Homeમેટિની‘પઠાન’ સામે ત્રાજવે તોળાશે ‘ભાઈજાન’

‘પઠાન’ સામે ત્રાજવે તોળાશે ‘ભાઈજાન’

શાહરૂખની ફિલ્મને મળેલી ઝળહળતી સફળતાને પગલે દર્શકો સલમાનની ફિલ્મની સરખામણી કિંગ ખાનની ફિલ્મ સાથે જરૂર કરવાના અને પલ્લું કઈ તરફ નમે છે એની ઉત્સુકતા રહેવાની

વિશેષ -હેન્રી શાસ્ત્રી

૨૦૨૧માં બે ફ્લોપ ફિલ્મ ‘રાધે’ અને ‘અંતિમ’ પછી સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આજે રિલીઝ થઈ રહી છે ત્યારે દર્શકો ‘ભાઈજાન…’ની સરખામણી ‘પઠાન’ સાથે અવશ્ય કરવાના. ‘પઠાન’ અને ‘તુ જુઠ્ઠી મૈં મક્કાર’ને બાદ કરતા આ
વર્ષના પહેલા ત્રણ મહિનામાં રિલીઝ
થયેલી હિન્દી ફિલ્મોનો બોક્સ ઓફિસ પરફોર્મન્સ કંગાળ રહ્યો છે. ખાસ નોંધવાની વાત એ છે કે સલમાન ખાનની આ
નવી ફિલ્મ સાઉથની ‘વીરમ’ (તેલુગુ)ની રિમેક છે.
જાણી લો કે આ વર્ષે સાઉથની ચાર સફળ ફિલ્મની હિન્દી રિમેક રજૂ થઈ ચુકી છે જેમાંથી ત્રણ તો બોક્સ ઓફિસ પર લોહીલુહાણ થઈ છે જ્યારે એક ખર્ચ કાઢી લેશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વની વાત એ પણ છે કે હિન્દી ફિલ્મો જે સાઉથનો અવતાર છે એ ચારે ચાર પોતપોતાની ભાષામાં તગડી કમાણી કરવામાં સફળ રહી છે. એટલે સાઉથમાં
હિટ તો હિન્દીમાં પણ ફિટ એવું
નથી જે ગયા વર્ષની કેટલીક ફિલ્મોમાં
સુધ્ધાં નજરે પડ્યું હતું. વાત વિગતે જાણવા જેવી છે.
આ વર્ષે રિલીઝ થયેલી સાઉથની હિન્દી રિમેકમાં સર્વપ્રથમ રિલીઝ થઈ ‘શેહજાદા’ (૧૭ ફેબ્રુઆરી) જેમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન લીડ રોલમાં હતા. ‘શેહજાદા’ તેલુગુ ચિત્રપટ “AVPL’ની રિમેક છે. ૧૦૦ કરોડના બજેટમાં બનેલી તેલુગુ ફિલ્મે ૨૭૫ કરોડનો વકરો કર્યો હોવાની
નોંધ છે.
જ્યારે ઉપલબ્ધ માહિતી અનુસાર ૬૫ કરોડના બજેટમાં બનેલી ‘શેહઝાદા’ ૫૦ કરોડનો વકરો કરતા જ હાંફી ગઈ હતી. ૨૦૨૨નું વર્ષ કાર્તિક આર્યન માટે સારું રહ્યું હતું. તેની ‘ભૂલ ભુલૈયા-૨’ જૂજ સફળ ફિલ્મોમાંની એક હતી અને ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી તેની ‘ફ્રેડી’ને પણ આવકાર મળ્યો હતો. તેમ છતાં રાહ જોઈ જોઈ આંખો થાકી જેવું થયું. ત્યારબાદ ૨૪ ફેબ્રુઆરીએ આવી અક્ષય કુમારની ‘સેલ્ફી’ (૨૪ ફેબ્રુઆરી) જે મલયાલમ ફિલ્મ ‘Driving Licence’ની રિમેક છે.
માહિતી અનુસાર મલયાલમ ફિલ્મનું બજેટ ચાર કરોડ હતું અને તેનો વકરો હતો ૨૨.૫ કરોડ. મતલબ કે સુપરહિટ. ‘સેલ્ફી’ના તો બેહાલ થયા. ૧૨૫ કરોડના બજેટની હિન્દી ફિલ્મનો વકરો ચાર આની (૨૪ કરોડ) પણ નહોતો. અક્ષયનું ગયું વર્ષ કંગાળ હતું એટલે દર્શકોને એની ફિલ્મમાં રસ નહોતો એવો અભિપ્રાય બાંધતા પહેલા કાર્તિક અને અજયના ઉદાહરણ ધ્યાનથી વાંચી જવા. ત્રીજી ફિલ્મ હતી અજય દેવગનની ‘ભોલા’ (૩૦ માર્ચ) જે તમિળ ફિલ્મ Kaithi’ની રિમેક છે. ૨૫ કરોડના બજેટમાં બનેલી તમિળ ફિલ્મ ૧૨૫ કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી. બ્લોકબસ્ટર કહી શકાય. ‘ભોલા’ ઊંધે માથે ન પછડાઈ પણ આવક જાવકનો મેળ તાણીતૂસીને બેસી જશે એવું ચિત્ર ઊપસ્યું છે.
