સાત્ત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા
ઈશ્ર્વરના દર્શન અને મિત્રનું માર્ગદર્શન, બન્ને જીવનને પ્રકાશિત કરી દે છે. મેં ગયા સપ્તાહે જ કહેલું કે શૈલેશ દવે મારા વડીલ કરતાં મારા મિત્ર વધારે હતા. એક મિત્ર તરીકે પોતાના નાટકનું ટાઈટલ ‘કાચના સંબંધ’ રાખી ‘છાનું છમકલું જાહેરમાં’ મારા નાટક માટે આપી દીધું.
મારા નાટકના રિહર્સલમાં જ્યારે મેં ટાઈટલ ‘છાનું છમકલું’ની વાત કરી ત્યારે બધા કલાકારો રાજી થઇ ગયા, અને આ ક્રેડીટ માટે મેં શૈલેશ દવેનું નામ બે-ધડક લીધું જેમાં કઈ ખોટું પણ નહોતું. કિશોર દવે એ આ શીર્ષક ઉપર થોડો મોળો પ્રતિસાદ આપ્યો. મેં એ બાબત વાત વધુ વધારી નહિ અને ચુપ રહ્યો. કોઈ સંબંધો એટલે ચુપ છે, કારણકે ચુપ છે એટલે સંબંધ છે. મને ફરી દેવયાનીબેનની વાત અચાનક યાદ આવી ગઈ, સાથે રાજેન્દ્ર શુકલની નાની શિખામણ પણ યાદ આવી કે ‘દેવયાનીબેનની કોઈ વાત ઉખેળતો નહિ’ અને બસ, હું ચુપ રહ્યો. માહૃલો તો વાત વિસ્તારવા માગતો હતો પણ મેં સંયમ જાળવી રાખી સંબંધને સાચવી રાખ્યો. આમ પણ મારો સ્વાર્થ તો હતો જ, મારું નાટક રિલીઝ કરવાનું હતું. કદાચ જીભ લપસે અને કિશોર દવે સરકવાની વાત કરે તો ફરી એકડે એકથી ગણતરી શરૂ કરવી પડે જેમાં રીહર્સલ પ્રોસેસમાં સાથી કલાકારો પણ ખેંચાયા કરે. એમણે બતાવેલા અણગમા સામે પણ મેં કોઈ પ્રતિભાવ બતાવ્યા વગર મારું મો હસતું જ રાખ્યું. હસતો ચહેરો મોટું હથિયાર છે, હારેલા માણસને હસતો ચહેરો જીતેલાની ખુશીને પણ મારી નાંખે છે. ઠીક છે, કિશોર દવેને કદાચ ટાઈટલ નહિ ગમ્યું હોય પણ બાકીના સાથી કલાકાર, ઇવન કિશોર ભટ્ટે પણ ટાઈટલ વધાવી લીધું એ ગમ્યું. હું નાટકનો દિગ્દર્શક, જે નાટકની કથાવસ્તુ આદિથી અંત સુધી પચાવી બેઠો હતો. મારા હિસાબે ‘છાનું છમકલું’ પરફેક્ટ ટાઈટલ હતું. બધાએ મારા અભિગમની દિલથી કદર કરી, સિવાય કિશોર દેવેએ. વાંધો નહિ, કેટલાક લોકો પોતાની અક્કડને લીધે સંબંધો ખોઈ બેસે છે તો કેટલાક સંબંધો સાચવવામાં કદર ખોઈ બેસે… મને કદર કરતાં સંબંધની અને મારા નાટકની રજૂઆતનાં સ્વાર્થની અહેમિયત વધુ હતી.
રિહર્સલ ચાલતા રહ્યાં. રાજેન્દ્ર શુકલે પણ મારી પાસે શૈલેશ દવેનો ટાઈટલ માટે આભાર માન્યો.
