બોલિવૂડના કોમેડિયન સતીશ કૌશિકના નિધન બાદ તેમના મૃત્યુના કેસમાં અનેક ટ્વીસ્ટ એન્ટ ટર્ન્સ આવી રહ્યા છે. આ કેસમાં અગાઉ એ વાત સામે આવી હતી કે સતીશ કૌશિક જ્યાં રહેતા હતા એ ફાર્મ હાઉસમાંથી વાંધાજનક દવાઓ મળી આવી હતી. ત્યાર બાદ ફાર્મ હાઉસના માલિક અને સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુની પત્ની સાનવી માલુએ તેના પર સતીશની હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે વિકાસનો ખુલાસો પણ સામે આવ્યો હતો અને હવે આ વિવાદમાં સતિષ કૌશિકનાં પત્ની શશિ કૌશિકે ઝંપલાવ્યું છે. તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે અને સાન્વી માલુને ખાસ અપીલ કરી છે.
View this post on Instagram
સતીશ કૌશિકની પત્ની શશી કૌશિકે હવે આ મામલે ખુલાસો કરતાં જણાવ્યું છે કે સાનવી દ્વારા તેના પતિ વિકાસ પર લગાવવામાં આવેલા આરોપો તદ્દન પાયાવિહોણા છે. એક ન્યૂઝ ચેનલ સાથેની તેમની વાતચીતમાં તેમણે બિઝનેસમેન અને સતીશ કૌશિકના મિત્ર વિકાસનો બચાવ કરતાં કહ્યું હતું કે સતીશ અને વિકાસ ઘણા સારા મિત્રો હતા અને તેમની વચ્ચે ક્યારેય કોઈ વિવાદ નથી થયો. વિકાસ ખૂબ જ અમીર છે અને તે પૈસા માટે કોઈની હત્યા કરી શકે નહીં. શશીના કહેવા પ્રમાણે, તેના પતિ સતીશ હોળી પાર્ટી માટે દિલ્હી ગયા હતા અને આ આખા મામલામાં પૈસાની લેવડદેવડનો કોઈ મુદ્દો છે નહીં.
શશિ કૌશિકે પણ ડ્રગના એંગલને ફગાવી દેતાં અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને પણ ટાંકીને તેમણે કહ્યું હતું કે અભિનેતાના હૃદયમાં 98% બ્લોકેજ હતા અને નમૂનામાં કોઈ દવા મળી નથી. શશિએ એવું પણ કહ્યું હતું કે પોલીસે તમામ બાબતોની ચકાસણી કરી લીધી છે. હું સમજી શકતી નથી કે તે કઈ લાઇન પર ડ્રગ્સ અને હત્યા વિશે વાત કરી રહી છે. મને ખબર નથી કે સાન્વી મારા પતિના મૃત્યુ બાદ આ બધામાં સતીશનું નામ કેમ ખેંચી રહી છે? તેની પાસે કદાચ બીજો કોઈ એજન્ડા હોઈ શકે છે. એવું પણ બની શકે કે કદાચ તેને તેના પતિ પાસેથી પૈસાની જરૂર હોય અને આ કારણસર હવે તે આમાં સતીશજીનું નામ પણ વચ્ચે લાવી રહી છે. જો મારા પતિને કોઈ આર્થિક સમસ્યા હોત તો મને એ બાબતની જાણ ચોક્કસ હોત. મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે તેમના મૃત્યુ બાદ આ બધા વિવાદો થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સતીશ કૌશિકનું 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેમના નિધનને પગલે કલા જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અનુપમ ખેરે તાજેતરમાં જ તેમના પરમ મિત્રની આત્માની શાંતિ માટે કોલકાતાના કાલી ઘાટની મુલાકાત લીધી હતી. આ દરમિયાનની તસવીરો સામે આવી છે.