Homeદેશ વિદેશસૌરાષ્ટ્ર રણજી ચેમ્પિયન

સૌરાષ્ટ્ર રણજી ચેમ્પિયન

સૌરાષ્ટ્રના શૂરવીરો: રવિવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં વર્ષ ૨૦૨૨-૨૦૨૩ની રણજી ટ્રૉફી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજયની મોજ ઉત્સાહપૂર્વક વ્યક્ત કરતા સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીઓ. (પીટીઆઈ )

કોલકાતા: રણજી ટ્રોફી ૨૦૨૩ની ફાઇનલમાં સૌરાષ્ટ્રે બંગાળને નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે સૌરાષ્ટ્રની ટીમ છેલ્લી ત્રણ સીઝનમાં બીજી વખત ચેમ્પિયન બની છે. ફાઈનલ મેચમાં કેપ્ટન જયદેવ ઉનડકટે શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી છે. ફાઈનલ મેચમાં બંગાળે પ્રથમ દાવમાં ૧૭૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં ૪૦૪ રન બનાવ્યા હતા. આ સાથે જ બંગાળની ટીમ બીજા દાવમાં માત્ર ૨૪૧ રન જ બનાવી શકી હતી. આવી સ્થિતિમાં સૌરાષ્ટ્રે બીજી ઇનિંગમાં એક વિકેટ ગુમાવીને ૧૪ રન બનાવી ફાઇનલ મેચ જીતી લીધી હતી. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે મેચમાં નવ વિકેટ ઝડપી પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર અર્પિત વસાવડાને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
જયદેવ ઉનડકટે પોતાની કેપ્ટનશીપમાં સૌરાષ્ટ્રને બીજી વખત ચેમ્પિયન બનાવ્યું છે. તેણે કેપ્ટન તરીકે અને ખેલાડી તરીકે બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને ત્રણ વર્ષમાં બે વખત પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યો છે.
સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને શાનદાર શરૂઆત કરી હતી. ઝડપી બોલર ચેતન સાકરિયા અને ઉનડકટે મળીને બે રનમાં બંગાળના ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ પછી બંગાળે ૬૫ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શાહબાઝ અહેમદ અને અભિષેક પોરેલે ૧૦૧ રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી અને ટીમનો સ્કોર ૧૬૬ રન સુધી પહોંચાડ્યો હતો. શાહબાઝ ૬૯ અને અભિષેક ૫૦ રન બનાવીને આઉટ થયા હતા. આ બે સિવાય અનુસ્તુપ મજુમદાર (૧૬) અને આકાશ ઘટક (૧૭) જ બે આંકડાને સ્પર્શી શક્યા હતા. બંગાળના ત્રણ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બંગાળે પ્રથમ દાવમાં ૧૭૪ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ચિરાગ જાની અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને બે-બે વિકેટ મળી હતી.
બંગાળને પ્રથમ દાવમા ૧૭૪ રનમાં ઓલ આઉટ કર્યા બાદ સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં શાનદાર બેટિંગ કરી હતી. હાર્વિક દેસાઈ, શેલ્ડન જેક્સન, અર્પિત વસાવડા અને ચિરાગ જાનીએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન ઉનડકટ, જય ગોહિલ અને ચેતન સાકરિયા જ એવા ખેલાડીઓ હતા જેઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. સમગ્ર ટીમના શાનદાર પ્રયાસના આધારે સૌરાષ્ટ્રે ૪૦૪ રન બનાવ્યા હતા અને પ્રથમ દાવમાં ૨૩૦ રનની નિર્ણાયક લીડ મેળવી હતી. બંગાળ તરફથી મુકેશ કુમારે ચાર અને આકાશદીપ અને ઈશાન પોરેલે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
બીજી ઈનિંગ્સમાં બંગાળે થોડું સારું પ્રદર્શન કર્યું અને ૨૪૧ રન બનાવ્યા હતા. અનુસ્તુપ મજુમદાર અને કેપ્ટન મનોજ તિવારીએ અડધી સદી ફટકારી હતી. જયદેવ ઉનડકટે છ અને ચેતન સાકરિયાએ ત્રણ વિકેટ લઈને બંગાળને મોટો સ્કોર કરતા અટકાવ્યું હતુ. ચોથા દિવસે સૌરાષ્ટ્રને બીજા દાવમાં જીતવા માટે ૧૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો અને સૌરાષ્ટ્રે એક વિકેટ ગુમાવીને ૧૪ રન બનાવ્યા હતા અને બીજી વખત રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -