મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા બાદ હવે સૌરભ ભારદ્વાજ અને આતિશી દિલ્હી સરકારના પ્રધાનમંડળમાં સામેલ થવાની ચર્ચા જોરમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવશે તો આતિશી અને સૌરભ ભારદ્વાજને દિલ્હી સરકારમાં નવા પ્રધાન બનાવવામાં આવશે. આ અંગે બંને વિધાનસભ્યોના નામ લેફ્ટનન્ટ ગવર્નરને મોકલવામાં આવ્યા છે.
દિલ્હી સરકારના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નવ મહિના પહેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં છે. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં સીબીઆઈએ હાલમાં જ કસ્ટડીમાં લીધા છે. સિસોદિયા પાસે અનેક મહત્ત્વના મંત્રાલયોનો હવાલો છે.
નવા પ્રધાનોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે, તેમના શપથ ગ્રહણમાં થોડો સમય લાગી શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામા સ્વીકારાયા બાદ જ નવા પ્રધાનોની નિમણૂક કરવામાં આવશે.
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને તેમના પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. કેજરીવાલ પછી આમ આદમી પાર્ટીમાં મનીષ સિસોદિયા સૌથી મોટા નેતા છે. તેમની પાસે દિલ્હી સરકારમાં 33માંથી 18 વિભાગો હતા.