મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
વિપશ્યના સત્યની ઉપાસના છે, સત્યમાં જીવવાનો અભ્યાસ છે. સત્ય એટલે યથાર્થ. યથાર્થ આજ ક્ષણનું હોય. ભૂતકાળની તો યાદો જ હોય છે અને ભવિષ્ય કાળની કલ્પના-કામનાઓ. વાસ્તવિકતા આ જ ક્ષણની હોય છે. તેથી વિપશ્યના આ જ ક્ષણમાં જીવવાનો અભ્યાસ છે. આ ક્ષણ, જેમાં ભૂતકાળની કોઈ છાપ નથી અથવા ભવિષ્યની કોઈ કલ્પના નથી. યાદોની વ્યાકુળતા નથી કે સ્વપ્નોની ઝંખનાઓ નથી. કોઈ આવરણ વગર ભ્રમ-ભ્રાંતિ વગર આ ક્ષણનું જે સત્ય છે, જેવું પણ છે, તેને બસ તેવું જ, તેના સાચા સ્વભાવમાં જોવું, સમજવું એ જ વિપશ્યના છે. સમ્યક્ દર્શન છે, સમ્યક્ જ્ઞાન છે. વિપશ્યના બુદ્ધિ વિલાસ નથી, પરંતુ શુદ્ધ ધર્મને, શીલને જીવનમાં ઉતારવાની વિધિ છે. સ્વયં સુખથી જીવવાની તથા અન્યને સુખેથી જીવવા દેવાની કલ્યાણકારિણી જીવન પદ્ધતિ છે. વિપશ્યના સ્વનિર્ભરતા છે. સ્વાવલંબનની સર્વોત્કૃષ્ટ સાધના છે. વિપશ્યના સ્વદર્શન, સ્વનિરીક્ષણ અને સ્વપરીક્ષણ છે. પોતાની અંદરની કેટલી મલિનતા નીકળી? કેટલી બાકી છે? કેટલી નિર્મળતા આવી? કેટલી બાકી છે? સ્વયં પોતાનો હિસાબ-કિતાબ રાખતા રહેવાની જાગરૂકતા એટલે વિપશ્યના.
વિપશ્યના શીલ સમાધિમાં સ્થિત થઈને આંતરપ્રજ્ઞા જાગૃત કરવાનો પાવન અભ્યાસ છે. પ્રજ્ઞા પુષ્ટ કરતાં કરતાં સ્થિતપ્રજ્ઞ થવાનો સત્પ્રયાસ છે. અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો થતાં જ તેને બરાબર જોયા, સમજ્યા વિના અંધ પ્રતિક્રિયા કરવી એ દુષ્પ્રજ્ઞતા છે. આ જ માનસિક વિકૃતિ છે, ઉત્તેજના છે, અસંતુલન છે, અશાંતિ છે, તેથી જ દુ:ખ છે, પરંતુ આવી દરેક અવસ્થાને જોઈ સમજીને પોતાના મનની સમતા જાળવી રાખવી એ પ્રજ્ઞા છે. એ જ વિપશ્યના છે. અન્યને બદલવાના પ્રયત્ન પહેલાં સ્વયંને-પોતાને બદલવું, આ જ વિપશ્યના છે. વિપશ્યના એક વૈજ્ઞાનિક, સરળ, વ્યવહારિક, બિનસાંપ્રદાયિક અને આશુફલદાયિની ધ્યાન પદ્ધતિ છે. માનવ જાતને દુ:ખ મુક્ત કરવાનો એક વૈશ્ર્વિક ઉપાય છે. કોઈપણ પરંપરાની વ્યક્તિ તેનો અભ્યાસ કરી શકે છે અને લાભાન્વિત થઈ શકે છે.
સમગ્ર સંસારમાં અશાંતિ અને બેચેની નજરે પડે છે. સુખ અને શાંતિ તો સૌ કોઈને જોઈએ છે. શાંતિપૂર્વક જીવન જીવતા આવડી જાય તો જીવન જીવવાની કળા હસ્તગત થાય. સાચો ધર્મ જીવન જીવવાની કળા છે. જેનાથી આપણે જાતે પણ સુખ શાંતિથી જીવીએ અને અન્યને પણ સુખ અને શાંતિથી જીવવા દઈએ. શુદ્ધ ધર્મ આ જ કળા શીખવે છે. એટલા માટે તે સર્વજનીન, સાર્વભૌમિક, સર્વદેશીય અને સર્વકાલીન છે.
