સાત્વિકમ શિવમ – અરવિંદ વેકરિયા
અમિત દિવેટિયાએ મને પોતાના પ્રોબ્લેમની વાત તો કરેલી જ અને એમણે પણ વસાણીકાકાની ઑફિસે જઈ મારા નાટક વિષે વાત કરી જ હતી એ પણ મેં જાણી લીધું. સાલું, ઘણીવાર મને થતું કે આ નાટક પણ ગજબનું બજાર છે, જ્યાં સલાહો થોકબંધ મળે છે અને સહકાર વ્યાજ પર…
મારી યાદશક્તિ ઉપર ક્યારેક મને માન થતું , હું જે નાટકનું દિગ્દર્શન કરતો હોઉં એ લગભગ આખ્ખું યાદ રહી જતું. આવું જ અમિત દિવેટિયાનું પણ હતું. ઘણાને આવી કુદરતી બક્ષિસ હોય છે. (આગળ પપ્પાની સેક્રેટરી, જે મેં માત્ર અમુક કલાકોમાં જ તૈયાર કરેલું જો કે એનો યશ શૈલેશ દવેને જાય.)
નયન ભટ્ટની સાથે, જે અમિત દિવેટિયા રોલ કરતા હતા, મેં
પણ રિહર્સલ શરૂ કરી દીધા. સાળી સધ્ધર… માં પણ મારે
વિટંબણા આવેલી પણ પ્રભુકૃપાથી એમાંથી સાંગોપાંગ બહાર નીકળી ગયેલો.
આ વખતે નટરાજ મારી ખરી કસોટી કરી રહ્યા હતા. …પણ આ નાટક છે, જેમાં માત્ર ‘મોરલ’ બાયડિંગ હોય છે, ફિલ્મોની જેમ કોઈ લેખિત કરાર નથી હોતા, પરંતુ મોરાલિટી તોડતા કલાકારો વિષે લખવું પણ ખોટું છે. મન મનાવ્યું, કે આવી પડેલ પરિસ્થિતિને પહોંચી તો વળવું જ પડશે. મોરલ તોડતા કલાકારોથી ડરીને ચાલે એમ નહોતું. નાટક સાથે સંકળાયેલ બીજા કલાકાર-કસબીઓ માટે તો નાટક ચાલુ રહે એ જોવાની મારી નૈતિક ફરજ હતી, એક દિગ્દર્શક તરીકે ! આ મહેનત મારે કરવી જ રહી. જે ઝાડ પર ફળ ઊગે છે એને જ દુનિયા પથ્થર મારતી રહે છે એ વણલખ્યો નિયમ છે…
કિશોર દવે અને કિશોર ભટ્ટ ભેગા મળી મને ‘પ્રોડ્યુસર્સ ગીલ્ડ’ ની ધમકી આપી ગયા ત્યારે મને પણ બે-ઘડી થઇ ગયેલું કે શો રદ કરી નાખું. અને દેવયાની ઠક્કરે દાખવેલા વર્તન બદલ હું જ ‘પ્રોડ્યુસર્સ ગીલ્ડ’ માં સામેથી ફરિયાદ કરું. પણ એ વિચારને કોરાણે મૂકી નયન ભટ્ટ સાથેના બીજા બે દિવસના રિહર્સલ ચાલુ રાખ્યા.
આ દિવસોમાં રાજેન્દ્ર શુકલ પણ અમદાવાદથી ઑફિસનું કામ પતાવી આવી ગયો. હું રિહર્સલ પૂરું કરી ઘરે આવ્યો ત્યાં જ નિર્માતા તુષાર શાહનો ફોન આવ્યો….
તુષારભાઈ: “તમે પારડીના મારા નવા ઘરની વાસ્તુપૂજામાં કેમ ન આવ્યા?
હું: (હસતા) “અહીંયા મારું જ ઉઠમણું થતું હોય ત્યાં પૂજા ક્યાંથી યાદ રહે?
તુષારભાઈ: “એટલે?
મેં ફરી મારી આખી વાર્તા એમને કહી સંભળાવી.
તુષારભાઈ: “આ શો પછી તો ફરી હશોને.
હું: “જેમ દેવયાનીબેને છ-સાત દિવસ રિહર્સલ કરેલા અને આખ્ખું નાટક એટલા જ દિવસમાં રિલીઝ કરેલું, તો હવે નયન ભટ્ટ, કે જેમણે મને મદદ કરી એમને ‘કમ્ફર્ટેબલ’ થવા, બે દિવસ શો પછી રિહર્સલ રાખવા જ પડશેને?
તુષારભાઈ: “મારું નાટક કરવાનું જ છે જે મેં અગાઉ તમને કહ્યું જ છે…
હું: “મને યાદ છે.. રાજેન્દ્ર શુકલ અમદાવાદ હતો અને તમે પારડી.. હવે બંને આવી ગયા છો તો આ ‘ઘેર ઘેર….’ નો શો પરફેક્ટ થઇ જાય ત્યાં સુધી તમે બંને મળી લો…
તુષારભાઈ: “ના.. તમે તો હોવા જ જોઈએ ને?
હું: “ઓ.કે. ..કાલે રિહર્સલમાં આવો. રાજેન્દ્ર તો આવવાનો જ છે. રિહર્સલ પછી આપણે બેસીને શાંતિથી વાત કરીએ.
