સદી: બુધવારે મુંબઈમાં ક્રિકેટની રણજી ટ્રૉફી ટૂર્નામેન્ટમાં મુંબઈ અને તમિળનાડુ વચ્ચેની મેચમાં મુંબઈની ટીમના બૅટ્સમૅન સરફરાઝ ખાને સદી ફટકાર્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી.
(પીટીઆઈ)
મુંબઈ: મુંબઈના આ સ્ટાર બેટ્સમેન સરફરાઝ ખાને રણજી ટ્રોફીમાં તમિલનાડુ સામે ગ્રૂપ-બીની મેચમાં ૨૨૦ બોલમાં ૧૯ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૬૨ રન બનાવ્યા હતા. સરફરાઝે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં તમિલનાડુના બોલરોની ધોલાઇ કરી હતી. રણજી ટ્રોફીમાં ૫૦ ઇનિંગ્સમાં સરફરાઝની આ ૧૨મી સદી છે. આ દરમિયાન તેણે એક વખત ત્રેવડી સદી અને બે વખત બેવડી સદી પણ ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર ૩૦૧ અણનમ છે, જ્યારે ૨૭૫ અને ૨૨૬ અણનમ છે.
બીજી તરફ અજિંક્ય રહાણે ૪૨ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પૃથ્વી શો ૩૫ રન બનાવી આઉટ થયો હતો. મેચની વાત કરીએ તો તમિલનાડુની ટીમ પ્રથમ બેટિંગ કરતા ૧૪૪માં ઓલઆઉટ થઇ ગઇ હતી. સરફરાઝ ખાન સિવાય તાનુષ કોટિયન ૭૧ અને મોહિત અવસ્થી ૬૮ રન બનાવી આઉટ થયા હતા. તમિલનાડુ તરફથી ત્રિલોક નાગ અને અશ્ર્વિન ક્રિસ્તે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.