પ્રશ્ર્ન એ થાય છે કે જીવનમાં દુ:ખ શા માટે આવે છે? શા માટે આપણે અશાંત અને બેચેન બની જઈએ છીએ? ગંભીરતાથી વિચારતા સ્પષ્ટ સમજાય છે કે, જ્યારે મનમાં વિકાર જાગે છે, ત્યારે અશાંત બની જઈએ છીએ. મનમાં ક્રોધ કે લોભ, ઈર્ષ્યા કે ભય જેવા વિકારો જાગે છે, ત્યારે આપણે વિશુદ્ધ બની જઈ મનનું સંતુલન ખોઈ બેસીએ છીએ. સ્વયં દુ:ખી થઈ બીજાઓને પણ દુ:ખી કરીએ છીએ. તો બીજો પ્રશ્ર્ન એ ઊઠે છે કે, આ વિકારો ક્યારે જાગે છે? શા માટે જાગે છે? કોઈ અપ્રિય ઘટના બની કે પ્રતિક્રિયા રૂપે વિકાર જાગે છે. તો શું એ સંભવ છે કે દુનિયામાં રહેવા છતાં ક્યારેય અપ્રિય ઘટના બને નહીં? કોઈને કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવતી જ રહેશે. વિપશ્યના સાધના દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મનને શાંત અને સંતુલિત કેમ રાખી શકાય, તે શીખવા મળે છે. પ્રતિકૂળ સંજોગોમાં પોતાનું રક્ષણ કેમ કરવું તે શીખવા મળે છે.
કોઈ મને ગાળો દે કે અપમાન કરે તો પણ હું ક્ષુબ્ધ ન બનું, વિકાર ના જન્માવું એમાં જ મારી સુરક્ષા છે. કોઈ વ્યક્તિ મારી સાથે અયોગ્ય વ્યવહાર કરે અથવા તેના દોષોને લીધે મને ક્ષોભ થાય, વિકાર જાગે તેનું કારણ મારા મનમાં સંચિત થયેલી અહંકાર, આસક્તિ, રાગ-દ્વેષ-મોહ વગેરેની ગ્રંથિઓ છે. અપ્રિય ઘટનાઓ દ્વારા એ ગ્રંથિઓ પર આઘાત લાગવાથી ક્રોધ, દ્વેષ વગેરે વિકારો ચેતન મનની સપાટી પર આવે છે. જો અચેતન મન-અંતર્મન શુદ્ધ હોય, વિકાર વિહીન હોય તો વિષમ ઘટનાઓથી અશાંતિ થતી નથી. વિકાર જાગતા નથી.
જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે મનમાં વિકારો ઉત્પન્ન ન થાય એ માટે મનને બીજી તરફ વાળી દઈએ, કોઈ બીજા ચિંતનમાં કે બીજા કામમાં લગાવી દઈએ, તો થોડો ફાયદો થાય છે, પરંતુ આ સાચો ઉપાય નથી. પરિસ્થિતિઓથી ભાગવાથી સમસ્યાનો ઉકેલ નથી આવતો. જેને આપણે બીજી તરફ વાળ્યું એ તો ઉપર ઉપરનું ચેતન મન છે. અંદરનું અર્ધચેતન-અચેતન મન મુંજ-કાથીની દોરીની જેમ અકડાતું રહીને ગાંઠો બાંધતું જ રહે છે. ભવિષ્યમાં જ્યારે કોઈ પણ વખતે આ ગાંઠો-ગ્રંથિઓ ઉભરાઈને ચેતન મન પર આવશે, ત્યારે તે વધારે અશાંતિ, વધારે બેચેની લઈને આવશે. તેથી પલાયન કરવું એ સમસ્યાનું સમાધાન નથી. રોગનો સાચો ઈલાજ નથી. આજે સમગ્ર વિશ્ર્વમાં પરિવર્તનની હવા ઊઠી છે. સર્વત્ર લોકો ઝંખે છે કે, કોઈ એવો ઉપાય મળે કે જેનાથી શાંતિ, સંપ અને મનમેળ પાછા આવે. મનુષ્યને સદ્ગુણોની સાર્થકતામાં ફરી વિશ્ર્વાસ બેસે. સામાજિક, સાંપ્રદાયિક તથા આર્થિક બધા જ પ્રકારની પીડાઓમાંથી મુક્તિ મળે અને સુરક્ષાનું વાતાવરણ સર્જાય. આ બધા પ્રશ્ર્નોનો ઉકેલ અને ઉપાય વિપશ્યના પાસે છે.
ભગવાન ગૌતમ બુદ્ધે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો અને સર્વે લોકોના કલ્યાણ માટે એને લોકસુલભ બનાવ્યો. તેમણે સ્વાનુભવના બળે જાણ્યું કે આવા પ્રસંગે પલાયન થવાને બદલે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. કોઈ પણ ઘટનાના કારણે જે વિકાર ઉત્પન્ન થાય તેને યથાર્થ સ્વરૂપમાં જોવો જોઈએ. ક્રોધ જાગ્યો છે, તો ક્રોધને યથા તથ જોવો જોઈએ. આમ તેને દ્રષ્ટા ભાવે જોતા રહીએ તો ક્રોધ શાંત થઈ જશે. આ જ પ્રકારે જે કોઈ વિકાર ઉત્પન્ન થાય તેને સાક્ષી ભાવે જોવાથી તેની શક્તિ ક્ષીણ થઈ જાય છે. મુશ્કેલી એ છે કે, જ્યારે
ક્રોધ કે અન્ય વિકાર જાગે છે, ત્યારે ખબર નથી રહેતી કે ક્રોધ આવ્યો છે. વિકાર આવ્યો છે. ક્રોધ કર્યા પછી જ હોશ આવે છે અને આપણને થાય છે કે મોટી ભૂલ થઈ ગઈ. કોઈને ગુસ્સાના માર્યા ગાળો આપી કે મારઝૂડ કરી તે બદલ પસ્તાઈએ છીએ, પરંતુ પછી એવી જ પરિસ્થિતિ બીજીવાર આવતા ફરીથી તેવું જ વર્તન કરીએ છીએ. વાસ્તવિક પરિસ્થિતિ આવે છે, ત્યારે હોશ ઠેકાણે રહેતો નથી અને પાછળથી જે પસ્તાવો કરીએ, ત્યારે મોડું થઈ ગયું હોય છે. તેનાથી કંઈ લાભ થતો નથી.
