એપ્રિલ મહિનાનો અંત આવી ગયો હોવા છતાં મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારોએ આ વર્ષનો કેરીનો સ્વાદ ચાખ્યો નથી, પરંતુ હવે તેમણે વધાર રાહ જોવી નહીં પડે. સૌરાષ્ટ્રની કેસર કેરીનો ખડકલો માર્કેટિંગ યાર્ડોમાં થવા લાગ્યો છે અને તેથી ધીમે ધીમે ભાવ ઘટવાની શરૂઆત થશે, તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. સૌરાષ્ટ્રની કેસર કેરી મે મહિનાથી જ મોટા પ્રમાણમાં બજારમાં આવતી હોય છે. ગુજરાત સહિત વિશ્વભરમાં સોરઠની કેરીને પસંદ કરનારો એક ખાસ વર્ગ છે. આમ તો એપ્રિલ મહિનાથી કેરી ઉતારી લેવામાં આવી હતી, પરંતુ અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર સારો પાક એપ્રિલના અંતમાં તૈયાર થતો હોય છે, તેથી હવે આવનારી કેસર કેરી વધારે મીઠી હોવાની પૂરી સંભાવના છે.
દરમિયાન જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીના 15000 બોક્સની આવક નોંધાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જૂનાગઢની ગીર પંથકની કેસર કેરી દેશ સહિત સમગ્ર વિશ્વમાં લોકોની પહેલી પસંદ હોય છે. જૂનાગઢમાં આ કેસર કેરી ની હવે રેગ્યુલર આવક આવવાની શરૂ થઈ ગઈ છે ત્યારે હવે આવનારા દિવસોમાં હજુ આ કેરીની આવક નોંધાશે અને ભાવ પણ ઘટશે નક્કી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝનની શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં કુલ 8300 ક્વિન્ટલ એટલે કે 83000 બોક્સની આવક નોંધાઇ છે. ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ આ કેસર કેરીની આવક વધારે નોંધાશે અને આવનારા દિવસોમાં આ કેરીના ભાવ પણ ઘટવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
હાલ કેસર કેરીની આવક નોંધાતા હવે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અનેક નિકાસકારો જૂનાગઢમાં આવી ગયા છે. ત્યારે જૂનાગઢમાંથી કેરી બહાર નિકાસ કરવામાં આવતી હોય છે. જુનાગઢ જિલ્લાની બહાર રાજ્યના દરેક જિલ્લામાં તથા રાજ્ય બહાર પણ સારી એવી નિકાસ હાલમાં કરવામાં આવી રહી છે.
કેરીની સારી આવક નોંધાતા હાલમાં ભાવ ઘટવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જૂનાગઢમાં હાલમાં કેરીના બોકસમાં વધુમાં વધુ ઊંચો ભાવ 1300 સુધીનો બોલાય રહ્યો છે જે કેરી ઊંચી જાત અને દાણાવાળી કેરી સારો ભાવ બોલાઈ રહ્યો છે. આજે હરાજીમાં 500 થી 1300 સુધી બોક્સની કિંમત બોલાઈ હતી.
આજે ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની કુલ 803 ક્વિન્ટલની આવક નોંધાઇ હતી. જેનો ઊંચા ભાવ મણ દીઠ 3000 જ્યારે નીચા ભાવ 600 આસપાસ રહ્યા હતા.