વચ્ચે-વચ્ચે તુષારભાઈનો ફોન આવ્યા કરતો. એમનું રોકાણ લંબાતું જતું હતું. પણ નાટક, જે તેઓ કરવાના હતા, એના વિષે અચૂક પૂછ્યા કરતા અને હું નાટકના પ્રોસેસ બાબત વાત કરી દેતો.
ધીમે ધીમે રિલીઝનો સમય નજીક આવી રહ્યો હતો. નાટક સસ્પેન્સ-કોમેડી હતું. દુ:ખ એ વાતનું હતું કે કિશોર ભટ્ટ સંવાદોમાં લોચા માર્યા કરતાં. સામાજિક નાટક હોય તો થોડું ચાલી જાય (જોકે એવું પણ ચાલવું ન જોઈએ) પણ રહસ્ય નાટકમાં અમુક વાતોના અંકોડા છૂટી જાય તો પ્રેક્ષકોને બેવકૂફ બનાવવાની ગીલ્ટ-ફિલ થાય. હું કિશોર ભટ્ટને સંવાદો મોઢે કરવા પ્રેમથી કહેતો અને એ માનતા પણ ખરા, પણ પાછું બીજે દિવસે, એક નહિ તો બીજી જગ્યાએ ડાયલોગ ભૂલી જતા. તમે જ્યારે પ્રોફેશનલ કામ કરતાં હો ત્યારે તમારે તમારા કામ પ્રત્યે સંપૂર્ણ વફાદાર રહેવું જ જોઈએ, નીતિ જો સારી હોય તો ક્યારેય કોઈ રણનીતિ ઘડવાની જરૂર ન પડે. આ વાત એટલે કરી કે ક્યારેક એ લેખકના લખાણનો, તો ક્યારેક વાક્યોની ગોઠવણીનો વાંક કાઢી પોતાનો ભૂલવાનો વાંક છુપાવવાની એમની આ રણનીતિ મને ખોટો આડંબર જ લાગતો. તમે સીનીયર છો, તમને એ રિસ્પેક્ટ મળે છે, તો પછી કામ પ્રત્યે તમારે વફાદાર રહેવું જોઈએ, એવું મારું માનવું છે. આજે સમજાય છે કે કલ્પનાઓ લખવી જેટલી સહેલી છે, કલાકાર માટેની મારી ભાવના લખવી એટલી જ અઘરી પડે છે.
નાટક તૈયાર થઇ ગયું. ગ્રાન્ડ-રિહર્સલમાં થોડી તકલીફ આવી. કિશોર દવે કોફી પીતા. હિન્દુજા થીયેટરમાં રાત્રીના જી.આર.માં શક્ય બન્યું ત્યાં સુધી ચા-કોફી આવતા રહ્યાં, પણ મોડી રાતે બીજા અંકમાં ચા-કોફી મળ્યા નહિ. કિશોર દવે જીદ લઈને બેઠા કે ‘હું કોફી વગર જી.આર. નહિ કરી શકું’. મેં નેપથ્યના કસબીને દોડાવ્યા અને કિશોર દવેને રીતસર ‘રીક્વેસ્ટ’ કરી, પ્લીઝ કિશોરભાઈ, તમે જી.આર. ચાલુ રાખો. આ સમય તો જુઓ. આ રાતના સમયે કોફી કેવી રીતે હું મેળવી શકું?’ સામે કિશોરભાઈ મને કહે કે ‘મારી આજ વિકનેસ છે. મારે કોફી જોઈએ જ. જે નિર્માતાઓ સાથે મેં કામ કર્યું છે એ બધા મારી આ નબળાઈથી વિદિત છે, તેઓ વ્યવસ્થા કરી રાખે છે’. મેં કહ્યું કે, ‘કિશોરભાઈ, આપણે તો પહેલીવાર સાથે કામ કરી રહ્યાં છીએ. અને… આવો સમય મારે માટે આવ્યો નથી. આ બાબત હું જાણતો નહોતો એટલે…’ કિશોર દવે વચ્ચે જ બોલ્યા, ‘એ હું ન જાણું દાદુ. મારે કોઈ ઝઘડો નથી કરવો. કોફી મળે તો ઠીક નહીતો પછી જી.આર. કાલ પર રાખ અને કાલે કોફીની વ્યવસ્થા હું જ કરતો આવીશ’. વાત જી.આર. બંધ કરાવવા સુધી પહોંચી ગઈ. બધા ટેન્સનમાં આવી ગયા. કિશોર ભટ્ટે પણ કિશોર દવેને સમજાવ્યા. કિશોર દવેએ એમને પણ સંભળાવી દીધું, ‘ભટીયા, તું આ વાતમાં વચ્ચે ન પડ. હું મારી આદતથી મજબુર છું’.
મેં બેકસ્ટેજ કસબીને રેલ્વે સ્ટેશન પર જઈ તપાસ કરવા કહ્યું. જી.આર. બંધ રહ્યો. ત્યાં સુધી અમે પ્રોપર્ટી અને બીજી નાટક અંગેની વસ્તુઓ ચેક કરવા બેઠા. એ સિવાય બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં હતો! સ્ત્રી-હઠ, બાળ-હઠ અને રાજ-હઠ વિષે સાંભળેલું, પણ આવી ‘કિશોર-હઠ’નો અનુભવ
પહેલીવાર અનુભવ્યો.
બાકીના કલાકારો ગ્રીન-રૂમમાં જઈ બેસી ગયા. સંજીવ શાહ, આગળ રાજેન્દ્રએ કહેલું કે એટીટ્યુડ બતાવતો કલાકાર, જેને મારી સાથે સારું બનતું અને મિત્રભાવે જ વાત કરતો. એ પણ મારી પાસે આવી ઉશ્કેરાયને બોલ્યો, ‘દાદુ, યે કૈસા આર્ટીસ્ટ યાર! નિકાલ દે… દુનિયા કિસીકે બીના રુકતી નહિ’. મેં એને શાંત કરતાં કહ્યું, ‘દોસ્ત… આ જી.આર. છે. નિર્માતાના પૈસા અને તમારા બધાની મહેનત, બન્ને દાવ પર લાગ્યા છે. એની કોફીની આદત સામે હું એવો નિર્ણય કઈ રીતે લઇ શકું?’
ત્યાં જ બેકસ્ટેજ-કસબી સ્ટેશન પરથી કોફી મળી જતા કોથળીમાં લઇ આવી પહોંચ્યો. એ પણ કિશોર દવેની આવી વર્તણૂક પર ચીઢાયો હશે એટલે મોટી કોથળી ભરી ૫-૬ કપ કોફી લઇ આવ્યો. સાથે કોફી-પાઉડર પણ પડીકીમાં લેતો આવેલો કે કિશોર દવે કહે કે મારે તો સ્ટ્રોંગ કોફી જ જોઈએ તો કામ લાગે.
હારે એ જ છે જે વારંવાર ફરિયાદ કરતાં રહે છે, અને જીતે એ જે કોશિશ વારંવાર કરે છે. મારી કોશિશે કોફી મળી ગઈ અને જી.આર.નો બીજો અધ્યાય શરૂ કર્યો.
શિરસ્તો હતો કાલને આજ પણ છે, ન જીતી શકો તો પણ રમતું જવાનું,
નથી આપનું મુલ્ય ઝાકળથી જાજુ, ટપકતા ટપકતા નીતરતું જવાનું.
ડબ્બલ રીચાર્જ
મુન્ગડી: જમાદાર સાહેબ.. મારો ધણી ૧૦ દિવસથી ઘરે નથી આવ્યો.
જમાદાર: એની કોઈ નિશાની છે?
મુન્ગડી: છે… પણ ઈ નિશાળે ગયો છે.