તો સમસ્યા એ છે કે વિકાર પેદા થાય ત્યારે આપણને કોણ ભાનમાં લાવે? શું આપણને ચેતવણી આપવા માટે કોઈ મદદનીશ રાખશો ? પણ એ શક્ય નથી. માની લો કે શક્ય છે. કોઈએ ચેતવણી આપવા માટે કોઈ મદદનીશ રાખી લીધો અને સમય આવે મદદનીશે ચેતવણી આપી કે, ‘જુઓ શેઠ! ક્રોધ આવી રહ્યો છે.’ તમે તે ક્રોધને જુઓ તો મુશ્કેલી એ થશે કે અમૂર્ત ક્રોધને કોઈ કેવી રીતે જુએ? ક્રોધનું નથી રૂપ કે નથી આકાર. તેથી જ્યારે ક્રોધને જોવા લાગશો તો ક્રોધ નહીં, પણ ક્રોધ જેને કારણે આવ્યો છે, તે આલંબન વારેવાર સામે આવશે અને આગમાં ઘી રેડવા જેવું થશે. ક્રોધ વધી જશે તો સમસ્યા છે કે આલંબનથી છુટકારો મેળવીને અમૂર્ત વિકારને સાક્ષી ભાવે કેવી રીતે જોવો એ મહાપુરૂષ બુદ્ધે પ્રકૃતિના રહસ્યને ઊંડાણ સુધી તપાસીને નિરીક્ષણ કરીને જોયું, તો સમજાયું કે મનમાં જ્યારે જ્યારે વિકાર ઉત્પન્ન થાય છે, ત્યારે શ્ર્વાસની ગતિ અસ્વાભાવિક બની જાય છે. બીજું શરીરના દરેકે દરેક અંગમાં સૂક્ષ્મ સ્તરે કોઈને કોઈ પ્રકારની જીવ રાસાયણિક પ્રક્રિયા થવા લાગે છે. સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન થાય છે. જો આ બન્ને પ્રક્રિયાઓને જોવાનો અભ્યાસ થઈ જાય, તો પરોક્ષપણે આપણા મનમાં વિકારોને જોવાનું કામ થઈ જાય અને જાગેલો વિકાર જાતે જ ક્ષીણ થતા નિર્મૂળ થવા માડે. શ્ર્વાસને જોવાના અભ્યાસને ‘આનાપાન સતિ’ કહેવામાં આવે છે, જ્યારે શરીરમાં થનારી જીવ રાસાયણિક પ્રક્રિયાઓને સાક્ષી ભાવે જોવાના અભ્યાસને ‘વિપશ્યના’ કહેવામાં આવે છે. વિકાર જાગતા જ બન્ને પ્રક્રિયાઓને આપણે સાક્ષી ભાવે જોવા લાગીએ છીએ, ત્યારે વિકાર ઉત્પન્ન કરનાર આલંબનથી સ્વાભાવિકપણે આપણો સંપર્ક તૂટી જાય છે. આમ કરીએ છીએ, ત્યારે આપણે વાસ્તવિક પરિસ્થિતિથી પલાયન નથી કરી રહ્યા. આમાં આપણે છેક અંતરમનના ઊંડાણ સુધી જે વિકાર ઉત્પાત મચાવી રહ્યો છે, તેને અંતર્મુખ થઈને જોઈ રહ્યા છીએ, એટલે કે જે સચ્ચાઈ છે, તેનો સામનો કરી રહ્યા છીએ.
સતત અભ્યાસ દ્વારા આપણને પોતાને જોવાની-આપણા વિકારોને જોવાની આ કળા જેટલી પુષ્ટ બને છે, તેટલી જ તે આપણા સ્વભાવનું એક અંગ બની જાય છે. ધીરે ધીરે એવી સ્થિતિ આવે છે કે, વિકાર ઉત્પન્ન થતા જ નથી અને ઉત્પન્ન થાય છે, તો ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેતા નથી. જેવા વિકાર જાગ્યા કે જલદીથી છુટકારો થઈ જાય છે. સંસ્કાર ઊંડા પડતા નથી. (સંપૂર્ણ)
સંદર્ભ: વિપશ્યના પરિચય