એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
હિન્દી ફિલ્મોમાં ઘણા એવા કલાકારો આવી ગયા કે જે મહાન અભિનેતા નહોતા કે જેમને જબરદસ્ત સ્ટારડમ પણ ના મળ્યું છતાં દર્શકોના મન પર પોતાની અમીટ છાપ છોડી ગયા હોય. નાના નાના રોલ કરીને પણ જે લોકોના મનમાં વસી ગયા હોય. સતિષ કૌશિક આવા જ અભિનેતા હતા ને એટલે જ સતિષ કૌશિકનું ગુરૂવારે વહેલી સવારે ૬૭ વર્ષની વયે અચાનક અવસાન થયું ત્યારે મોટો આંચકો લાગી ગયો.
હોળી પર ગીતકાર જાવેદ અખ્તરને ત્યાં સતિષ કૌશિકે મિત્રો સાથે જોરદાર મજા કરી હતી ને તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. ત્રણ દિવસ પહેલાં જાવેદ અખ્તરના ઘરે સતિષને હોળી ઉજવતા જુઓ તો લાગે જ નહીં કે આ માણસ ત્રણ દિવસ પછી આપણી વચ્ચે નહીં હોય. મુંબઈમાં હોળી ઉજવ્યા પછી પરિવારજનો સાથે હોળી ઉજવવા હરિયાણા ગયેલા સતિષને વતનમા જ હાર્ટ એટેક આવી ગયો. સતિષને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવાયા પણ બચાવી ના શકાયા.
સતિષ કૌશિક હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતા. ૧૯૮૩માં આવેલી કુંદન શાહની કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારોં’થી તેમણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. એ રીતે સતિષ કૌશિકની હિન્દી ફિલ્મોમાં કારકિર્દીને ચાર દાયકા પૂરા થઈ ગયા છે. આ ચાર દાયકાની કારકિર્દીમાં સતિષ કૌશિકે સો કરતાં વધારે ફિલ્મોમાં અભિનય તો કર્યો જ પણ નિર્દેશક અને નિર્માતા તરીકે ફિલ્મો પણ બનાવી.
સતિષ કૌશિકની નિર્માતા અને નિર્દેશક તરીકેની કારકિર્દી તડકી-છાંયડીવાળી છે. બલ્કે સફળતા કરતાં નિષ્ફળતા વધારે મળી તેથી સતિષ કૌશિક સર્જક તરીકે સતત સંઘર્ષ કરતા રહ્યા પણ તેમને અભિનેતા તરીકે રોલ મળ્યા કરતા હતા તેથી ચાર દાયકા કરતાં વધારે સમય ચાલી ગયા. સતિષ કૌશિક હરિયાણાના મહેન્દ્રગઢમાં જન્મેલા ને પરિવારને અભિનય સાથે કંઈ લેવાદેવા નહોતી. ગ્રેજ્યુએશન કરવા માટે દિલ્હી આવ્યા ને થીયેટરનો ચસકો લાગ્યો તેમાં કૌશિક ફિલ્મોમાં આવી ગયેલાં. પહેલાં દિલ્હીની ‘નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા’ ને પછી પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’ જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો એટલે ફિલ્મો માટે પેશન ધરાવતા મિત્રો સાથે ગાઢ પરિચય થયો તેમાં ફિલ્મો કદી છૂટી જ નહીં.
કુંદન શાહની કલ્ટ ક્લાસિક કોમેડી ફિલ્મ ‘જાને ભી દો યારોં’થી અભિનય કારકિર્દીની શરૂ કરનારા સતિષે એ પછી અનિલ કપૂર સાથે ‘વો સાત દિન’, શેખર કપૂરની નસીરુદ્દીન અને શબાના આઝમી અભિનીત ‘માસૂમ’ અને શ્યામ બેનેગલની ‘મંડી’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો પણ એક અભિનેતા તરીકે સતીશ કૌશિકને ૧૯૮૭માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’થી ઓળખ મળી. આ ફિલ્મે સતિષ કૌશિકને ઘેર ઘેર જાણીતા કર્યા.
શેખર કપૂરની ‘મિસ્ટર ઈન્ડિયા’માં અનિલ કપૂરને ત્યાં નોકર તરીકે કામ કરતા ‘કેલેન્ડર’નો રોલ કરનારા સતિષ કૌશિક હિન્દી ફિલ્મોનાં જૂનાં ગીતોની પેરોડીવાળ ગીતમાં મેરા નામ હૈ ‘કેલેન્ડર, મૈં તો ચલા કિચન કે અંદર…….’ લાઈનો દ્વારા લોકોના દિલોદિમાગ પર એક છાપ છોડી ગયેલા.
સતિષ કૌશિકે એ પછી ફિલ્મોમાં કોમેડિયન કે વિલનના ટીપિકલ રોલ કર્યા ને તેમાં યાદ રાખવા જેવા બહુ નથી પણ એક ટીપિકલ કોમેડી સ્ટાઈલના કારણે સતિષ કૌશિક સૌને ગમતા. ગોળમટોળ ચહેરો અને શરીરના કારણે કોમેડિયન તરીકે સતિષ કૌશિક એકદમ ફિટ બેસતા તેથી એ પ્રકારના રોલ વધારે મળ્યા. ડેવિડ ધવનની ફિલ્મમાં સતિષ કૌશિક હોય એવું થઈ જ ગયેલું.
