ગોવિંદા અને સતિષ કૌશિકની જોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંની એક એવી જોડી હતી કે જેનો જોડ મળી જ શકે એમ નહોતો. બંને જણે દર વખતે તેમના કોમિક ટાઈમિંગ અને ફની સ્ટાઇલથી દર્શકોનું મનોરંજન ભરપૂર કર્યું હતું. ફિલ્મમાં ભલે ગોવિંદા લીડ રોલમાં હોય, પરંતુ સતિષ કૌશિક પણ તેમની નાનકડી તો નાનકડી ભૂમિકાથી હંમેશા દર્શકોના દિલો દિમાગ પર એક અમીટ છાપ છોડવામાં સફળ રહ્યા હતા.
ફિલ્મમાં ગોવિંદા અને સતીશ કૌશિકની જોડી લોકોને પસંદ પડી હતી. સતીશના નિધનથી તેના ચાહકો જેટલા આઘાતમાં છે તેટલો જ આઘાત ગોવિંદાને પણ લાગ્યો છે. તેણે તેના મિત્ર અને કો-સ્ટારના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. ગોવિંદાએ પણ સતિષ કૌશિકના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારો પપ્પુ પેજર મને છોડીને જતો રહ્યો.
સતિષ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કરતા ગોવિંદાએ જણાવ્યું હતું કે, “હું ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. મને એ જાણીને દુઃખ થાય છે કે ‘સાજન ચલે સસુરાલ’ના મારા ‘મુથુ સ્વામી’, ‘પપ્પુ પેજર’. ‘બડે મિયાં છોટે મિયાં’ના ‘દીવાના મસ્તાના’ અને ‘શરાફત અલી’ હવે આ દુનિયામાં આપણી વચ્ચે હયાત નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોવિંદા એવા સ્ટાર્સમાંથી એક છે જેમની સાથે સતિષ કૌશિકે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જેમાં ‘ક્યોં કિ મૈં જૂઠ નહીં બોલતા’, ‘આંટી નંબર વન’, ‘સાજન ચલે સુસરાલ’, ‘હદ કર દી આપને’, ‘હસીના માન જાયેગી’, ‘રાજાજી’, ‘ખુલ્લામ ખૂલ્લા પ્યાર કરેંગે’ અને ‘પરદેશી બાબુ’નો સમાવેશ થાય છે.