ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
ઉત્તરાખંડનો કુમાઓ વિસ્તાર પક્ષી અભ્યાસ માટે વિશ્ર્વવિખ્યાત છે. કોઈ જગ્યાએ બેસીને પંખીઓના મનમોહક સંગીત, રંગબેરંગી નૃત્ય, પોતાનાં બચ્ચાંઓનો ઉછેર કરતાં પંખીઓ વગેરે એક જ જગ્યાએ નિહાળવા મળે તો કેવું? હિમાલયની તળેટીમાં આવું અદભુત સૌંદર્ય અઢળક ભર્યું છે કે જોતાં જોતાં આંખો ન ધરાય અને સમય પણ ઓછો પડે.
શું ખાસ છે હિમાલયનાં કુમાઓ માં? કેમ પક્ષીઓની વર્તણૂંકને નિહાલવાનું અદભુત સ્થળ છે આ?
આ સહજ પ્રશ્ર્ન દરેકને થાય જ કુમાઓમાં વહેતી અલગ અલગ નદીઓની ધારાઓમાં રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે. અહીં પ્રકૃતિ પ્રેમીઓ મહિનાઓ પક્ષીઓ પાછળ જ ગાળે છે. અહીંના પક્ષીઓ ખૂબ જ સુંદર હોય છે. સાહિત્યમાં મોટાભાગે જેનો ઉલ્લેખ થયો છે એવું દૂધરાજ અહીં ખૂબ જ સરળતાથી જોવા મળે છે. લીચીના બગીચાઓમાં તે માળાઓ બનાવે છે. સામાન્ય રીતે જ્યાં વધારે કરોળિયાઓ હોય ત્યાં દૂધરાજના માળાઓ હોય છે કેમ કે દૂધરાજ કરોળિયાનું જાળું માળો બનાવવા માટે વાપરે છે. આ જ વિસ્તારમાં નૈનીતાલથી ૧૫ કિમી જેટલું આગળ સાત-તાલ નામનું સ્થળ આવેલ છે જે પક્ષીઓની વિવિધતમ પ્રજાતિઓ જોવા માટેનું અદભુત સ્થળ છે જે સાત અલગ અલગ તળાવોથી બનેલું છે.સમુદ્રતટથી ૧૩૭૦ મોટરની ઊંચાઈએ આવેલ આ સ્થળે નાની નાની એકધારી વહેતી નદીઓની ધારાના સંગીત સાથે પક્ષીઓનું મધુર ગાન લયબદ્ધ રીતે સાંભળવા મળે છે જેની સામે દુનિયાનું તમામ સંગીત વામણું લાગે. પાઈન અને ઓકના વૃક્ષોનું આ જંગલ ત્યાંની બાયોડાયવર્સિટી માટે વિશ્ર્વ વિખ્યાત છે. આ સ્થળ એક પ્રકારનું કુદરતી મેડિટેશન આપે છે. આ સ્થળ પર આવીને મેં કલાકો સુધી અલગ અલગ પક્ષીઓના વર્તનને જોયું છે, જાણ્યું છે અને માણ્યું છે. સ્પોટેડ ફોર્ક્ટેલ નામનું પક્ષી પિતૃપ્રેમ માટે જાણીતું છે.પક્ષીવિશ્ર્વમાં ખરી સંવેદનશીલતા છે. મેં હંમેશાં જોયું છે અને અનુભવ્યું છે કે પક્ષીઓ ઈંડાં મૂકે, સેવે અને જવાબદારી પૂર્વક જતન કરીને બચ્ચાઓને ઉછેરે. એ પણ મા અને બાપ સરખી જવાબદારીઓ લઈને, જે માળો બનાવવાની પ્રક્રિયાથી જ શરૂ થઈ જાય. બચ્ચાઓ બરાબર ઊડતા શીખી જાય, કોઈ પણ ખતરો હોય તો પ્રતિકાર કરતા શીખી જાય, ટૂંકમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે એટલી ક્ષમતા એમનામાં આવે ત્યાં સુધી એમને સાચવે ત્યાર બાદ એ બચ્ચાઓ સંપૂર્ણ પણે સ્વતંત્ર. માતાપિતા સાથેની બધી જ માયા છોડીને સ્વતંત્ર પણે જીવન શરૂ કરે. હિમાલયના સાત તાલ એટલે કે સાત તળાવોનો સમૂહ તે વિસ્તારમાં આવેલ ચાંફીમાં સ્પોટેડ ફોર્કટેઇલ મેલને મેં કલાકો સુધી જોયું છે જે બચ્ચાંને ખવડાવે છે.પિતા પણ માતૃત્વ નિભાવે છે.
પક્ષીઓનો સ્ટુડિયો હોઈ શકે ખરો? કેમ આ જગ્યા સ્ટુડિયો તરીકે ઓળખાય છે?
અહીં શાંતિથી બેસીને માત્ર ચાર પાંચ ફૂટના અંતરેથી પક્ષીઓના અલગ અલગ પ્રકારના વર્તનને નજર સામે જોઈ શકીએ જાણે આપણી સામે કુદરતી ડિસ્કવરી ચેનલ શરૂ કરીને મૂકી હોય. આ જગ્યા આશરે ૫૦૦ જેટલા વિવિધ પ્રજાતિના પક્ષીઓનું ઘર છે જેમાં કેટલાક યાયાવર પક્ષીઓ પણ છે. ઓકટોબર થી જૂન મહિના દરમ્યાન અહીં પક્ષીઓને જોવાની શ્રેષ્ઠ તકો મળે છે પણ અપ્રિલ મહિનામાં અહીં મોટાભાગના પક્ષીઓનું બ્રીડિંગ ડિસ્પ્લે જોવા મળે છે. નર પક્ષી સામાન્ય રીતે નર માદા કરતાં વધારે ખૂબસૂરત અને આકર્ષક હોય છે અને એ માદા ને આકર્ષવા માટે વિવિધ પ્રકારના દેખાવ થતા સુરીલા અવાજો કરે છે. કુદરતનો વૈભવ અહીં સાતતાલ, ચાંફી અને પંગોત વિસ્તારમાં જોવા મળે છે. સાતતાલથી
૧૫ કિમી દૂર આવેલ પંગોત વિસ્તારમાં ખૂબ જ જાણીતી બર્ડ ટ્રેઈલ છે જ્યાં ચીર ફિઝન્ટ અને ખલીજ ફિઝન્ટ જોવા માટે દુનિયાભરના પક્ષીવિદો અને પર્યાવરણ રસિકો દર વર્ષે આવે છે. આ જગ્યાને વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ “સ્ટુડિયોના હુલામણા નામથી ઓળખે છે કેમ કે અહીં કોફીનો મગ અને કેમેરા લઇને કોઈ પણ જગ્યાએ શાંતિથી બેસી જાઓ તો આખા દિવસ દરમ્યાન લગભગ ૫૦ થી ૧૦૦ અલગ અલગ પક્ષીઓના ફોટોગ્રાફ લઇ શકો એ પણ જગ્યા બદલ્યા વિના જાણે કે પક્ષીઓ સ્ટુડિયોમાં ફોટોગ્રાફ્સ પડાવવા માટે જ આવતા હોય. આ સિવાય ચાફી નામનું નાનકડું ગામ છે ત્યાં પણ વિવિધ રંગોના પક્ષીઓ જોવા મળે છે જેમ કે સ્પોટેડ ફોર્ક્ટેલ, ક્રેસ્ટેડ કિંગફિશર, વિવિધ પ્રકારના રેડસ્ટાર્ટ અને નસીબ હોય તો ટોની ફીશ આઉલ પણ મળે છે અહીં.
અહીં દેશ-વિદેશથી પંખી પ્રેમીઓ ચોક્કસ પ્રકારના પક્ષી જોવા માટે આવ્યા હોય છે અને તેઓ ચોક્કસ નક્કી કરેલા પક્ષી પાછળ દિવસોના દિવસો અલગારી માફક ઘૂમ્યા કરે છે, મારા જેવા ફોટોગ્રાફર જેટલા મળી જાય તેટલા અલગ અલગ પક્ષીઓને કેમેરામાં ઝડપ્યા કરે. જ્યાં જુઓ ત્યાં કોઈ ને કોઈ ફોટોગ્રાફર ૪૦૦ એમ.એમ.થી લઇને ૯૦૦ એમ.એમ. સુધીનાં લેન્સ સાથે નજરે પડે છે. અહીં પક્ષીઓની ચેકલીસ્ટ જોઈએ તો પણ ૫૦૦ પ્રજાતિ કરતાં વધી જાય.
કુદરતની અચરજ પમાડે તેવી પળોને કાયમી સાચવવા માટે શું કરવું?
અહીં પ્રકૃતિનું સૌન્દર્ય જોવા માટે ધીરજ, નાના એવાં પક્ષીઓને શોધવા માટે ચપળ નજર, યોગ્ય પળને કેમેરામાં ઝડપવા માટેની તકેદારી, કદાચ કોઈ મોમેન્ટ ચૂકી જવાય તો ફરી મળવાની આશા સાથે અખૂટ ધીરજ, વહેલી સવારે સૂર્યોદય પહેલા જ ઊઠી જવું અને પ્રકૃતિના ટાઈમટેબલ પ્રમાણે પોતાની જાતને કેળવવી, ખૂબ જ ચાલવું અને પક્ષીઓના વર્તનનો ઊંડાણપૂર્વક અભ્યાસ, અવલોકન જેવી દરેક બાબતોના પાઠ અહીં મળી જાય છે. હિમાલયનો અલગ જ રંગ અહી દરેકને આકર્ષે છે. દેવભૂમિ ઉત્તરાખંડ ખરેખર દૈવિક છે એટલે જ અહીં કુદરત વાસ કરે છે અને અહીં કુદરતની નજીક હોઈએ એવી અનુભૂતિ દરેક વેલીમાં, દરેક વહેતા ઝરણાઓમાં , અલકનંદા, ભગીરથી, રામગંગા, કોસી નદીના પટમાં, દરેક પક્ષીઓની પાંખમાં, એમના ટહુકાઓમાં, વાઘની ત્રાડમાં, હરણાઓની નિર્દોષતામાં ખરેખર થાય છે. અહીં ઘડિયાળ પણ પક્ષીઓના મધુર ગાન, હરણોનો ઘૂરકાટ અને વાઘ-દીપડાની ત્રાડ પ્રમાણે ચાલે છે. રોજે જ હાથીઓ આપણે જ્યાં રહીએ એવા વિસ્તારની આસપાસથી જ પસાર થાય તો ક્યારેક વાઘ પણ સામો મળી જાય. આપણે જ્યારે પ્રકૃતિના ઘરે જઈએ પ્રકૃતિના નિયમાનુસાર રહીએ તો પ્રકૃતિ હંમેશાં કંઈક ને કંઈક બક્ષે જ છે.જંગલ એ તેઓનું ઘર છે, અને આ એ જ વિસ્તાર છે જે ભૂતકાળમાં નરભક્ષી વાઘ અને દીપડાઓ માટે જાણીતો હતો. અહીં આખું જંગલ પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે અને પ્રકૃતિના નિયમને પ્રત્યક્ષ જોવો એ કુદરતની ભેટ કહી શકાય..
કેવી રીતે પહોંચી શકાય સાત-તાલ, રહેવાની વ્યવસ્થા અને અહીંનો ખોરાક?
સાતતાલ માટે સહુથી નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે, જયાંથી લોકલ બસ માત્ર ૪૦ મિનિટમાં સાતતાલ અને નૈનિતાલ લઈ જાય છે. અહીં ઉત્તર ભારતીય ખોરાક સરળતાથી ઉપલબ્ધ છે અને ખૂબ જ સસ્તા દરમાં. હિમાલયના પહાડો જોઈ શકાય એવા વ્યુ સાથે ઘર અને હોટલ પણ મળી રહે છે. અહીં પક્ષી દર્શન સિવાય સાત તાલ અને ગરૂડતાલમાં કાયાકિંગ, બોટિંગ વગેરે પણ માણી શકાય છે. અહીં ખાસ ઇટાલિયન સ્ટ્રીટ જેવું લુક આપતા ચીમની વાળા કોફી શોપ પણ ઉપલબ્ધ છે જ્યાં આરામથી બુક લઈને કલાકો સુધી બેસી શકાય છે. આ જગાએ જીવનની શ્રેષ્ઠ પળોને તમે ચોક્કસપણે મુક્ત મને માણી શકશો.