સ્વર્ગ, જમાઈ રાજા, સાજન ચલે સસુરાલ, દીવાના મસ્તાના, હમ કિસી સે કમ નહીં, બડે મિયાં છોટે મિયાં વગેરે ફિલ્મોમાં તેમણે રોલ કરેલા. પપ્પુ પેજર, લાલુલાલ લંગોટિયા, પ્રોફેસર ચશ્મિશ, જમ્બો, એરપોર્ટ વગેરે તેમણે ભજવેલાં કેટલાંક પાત્રોનાં નામ છે. ૧૯૯૦માં આવેલી સુભાષ ઘઈની ‘રામ-લખન’ અને ૧૯૯૭ની ગોવિંદા સાથેની ડેવિડ ધવનની ફિલ્મ ‘સાજન ચલે સસુરાલ’ માટે કૌશિકને બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.
આ ફિલ્મોમાં પણ તેમના રોલ બહુ દમદાર નહોતા પણ કેટલીક ફિલ્મોમાં તેમણે છાપ છોડી હતી. સુધીર મિશ્રાની કલકત્તા મેઈલમાં વિલન સુજાન સિંહ તરીકે કૌશિકે જમાવટ કરેલી. રિશિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી ‘નમકીન’ અને અનિલ કપૂર સાથેની ‘થાર’માં પણ કૌશિકે સારો રોલ કરેલો. ત્રણ વર્ષ પહેલાં આવેલી પ્રતીક ગાંધીની ‘સ્કેમ ૧૯૯૨’માં પણ તેમનો અભિનય વખણાયો હતો. કંગના રણૌત અભિનીત પિરિયડ ફિલ્મ ઇમર્જન્સી’ રિલીઝ થવાની બાકી કે જેમાં કૌશિક બાબુ જગજીવન રામ’ બન્યા છે. આ રોલ પણ દમદાર હોવાનું મનાય છે.
સતિષ કૌશિકની ડિરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત બહુ આઘાતજનક હતી. અનિલ કપૂર અને શ્રીદેવી અભિનીત ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ ડિરેક્ટર તરીકે સતિષની પહેલી ફિલ્મ હતી. ૧૯૯૩માં ૯ કરોડ રૂપિયા ખર્ચીને બનાવાયેલી આ ફિલ્મ એ જમાનામાં કલ્પના ના કરી હોય એટલી મોંઘીદાટ ફિલ્મ હતી. આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી ને બોની કપૂર દેવામાં ડૂબી ગયો હતો. તેના કારણે સતિષ કૌશિક ફરી કદી ડિરેક્ટર નહી બની શકે એવું લાગતું હતું પણ અનિલ કપૂરે દોસ્તી નિભાવીને સતિષ કૌશિકમાં વિશ્ર્વાસ બતાવ્યો. સતિષે એ પછી અનિલ કપૂરની ‘હમ આપકે દિલ મેં રહતે હૈ’, હમારા દિલ આપકે પાસ હૈ વગેરે ફિલ્મો ડિરેક્ટ કરી કે જે સારી ચાલી.
જો કે સતિષ કૌશિકની ડિરેક્ટર તરીકેની કારકિર્દીમં માઈલસ્ટોન ‘તેરે નામ’ છે. સલમાન ખાન અને ભૂમિકા ચાવલાને ચમકાવતી ‘તેરે નામ’માં સલમાને દિલ રેડીને એક્ટિંગ કરી. આ ફિલ્મમાં રાધે તરીકે સલમાને રાખેલી હેર સ્ટાઈલની તો યુવાનો નકલ કરતા જ પણ સલમાનની અદાઓની પણ નકલ કરતા. ‘તેરે નામ’ હિમેશ રેશમિયાના અદ્ભુત સંગીત અને સલમાનના શ્રેષ્ઠ અભિનયના કારણે યાદગાર ફિલ્મ બની ગઈ. છેલ્લે છેલ્લે સતિષ કૌશિકે પંકજ મિશ્રાને લઈને ‘કાગઝ’ જેવી સુંદર ફિલ્મ પણ બનાવી.
સતિષ કૌશિકની અંગત જીંદગી બહુ સંઘર્ષમય હતી. ૧૯૮૫માં લગ્ન કરનારા કૌશિક ૧૧ વર્ષના લગ્નજીવન પછી પિતા બનેલા પણ બે વર્ષમાં જ તેમનો દીકરો મોતને ભેટ્યો. એ પછી સંતાન થયાં જ નહીં ને છેવટે ૨૦૧૨માં સરોગસીથી સતિષ પિતા બન્યા. તેમની દીકરી વંશિકા માત્ર ૧૧ વર્ષની છે. સતિષે હરિયાણામાં ફિલ્મ સિટી બનાવવા કરેલી પાર્ટનરશિપ પણ કૌભાંડોમાં ફસાઈ ને તેના કારણે પણ એ ભારે
તણાવમાં હતા.