મેં એમને શાંતિ નિવાસ ઉપર મોડેથી આવવાનું કહી ફોન મૂકી દીધો.
એમની નાટક કરવાની ઇચ્છા પેટ્રોલના વધતા ભાવની જેમ વધતી જતી હતી જ્યારે મને મળેલા અનુભવે નાટક કરવાની મારી ઇચ્છા આવકની જેમ ઘટી રહી હતી.
બીજે દિવસે રિહર્સલ કર્યા. મેં નયનબેનને પૂછી જોયું કે જી.આર.ની એમને જરૂર લાગે છે? એમણે સ-સ્મિત મને કહ્યું કે એવા ખોટા ખર્ચ કરવાની જરૂર નથી. ઘનશ્યામભાઈ અને નિર્માતા દીપકભાઈ બંને ખુશ હતા. ઘનશ્યામભાઈએ પોતાની આગવી અદામાં મને કહ્યું કે દોસ્ત, કપડાનું મેચિંગ કરવામાં શરીર સુંદર દેખાય જ, પણ તે તો પરિસ્થિતિ સાથે મેચિંગ કરી નાટક સરસ બનાવી દીધું.
સાંજ પહેલા રાજેન્દ્ર શુકલ આવ્યો. પ્રેમથી ભેટ્યો. નયનબેનનો આભાર માન્યો. ૮-૮,૩૦, વાગે તુષાર શાહ પણ આવી ગયા. લગભગ રાત્રે નવ વાગે રિહર્સલ પૂરા કર્યા. એ પછી હું, રાજેન્દ્ર અને તુષારભાઈ ‘શાંતિ-નિવાસ’માં જ બેઠા.
તુષારભાઈ: “તો હવે દાદુને થોડા છુટ્ટા કરી મારે માટે કોઈ વિષય આપો તો આપણે નાટક શરૂ કરીએ.
રાજેન્દ્ર: “મેં ક્યા દાદુને બાંધ્યો છે? આ નાટક ‘ઘેર ઘેર..’ મેં નથી લખ્યું, અનિલ મહેતાએ લખ્યું છે.
તુષારભાઈ: “આપણે માટે હવે ક્યારે?
રાજેન્દ્ર: “મેં અગાઉ પણ દાદુને કહ્યું હતું કે એક સરસ સબ્જેક્ટ છે, પણ હું જરા સૈદ્ધાંતિક બંધાએલો હતો. મેં એ વ્યક્તિ સાથે વાત કરી લીધી છે.એ હવે એ વિષયનું નાટક નહિ કરે, આપણે કરીશું.
હું: “જો, ગોળ-ગોળ વાત કરવાનું મુક રાજેન્દ્ર, ચોખ્ખું કહે…
રાજેન્દ્ર: “મારું લખેલું એ પહેલું નાટક.. ભલે દાદુએ ‘તિરાડ’ કર્યું, પણ એ બીજું. પહેલું નાટક મેં નરહરિ જાની માટે લખેલું.. રોલ એને લાયક હતો. પછી એણે પપ્પાની સેક્રેટરી કર્યું. હમણાં એ કેમિકલ બજારમાં અટવાયેલો છે. મેં કહ્યું કે દાદુને આ સબ્જેક્ટ કરવો છે તો એણે કહ્યું કે દાદુને કરવો છે? બિન્દાસ આપી દે. આમ પણ મારા દિગ્દર્શનનું પહેલું નાટક, એનો પહેલો મારો શો એણે જ સાચવી આપેલો…
તુષારભાઈ: “શું પ્લોટ છે?
રાજેન્દ્ર: “જુઓ, સાળી સદ્ધર.. દાદુ પાસે મેં માંડ કરાવ્યું. આ નાટકમાં ‘કોલગર્લ’ની વાત છે. દાદુએ મોઢું ન બગાડવું જોઈએ! મારું તો એવું છે તુષારભાઈ, કંઈક અલગ કરવું હોય તો ભીડથી હટીને કરવું કેમ કે ભીડ તમને સાહસ જરૂર પ્રેરે પણ ઓળખ છીનવી લે, આપણે ઓળખ બનાવવી છે.
હું: “પાછું ગોળ-ગોળ? વાત તો માંડ…
તુષારભાઈ: “હાસ્તો…
રાજેન્દ્ર: “જુઓ, હું અમદાવાદ ગયો એ પહેલા નરહરિ જાની સાથે મેં ફોન પર વાત કરેલી. હું કાલે એને રૂબરૂ મળી લઉં છું, ત્યાં સુધીમાં દાદુનો આ શો પણ પતી જશે. એનું ટેન્સન ઓછું થઇ જશે. એ ટેન્સનમાં ન હોય ત્યારે મજા આવે. એના શો પતી ગયા પછી મળીએ.
રાજેન્દ્રના મૌનમાં દટાયેલો અર્થ અને શાંતિમાં છુપાએલો અવાજ મને સમજાય ગયો.
નિખાલસ હાસ્યને કોઈ ગરીબી નડતી નથી,
આ જાહોજલાલી બધા અમીરોને મળતી નથી…
—
ડબ્બલ રિચાર્જ
જો સ્વર્ગમાં જવું હોય તો મા નાં પગ દબાવીને જુઓ….
પછી મા આપણી હોય કે આપણા ટેણિયાની….