ગયા વર્ષે અજયની ‘દ્રશ્યમ-૨’ ૩૪૫ કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી, બોલો. આ નાનકડી યાદીની રિલીઝ થયેલી ચોથી ફિલ્મ છે ‘ગુમરાહ’ (૭ એપ્રિલ) જેમાં આદિત્ય રોય કપૂર અને મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. ‘ગુમરાહ’ તમિળ ફિલ્મ ‘Thadam’ની રિમેક છે. આ ફિલ્મ
પણ બોક્સ ઓફિસ પર ખાસ્સી સફળ રહી હતી.
‘ગુમરાહ’ હતી નાનકડા બજેટ (૨૫ કરોડ)ની ફિલ્મ, પણ એનો વકરો બટકા માણસ સામે વહેંતિયા જેવો રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં બજેટની અડધી રકમ પણ ગલ્લામાં નથી આવી. આના પરથી બે વાત સ્પષ્ટ થાય છે કે સાઉથમાં મળેલી પર્વત જેવી સફળતા હિન્દીમાં રાઈમાં રૂપાંતર થઈ શકે છે. અભિનેતાની છેલ્લી રિલીઝ ફિલ્મ હિટ હોય એટલે દર્શકો એના માટે ફરી દોડતા આવે એ પણ જરૂરી નથી. ‘શેહજાદા’ અને ‘ભોલા’ એના ઉદાહરણ છે. પ્રેક્ષક રાજા છે અને એ જો કહે હિટ તો હિટ બાકી ફીટ (ચક્કર) પણ આવી જાય.
હવે સલમાનની ફિલ્મ પર નજર નાખીએ. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ એક્ટરના પ્રિય રિલીઝ ટાઈમ ઈદના દિવસે (આજે) રિલીઝ થઈ રહી છે. અલબત્ત તહેવારના દિવસે ફિલ્મ રજૂ કરવાથી સફળતાની ગેરંટી નથી મળી જતી અને ગયા વર્ષે આવેલી ‘રાધે’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આશરે ૧૦૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ઈદના દિવસે રિલીઝ થઈ હતી, પણ માંડ ૨૦ કરોડનો વકરો કરી શકી હતી. સલમાનની નવી ફિલ્મ તમિળ ફિલ્મ ‘વીરમ’નું હિન્દી સંસ્કરણ છે. ૪૫ કરોડના બજેટના સાઉથના ચિત્રપટએ ૧૦૦-૧૨૫ કરોડનો વકરો કર્યો હોવાના અહેવાલ છે. સુપરહિટ. આ ફિલ્મ તેલુગુમાં ‘Katamarayudu’ નામે આવી હતી, પણ ફ્લોપ સાબિત થઈ હતી. એની ક્ધનડ ભાષાની રિમેક ‘Odeya’ સુધ્ધાં બોક્સ ઓફિસ પર કમજોર સાબિત થઈ હતી. તમિળ હિટ અને સાઉથની જ બે રિમેક ફ્લોપ. આમાં અનુમાન કેમ બાંધી શકાય? અલબત્ત સલમાને ફિલ્મની વાર્તા, એના મેકિંગમાં તેમજ એડિટિંગમાં બહુ માથું માર્યું હોવાના અહેવાલ છે. ‘મારા દર્શકોની નાડની મને વધુ પરખ છે’ એ માન્યતાને આધારે દર્શકોને ગમી જાય એવાં તત્ત્વોના સરવાળા-બાદબાકી કરવા તેણે આ પ્રમાણે કર્યું હોવાનું અનુમાન કરી શકાય.
ફિલ્મમાં એક જ મોટું નામ છે – સલમાનનું અને ચારેક તો નવા નક્કોર ચહેરા પણ છે. સલમાનનો પોતાનો એક દર્શક વર્ગ છે અને મેસેજ આપવા નહીં પણ માત્ર દર્શકોને મનોરંજન મળે એ હેતુથી ફિલ્મ બનાવવાને પ્રાધાન્ય આપતા સલમાનની આ ફિલ્મ કેવી ને કેટલી ચાલશે એ તો આવનારો સમય જ કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -