બી-ટાઉનની નવાબઝાદી, ચૂલબૂલી સારા અલી ખાન તેની મસ્તી અને નટખટ અંદાજ માટે ખૂબ જ ફેમસ છે. ખૂબ જ ઓછા સમયમાં સારાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગળી ઓળખ ઊભી રહી છે. એક્ટિંગ સિવાય સારાને ફરવાનું પણ ખૂબ જ ગમે છે. સારા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ હોય છે અને તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી જ હોય છે. મજાની વાત તો એ છે ગણતરીના સમયમાં સારાની પોસ્ટ વાઈરલ પણ થઈ જાય છે.
જોકે મસ્તી અને તોફાનને બાજુએ મૂકીએ તો ઈન્ડસ્ટ્રીમાં આ 27 વર્ષની તોફાની છોકરી હાથ ક્યારે પીળા કરશે એટલે લગ્ન ક્યારે કરશે એ વિશેની અટકળો પણ કરાઈ રહી છે. ફેન્સ પણ સારાને દુલ્હનના જોડામાં જોવા માટે ઉત્સુક છે અને હવે ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. કારણ કે ખુદ સારાએ આ મુદ્દે મૌન તોડ્યું છે અને પોતાના ભાવિ જીવનસાથી વિશે વાત કરી હતી. પણ એઝ યુઝઅલ સારાએ પોતાના જીવનસાથી વિશે એવી વિચિત્ર વાત કહી છે કે જેણે પણ સાંભળી છે એની આંખો પહોળી થઈ ગઈ છે.
વાત જાણે એમ છે કે હાલમાં સારા અલી ખાન તેની આગામી ફિલ્મ ‘ગેસલાઇટ’ના પ્રચાર માટે ‘બિગ બોસ’ ફેમ શહેનાઝ ગિલના ચેટ શો ‘દેશી વાઇબ્સ વિથ શહેનાઝ ગિલ’માં જોવા મળી હતી અને આ જ દરમિયાન શહનાઝે સારા અલી ખાનના લગ્નના પ્લાન વિશે પૂછ્યું તો સારાએ જે જવાબ આપ્યો છે એ જવાબ ખૂબ જ ચોંકાવનારો છે. આવો જોઈએ શું કહ્યું સારાએ આ સવાલના જવાબમાં.
શહનાઝ ગિલે સારા અલી ખાનને પૂછ્યું કે લગ્નનો શું પ્લાન છે તો એના જવાબમાં સારાએ કહ્યું કે હજી સુધી તો કોઈ પ્લાન નથી. કોઈ આંધળો પાગલ શોધવો પડશે, જે મારી સાથે લગ્ન કરી શકે. હું એવા વ્યક્તિની શોધમાં છું. સારાનો આ જવાબ સાંભળીને શહેનાઝે એને પૂછ્યું કે કેમ આંધળો અને પાગલ પ્રેમી જ? તો આ સવાલના જવાબમાં સારાએ કહ્યું કે “મને લાગે છે કે અંધ પાગલ જરૂરી છે, કારણ કે જો તેની પાસે મગજ હશે અને એ મને ઓળખી જશે તો ભાગી જશે. મને સહન કરી શકે એવા પાર્ટનરની જરૂર છે. આ જવાબ સાંભળીને શહનાઝે કહ્યું કે સારા બિલકુલ તેના જેવી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે સારા અલી ખાનની ‘ગેસલાઇટ’ 31મી માર્ચ 2023ના રોજ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. સારા સિવાય ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ અને વિક્રાંત મેસી લીડ રોલમાં છે. ‘ગેસલાઇટ’ સિવાય સારા ‘જરા હટકે જરા બચકે’, ‘એ વતન મેરે વતન’ અને ‘મેટ્રો ઇન દિનન’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.