પર લાઉડસ્પીકર વિશે વિરોધ, એ અલગ મુદ્દો છે, પણ માત્ર થોડા વિદ્યાર્થીઓ માટે આખા ગામમાં શોર?
વળી લાઉડસ્પીકર પર એલાર્મ વાગશે તો વિદ્યાર્થીઓની સાથે સાથે બીજા બધા પણ કારણ વિના જાગી જશેને? ભૂતકાળમાં અમે ગણિતની પરીક્ષાથી એટલા ડરતા કે આજેય અડધી રાતે ઝબકીને જાગી જવાય છે! એટલે ત્યાં હરિયાણામાં ૧૦મા-૧૨માનાં બાળકોએ ભણવાનું, પણ બાકીના લોકો વહેલી સવારે ઊઠીને કરશે શું?
એક્ચ્યુઅલી, વહેલા ઊઠવા અંગે સમાજમાં બહુ મોટો ભ્રમ છે: વહેલા ઊઠે એ જ બધા ગ્રેટ! તો પછી જે વ્યક્તિ રાત્રે મોડે સુધી લખે, વાંચે, ગપ્પાં મારે કે મહેફિલોમાં ભટકે એ મહાન કેમ નહીં? શહેર એ જ, સડક એ જ, માણસો એ જ, ફરક માત્ર રાત અને દિવસનો, એમાં આટલો ભેદભાવ કેમ? રાતના રખડુઓ ‘નિશાચર’ તો વહેલા ઊઠીને ગાર્ડનમાં વોક લેનારા ‘વનેચર’ કેમ નહીં? અમુક ભોળાઓ માને છે કે વહેલા ઊઠવાથી સુંદર, કળાત્મક વિચારો આવે છે! એવું હોત તો બધા દૂધવાળા કે શાકવાળા જગતમાં લેખકો હોત ને આજે એમનાં પૂતળાં બન્યાં હોત.
ઇન્ટરવલ:
યાર કો મૈંને, મુઝે યારને સોને ન દિયા!
(ખ્વાજા આતિશ હૈદર અલી)
કહેવાય છે કે ‘રાત્રે વહેલા જે સૂએ વહેલા ઊઠે વીર!’ એટલે જે લોકો સવારે વોક પર જાય છે એ બધા સરહદ પર લડતા ‘વીર’ અને ચાદર ઓઢીને સૂતા હોય એ બધા ‘કાયર’ એમ? હવે નવું સ્લોગન બનાવવું જોઈએ: ‘વહેલા ઊઠે વીર, મોડા ઊઠે એ મહા-વીર!’ હા, જે લોકો નોકરી, ધંધા, અભ્યાસ કે ટ્રેન-વિમાન પકડવા વહેલા ઊઠે છે એમને માટે અમને સહાનુભૂતિ છે, પણ માન તો નહીં! એ એમની મજબૂરી છે, પણ મહાનતા તો નથી જ નથી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પૂરતી ઊંઘ લીધા વગર ઊઠવાથી હાર્ટ એટેકની સંભાવનાઓ વધી જાય છે. આમ પણ આ કમબખ્ત દુનિયામાં વહેલા ઊઠીને કરવાનું શું? છાપામાં લોકશાહીનાં કાદવકૌભાંડો અને આતંકનાં ઓવારણાં લેતા સમાચારો વાંચવાના કે નેતાઓનો વલ્ગર વાણીવિલાસ સહન કરવાનો કે જેનાં પોતાનાં લગન ફેલ છે એવા કલાકારો કે લેખકો પાસેથી સંબંધો સાચવવાની-સૂફિયાણી સલાહ વાંચવાની?
હું તો કહું છું સમજદાર લોકોએ હંમેશાં મોડા જ ઊઠવું જોઈએ, કારણ કે વહેલો ઊઠનાર ઉતાવળે સવારમાં માર્કેટમાં ખોટું રોકાણ કરીને પૈસા બરબાદ કરી શકે છે. જ્યારે મોડો ઊઠનારો આરામથી માર્કેટના ટ્રેન્ડ જોઈને નિર્ણય લેશે તો કમસે કમ બરબાદ થવાથી તો બચી જાશે! સાહિત્યમાં પણ જોઈ લો.
કોઈ નવલકથા કે વાર્તામાં વહેલી સવાર વિશે સારા સીન કે પ્રસંગો જોવા મળે છે? ‘અધર સાઈડ ઓફ મિડનાઈટ’ને બદલે ‘અધર સાઈડ ઓફ અર્લી મોર્નિંગ’ નોવેલ લખાય અને કવર પર સુંદર ક્ધયાને બદલે દૂધવાળો સાઈકલ પર જતો હોય એવું ચિત્ર હોય તો કોઈ એક કોપીય ખરીદે?
પ્રેમમાંય માણસ આખી આખી રાત જાગે જ છેને? પણ કોઈ વહેલું ઊઠ્યું છે કોઈની યાદમાં? ‘મીઠા લાગ્યા રે મુને આજના ઉજાગરા’ જેવાં જૂનાં ગીતો આજેય લોકપ્રિય છે, એની સામે આજ સુધી કોઈએ લખ્યું છે કે: ‘વ્હાલાં લાગ્યાં રે મુને વહેલી સવારનાં વધામણાં?’ ઓશો રજનીશે નિદ્રાને પણ એક ધ્યાન-સમાધિ કહી છે. જોકે એમણે તો સંભોગથી સમાધિ સુધીની વાત પણ કરેલી, પણ એના કરતાં આ નીંદરવાળી વાતને લીધે એ અમારા પ્રિય વિચારક છે!
દોસ્તો, મારું માનો તો મોડે સુધી સૂતા રહેવામાં પળભર તો પળભર, પણ પરમ આનંદ છે. જો વહેલા ઊઠીને એનું એ બોરિંગ ને દુ:ખદાયક જીવતર જીવવાનું હોય તો પરાણે વહેલા શું કામ ઊઠવાનું?
કોઈ પેલા એલાર્મને બંધ કરાવો તો સાચી બાળકોની સેવા ગણાશે.
એન્ડ ટાઈટલ્સ:
ઈવ: તું જાગે છે કે ઊંઘે છે?
આદમ: બન્નેની વચ્ચેનું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -