કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતી કાલે જાહેર થશે. 224 બેઠકો માટે યોજાયેલ આ ચૂંટણીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી વધુ બેઠકો મેળવતી દેખાય છે. જ્યારે સત્તાધારી ભાજપની સત્તા હાથમાંથી સરકતી દેખાય છે. જોકે અંતિમ નિર્ણય તો જનતાએ મતદાન પેટીને હવાલે કરી દીધો છે. આ વખતે પાછલી ચૂંટણીની સરખામણીમાં બે ટકા વધારે એટલે 72.67 ટકા મતદાન થયું છે. ત્યારે હવે કર્ણાટક ના સત્તાના રાજકારણ પર સટ્ટાબજાર પણ ગરમાયું છે.
કર્ણાટકની આ વખતની ચૂંટણીમાં સટ્ટાબાજોએ ભાજપ પર નહીં પણ કોંગ્રેસ પર પૈસા લગાવ્યા છે. સટ્ટાબજારના એક્ઝિટ પોલની વાત કરીએ તો તેમના મુજબ ભાજપને 80, જેડીએસને 37 બેઠકો મળવાની શક્યતા છે. આ ચૂંટણીના પરિણામો પર જે બૂકી સટ્ટો લઇ રહ્યાં છે તેમના મુજબ કોંગ્રેસને 120 થી 130 બેઠકો મળવાની શક્યતા છે. એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ સટ્ટા બજાર પ્રમાણે કોંગ્રેસને 110 બેઠકો, ભાજપને વધારેમાં વધારે 75 બેઠકો મળવાની શક્યતાઓ છે. અન્ય એક સટ્ટા બજાર મુજબ કોંગ્રેસને 137 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને માત્ર 55 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે જનતા દલને 30 બેઠકો મળી શકે છે.
કેટલાંક સટ્ટા બજારીઓ પ્રમાણે કોંગ્રેસને 141 બેઠકો જ્યારે ભાજપને 57 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે જેડીએસને 24 બેઠકો મળશે તેવી શક્યતા છે. સરવાળે મીડિયા હાઉસીસના એક્ઝિટ પોલ અને સટ્ટા બજારના એક્ઝિટ પોલ મુજબ જનાદેશ કોંગ્રેસની તરફેણમાં હશે અને ભાજપને ઘર ભેગા થવું પડશે. જોકે સાચું પરિણામાં તો આવતી કાલે ખબર પડશે કે આખરે કર્ણાટકના સત્તાધીશ કોણ બનશે.