Homeધર્મતેજસપ્ત બદરી, સપ્ત પ્રયાગ

સપ્ત બદરી, સપ્ત પ્રયાગ

શાંકર-પીઠ-જ્યોતિર્મઠ

જીવનનું અમૃત -ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
હિન્દુ ધર્મના ઉદ્ધારની આ આવશ્યકતાની પૂર્તિ કરવા માટે ભગવાન શંકરાચાર્ય પ્રગટ થયા. ભગવાન શંકરાચાર્યે સમગ્ર ભારતમાં ત્રણ વાર પદયાત્રા કરી, તેમ ધર્મદિગ્વિજય સિદ્ધ કરીને વેદાંતદર્શનની પ્રતિષ્ઠા કરી. તેમણે પંચાયતન દેવની ઉપાસનાની પરંપરાની પ્રતિષ્ઠા કરી. તેમણે ભારતની ચારેય દિશામાં ચાર શાંકર મઠની સ્થાપના કરીને શંકરાચાર્યની પરંપરાનો પ્રારંભ કર્યો, જે પરંપરા અદ્યાપિપર્યંત ચાલી રહી છે.
ભગવાન શંકરાચાર્યે ‘પ્રસ્થાનત્રયી’ પર પોતાનાં ભાષ્યોની
રચના કરી.
ભગવાન શંકરાચાર્ય અહીં જયોતિર્મઠમાં પાંચ વર્ષ રહ્યા હતા તેમ કહેવાય છે. તેમણે અહીં આ કલ્પવૃક્ષ નીચે આ ગુફામાં તપશ્ર્ચર્યા કરી હતી તેમ મનાય છે. ભગવાન શંકરાચાર્યે ‘પ્રસ્થાનત્રયી’ પરનાં પોતાનાં ભાષ્યોની રચના બદરીનાથ અને અહીં જયોતિર્મઠમાં રહીને કરી હતી તેમ મનાય છે.
ભગવાન શંકરાચાર્યે હિન્દુ ધર્મની વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે હેતુથી ચાર શાંકર મઠની સ્થાપના કરી હતી, તે ચારમાં સૌથી પહેલી સ્થાપના આ જયોતિર્મઠની કરી હતી. બાકીના ત્રણેય મઠોની સ્થાપના પછીથી થઇ તેવો વિદ્વાનોનો મત છે. ભગવાન શંકરાચાર્ય ચારેય શાંકર મઠમાં સૌથી વધારે અહીં જયોતિર્મઠમાં રોકાયા છે.
બદરીનાથમાં શીતકાલના છ માસ રોકાઇ શકાય તેમ નથી. તેથી શીતકાલમાં ભગવાનની પૂજા-ઉપાસના અહીં જયોર્તિમઠમાં થાય અને મંદિરના કર્મચારીઓ શીતકાલમાં અહીં જયોતિર્મઠમાં રોકાય-આ ગોઠવણ ભગવાન શંકરાચાર્યે કરી છે અને અદ્યાપિપર્યંત અખંડ સ્વરૂપે ચાલે છે.
આમ, આ જયોતિર્મઠ ભગવાન બદરીનાથની શીતકાલીન રાજધાની કે, નિવાસસ્થાન છે તેમ સમજવું જોઇએ.
ઔલી
ઔલી જોશીમઠથી ઉપર ઠીક ઠીક ઊંચાઇ પર આવેલું એક
સ્થાન છે.
હિમાલયમાં અનેક સ્થાને શિયાળુ રમતોના કાર્યક્રમો યોજાય છે. ઔલી આવું એક શિયાળુ રમતો રમવાનું સ્થાન છે. અહીં શિયાળુ રમતો એટલે બરફમાં રમવાની રમતો તેમ સમજવાનું છે.
ઔલી જોશીમઠથી ઠીક ઠીક ઊંચાઇ પર છે. અહીં ઔલીના બરફની રમતોના મેદાન સુધી પહોંચવા માટે જોશીમઠથી રોપ-વેની વ્યવસ્થા છે.
આ વખતે તો નહીં, પરંતુ આ પહેલાં એકવાર અમે રોપ-વે અર્થાત્ ઉડનખટૌલા દ્વારા ઔલી જઇને ત્યાંનાં દર્શન કર્યાં છે. બરફની ભિન્નભિન્ન રમતો રમવાની વ્યવસ્થા તો અહીં છે જ, આ ઉપરાંત બીજું પણ એક આકર્ષક પાસું અહીં છે. અહીં ઔલીથી હિમાલયનાં દૂરદૂરનાં હિમશિખરોનાં બહુ સુંદર દર્શન થાય છે. તે માટે એક ખાસ પોઇન્ટ પણ નિર્ધારિત કરેલ છે તથા દૂરબીનની વ્યવસ્થા પણ છે. વિશાળ વિસ્તારનાં અનેક હિમશિખરોનાં નામાંકન સહિત અહીંથી દર્શન થાય છે.
બરફની રમતોમાં રસ ન હોય તો પણ હિમશિખરોનાં દર્શન માટે પણ અનેક યાત્રીઓ આ રોપ-વે દ્વારા અહીં આવતા હોય છે.
આ જોશીમઠમાં સપ્તબદરીમાંનું એક બદરી નૃસિંહબદરીનું મંદિર છે. આ જોશીમઠમાં ચાર શાંકર મઠમાંનો એક મઠ જયોતિર્મઠ છે. આ જોશીમઠ ભગવાન બદરીનાથનું શિયાળુ નિવાસસ્થાન અને પૂજાસ્થાન છે.
આ ઉપરાંત આ જોશીમઠ ભગવાન શંકરાચાર્યની તપસ્થલી
પણ છે.
અને છેલ્લી વાત એ છે કે આ જોશીમઠ હિમાલયનું એક રમણીય સ્થાન પણ છે. પહાડના એક ઊંચા અને વિસ્તૃત ઢોળાવ પર વસેલું આ એક સૌંદર્યસ્થાન પણ છે. જોશીમઠની બજારમાં ફરી લેવાથી આ સૌંદર્યસ્થાન જોશીમઠનો યથાર્થ પરિચય થઇ શકતો નથી. જોશીમઠની આજુબાજુનાં પહાડો અને અરણ્યોમાં ફરવાથી, વિહરવાથી આ જોશીમઠનો યથાર્થ પરિચય થાય છે.
અને હા, જોશીમઠમાં ભારતીય સેનાની એક મોટી વસાહત પણ છે જ!
આમ, જોશીમઠ સ્થિત અમારી યાત્રાના ચતુર્થ બદરી નૃસિંહબદરીના આ જોશીમઠના દર્શન કરીને હવે અમે અમારી યાત્રાના પંચમ બદરી-વૃદ્ધ-બદરીનાં દર્શન માટે નીકળ્યા છીએ.
અમારી નાનકડી મોટરગાડી હવે જોશીમઠથી ઋષીકેષ જતા રાજમાર્ગ પર દોડી રહી છે.
અરે! આ તો નીકળ્યા અને તરત પહોંચ્યા જ! જોશીમઠ-ઋષીકેશ રાજમાર્ગ પર જોશીમઠથી ૮ કિ.મી. દૂર અને હેલંગચટ્ટીથી ૨ કિ.મી. પહેલા અણીમઠ નામનું એક નાનું ગામ આવે છે. આ અણીમઠમાં જ વૃદ્ધ-બદરીનાથનું મંદિર છે.
અમે અમારા ડ્રાઇવર પ્રવીણભાઇને કહી રાખ્યું છે: “રસ્તાની જમણી બાજુ રસ્તા પર જ એક નાનો દરવાજો બનાવેલો છે. તેના પર લખેલું છે: વૃદ્ધ-બદરી-મંદિર. તે સ્થાન પર ગાડી રોકજો.
જોશીમઠથી નીકળેલી મોટરને આઠ કિ.મી. કાપતાં કેટલી વાર લાગે? જાણે નીકળ્યા કે તરત પહોંચ્યા જ સમજો.
રસ્તા પરનો નાનો દરવાજો આવ્યો. અમે જોયો. મોટર અટકી અને અમે નીચે ઊતર્યા.
અહીંથી પગદંડી દ્વારા નીચે ઊતરીને વૃદ્ધ-બદરીના મંદિર સુધી પહોંચી શકાય છે. મંદિરમાં દર્શન કરીને તે જ પગદંડીથી નીચે ઊતરીને રાજમાર્ગ સુધી પહોંચી શકાય છે. રાજમાર્ગ મોટો વળાંક લઇને આ જ પગદંડીને નીચે મળે છે, તેથી મંદિરમાં દર્શન કરીને અહીં પાછા ફરવાનું જરૂરી નથી. મંદિરથી સીધા જ નીચે ઊતરીને પણ રાજમાર્ગ સુધી પહોંચી શકાય છે, તેથી અમે અમારા ડ્રાઇવરને સૂચના આપી છે:
“તમે મોટર નીચે ઊભી રાખજો, આપણે ત્યાં જ મળીશું.
તદ્નુસાર અમારી મોટર આગળ ચાલી અને અમે પગદંડી દ્વારા નીચે ઊતરવાનું શરૂ કર્યું. આ વ્યવસ્થામાં ફાયદો એ છે કે યાત્રીએ દર્શન કરીને જતાં કે આવતાં કયાંય ચઢાણ ચડવું પડતું નથી, માત્ર ઉતરાણ જ ઊતરવું પડે છે.
અમે ભગવાન વૃદ્ધ-બદરીનાથના મંદિરે પહોંચવા માટે નીચે ઊતરી રહ્યા છીએ. વાંકીચૂકી પગદંડી છે. બન્ને બાજુ નાનાં નાનાં ઘરો છે. મોટાભાગનાં ઘરોની પાસે તેમનાં વાડોલિયાં છે. વાડોલિયામાં શાકભાજી અને ફૂલો ઉગાડેલાં છે.
આ પહાડી લોકો ફૂલોના શોખીન હોય તેમ લાગે છે. અહીંનું હવામાન અને વર્ષા પણ ફૂલો માટે ખૂબ અનુકૂળ છે. થોડી જ મહેનતે મબલખ ફૂલો થાય છે. આ ફૂલો મોટા ભાગે દેવપૂજા માટે વપરાય છે. આ હિમાલયના લોકોમાં ધાર્મિક લાગણી ખૂબ પ્રબળ છે.
‘પૂછતા નર પંડિતા’ તદ્નુસાર અમે પણ પૂછતાં-પૂછતાં પંડિત બની ગયા અને વૃદ્ધ-બદરીબાબાનાં મંદિરે પહોંચી ગયા.
અણીમઠ ગામની લગભગ વચ્ચે જ આ મંદિર છે. મંદિર બાજુમાં જ પીપળાનું એક વિશાળ વૃક્ષ છે તે મોટી નિશાની છે.
એમ માનવામાં આવે છે કે આ સ્થળે નારદજીએ તપશ્ર્ચર્યા કરી હતી. તેમની તપશ્ર્ચર્યાથી પ્રસન્ન થઇને ભગવાન બદરીનારાયણે નારદજીને એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં દર્શન આપ્યાં હતાં.
નારદજી ઓળખી ગયા અને નારદજીએ ભગવાનને અહીં સ્થાયી સ્વરૂપે રહેવાની પ્રાર્થના કરી. ભગવાને ભક્તની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. તદ્નુસાર ભગવાન વૃદ્ધ-બદરી અહીં મૂર્તિસ્વરૂપે બિરાજમાન છે. આવી ભક્તોની શ્રદ્ધા છે.
ભગવાને અહીં નારદજીને વૃદ્ધ બ્રાહ્મણરૂપે દર્શન આપ્યાં હતાં, તેથી અહીં ભગવાન ‘વૃદ્ધ-બદરી’ તરીકે ઓળખાય છે. તદ્નુસાર આ સ્થાન સપ્તબદરીમાંનું એક બદરી અર્થાત્ ‘વૃદ્ધ-બદરી’ ગણાય છે.
મુખ્ય માર્ગ અર્થાત્ ઋષીકેશ-બદરીનાથ રાજમાર્ગ પર ‘વૃદ્ધ-બદરી’નું બોર્ડ મૂકેલું છે, તેથી બદરીનાથ જતી વખતે કે બદરીનાથથી પાછા ફરતી વખતે બસ કે મોટર રસ્તા પર ઊભી રાખીને યાત્રી આ વૃદ્ધ-બદરીના મંદિરે દર્શન માટે જઇ શકે છે.
અણીમઠના ગ્રામજનો સરળ, ભલા અને સહાયક છે. પોતાનું ગામ એક તીર્થસ્થાન છે અને યાત્રીઓ અહીં યાત્રાર્થે આવે છે, તે જોઇને આ ભલાભોળા લોકો રાજીરાજી થઇ જાય છે.
અમે મંદિરમાં દર્શન માટે પહોંચ્યા. ભગવાન વૃદ્ધ-બદરીની શ્યામ વર્ણની સુંદર મૂર્તિ છે. અમે પણ દર્શન પામ્યા. ભગવાનને પ્રણામ કરી થોડી વાર મંદિરના સભામંડપમાં બેઠા. નારાયણ-ગાયત્રીનો જપ કર્યો.
બિલકુલ બાજુમાં જ મંદિરના પૂજારી બ્રાહ્મણનું નિવાસસ્થાન છે. અમને જોઇને એક બહેન મંદિર પાસે આવ્યાં, અમારા કુશળ પૂછયા અને કાંઇ સહાયની જરૂર હોય તો જણાવવા કહ્યું. અમે તેમનો આભાર માની, પ્રસન્નતા વ્યક્ત કરી. મંદિરની આજુબાજુ નિવાસસ્થાનો અને વૃક્ષો ખૂબ છે. અહીં જાણે જંગલમાં ગામ છે અને ગામમાં જંગલ છે.
થોડીવાર બેસીને અમે આગળ ચાલ્યા. પગદંડીને માર્ગે નીચે ઊતરીને અમે રાજમાર્ગ પર પહોંચ્યા. અમારી મોટર ત્યાં આવી પહોંચી છે. અમે મોટરમાં બેઠા અને મોટર આગળ દોડવા માંડી.

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -