વસિષ્ઠ ગુફાનાં દર્શન કર્યા વિના મારાથી આગળ જવાનું બને નહીં
જીવનનું અમૃત -ભાણદેવ
શ્રી ભાણદેવજીની રસપ્રદ સપ્તબદરી-સપ્તપ્રયાગ યાત્રા અહીં વિરામ પામે છે, પણ તેમની ‘મુંબઇ સમાચાર’ સાથેની યાત્રા ચાલુ જ રહેશે. આવતા સોમવારથી આ જ સ્થળે તેમણે વિષ્ણુના અનેક અવતારોનું જે અદ્ભુત જ્ઞાન મેળવ્યું છે તેનું રસપાન કરીશું.
સ્વામી દિગંબરજી પહોંચ્યા. સ્વામી પુરુષોત્તમાનંદજીએ આજ્ઞા આપી:
“શ્રીમદ્ ભાગવતનો પાઠ શરૂ કરો. મને ‘શ્રીમદ્ ભાગવત’-શ્રવણ કરાવો.
સ્વામી દિગંબરજીએ સ્નાનની અનુમતિ માગી.
સ્વીમી પુરુષોત્તમાનંદજી બોલી ઊઠ્યા:
“મારી પાસે એટલો પણ સમય નથી. આ શરીર હવે કોઈ પણ ક્ષણે છૂટી જશે. ‘શ્રીમદ્ ભાગવત’નો પાઠ શરૂ કરો.
સ્વામી દિગંબરજીએ ‘ભાગવત’-પાઠ શરૂ કર્યો.
ત્યારપછી તો સ્વામી પુરુષોત્તમાનંદજી પાંચ વર્ષ જીવ્યા.
સ્વામી દિગંબરજી પાસેથી મેં તેમની હિમાલયની પદયાત્રા વિશે અપરંપાર શ્રવણ કર્યું. આ ક્રમમાં તેમણે મને સૌપ્રથમ આ વસિષ્ઠ ગુફાનો પરિચય આપ્યો. ત્યારથી મારે આ વસિષ્ઠગુફા સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો છે. હિમાલયની મારી યાત્રા દરમિયાન આ રસ્તેથી પસાર થવાનું બને ત્યારે આ વસિષ્ઠગુફાનાં દર્શન કર્યા વિના મારાથી આગળ જવાનું બને નહીં.
હવે સ્વામી પુરુષોત્તમાનંદજી નથી. તેમના શિષ્ય હવે આ આશ્રમ સંભાળે છે. જેમ સ્વામી પુરુષોત્તમાનંદજી સાથે સ્વામી દિગંબરજીને મૈત્રી હતી, તેમ હવે તેમના શિષ્ય સાથે અમારી
મૈત્રી છે.
અમારી મોટર ઊભી રાખીને, અમે રાજમાર્ગ છોડીને, પગથિયાં ઊતરીને વસિષ્ઠગુફા તરફ ચાલ્યા. ચાલ્યા તેવા જ પહોંચ્યા.
સૌથી પહેલાં અમે ગુફામાં ગયા. ગુફામાં અંધારું તો છે જ, પરંતુ હળવે-હળવે આગળ ચાલ્યા. ગુફા ઘણી લાંબી છે. અંતિમ ભાગ પર એક ઓટલા પર ભગવાન શિવજીની પ્રતિષ્ઠા છે. જલ છે. તામ્રપત્ર છે. અમે આસન ગ્રહણ કર્યું.
सद्योजात આદિ પંચવક્ત્રમંત્રો દ્વારા અમે શિવજીનો જલાભિષેક કર્યો. થોડી વાર પ્રણવનાદ પણ કર્યો. ગુફામાં પ્રણવનાદનું ગુંજન અનેરું હોય છે. આ રીતે થોડી વાર શિવ-આરાધના કરીને અમે ગુફાની બહાર આવ્યા.
સામે જ ભગવતી ભાગીરથીનો વિશાળ પ્રવાહ છે. જોઈને મન પ્રસન્ન થઈ ગયું. અમે ગંગાજી તરફ ચાલ્યા. ગંગાજીનું માત્ર દર્શન પણ પાવક છે. બાજુમાં જ અરુંધતીગુફા છે. સામાન્ય રીતે આ ગુફા ખાલી હોય છે, પરંતુ હમણાં અહીં કોઈ સાધુ રહે છે. અમે હવે સ્વામીજીના ખંડમાં ગયા.
” ૐ નમો નારાયણાય.
“નારાયણ! નારાયણ!
અમારું સ્મિતથી અને શબ્દોથી પણ સ્વાગત થયું.
સામાન્ય કુશળસમાચાર અને પછી જૂનાં સંસ્મરણોની યાદ અને આખરે થોડો સત્સંગ! સ્વામીજી સાવ બાલ્યાવસ્થાથી અહીં જ રહે છે. હવે તો તેઓ પણ વૃદ્ધ થયા છે. આ ઉંમરની અસર તો સૌના પર થાય જ છે- હા, સૌનાં શરીર પર, આત્મા પર નહીં!
સ્વીમીજીએ ભોજન-પ્રસાદ માટે બહુ આગ્રહ કર્યો, પરંતુ અમારે નીકળવું છે. સ્વામીજીએ અમને મીઠાઈ તો આપી જ અને અમે સ્વામીજીની વિદાય લીધી. ફરી એક વાર ગંગાદર્શન અને અમે આગળ ચાલ્યા. થોડું ચઢાણ, પછી મોટર અને મોટર દ્વારા ઋષિકેશ તરફ ગતિ.
“આપણે અટકયા વિના ઋષિકેશ પહોંચવાનું નથી. આપણે હજુ એક સ્થાને રોકાવાનું છે.
અમારા ડ્રાઈવર અમને પૂછે છે: “હવે આપણે ક્યાં રોકાવાનું છે?
“આપણે રોકાવાનું છે તે સ્થાનનું નામ છે બ્રહ્મપુરી.
આ બ્રહ્મપુરી શું છે?
અમે વસિષ્ઠ ગુફાથી નીકળ્યા તો પ્રથમ આવે છે શિવપુરી અને પછી આવે છે બ્રહ્મપુરી. શિવપુરીમાં તો અમે રોકાયા નહીં, પરંતુ અમારે બ્રહ્મપુરી તો રોકાવું જ છે. શા માટે? બધા પ્રશ્ર્નોના ઉત્તરો ન આપી શકાય. કેટલુંક તો હૈયામાં ભંડારી રાખવું પડે છે.
ઋષિકેશ-હરિદ્વાર રાજમાર્ગ પર લક્ષ્મણઝૂલાથી ત્રણ કિ.મી. આગળ ચાલો એટલે જંગલખાતાનું એક બૅરિઅર અને ચોકી છે. અહીંથી બ્રહ્મપુરી નામનો વિસ્તાર શરૂ થાય છે. ઉપર રાજમાર્ગ નીચે ભાગીરથી ગંગા વહી જાય છે. આ રાજમાર્ગ અને ભાગીરથી ગંગાની વચ્ચે, પરંતુ ગંગાના કિનારે ખાલી જમીન છે. આ જમીન ગંગાના કિનારે છે, તેથી રાજમાર્ગ પરથી જોઈ શકાય નહીં, પરંતુ ગંગાના કિનારા તરફ નીચે ઊતરીએ તો જોઈ શકાય છે. રાજમાર્ગ પરથી નીચે ગંગા તથા આ વચ્ચેના ભૂભાગ તરફ ઊતરવા માટે અનેક પગવાટ બની છે. અહીં ગંગા વળાંક લે છે. તદનુસાર રાજમાર્ગ પણ વળાંક લે છે. આ ગંગા અને રાજમાર્ગની વચ્ચેના વિસ્તારમાં કુલ તેર આશ્રમો છે. આ સમગ્ર વિસ્તારને બ્રહ્મપુરી કહેવામાં આવે છે.
બ્રહ્મપુરીની સામે ગરુડચટ્ટી છે. આ ગરુડચટ્ટી સુધી પહોંચવા માટે સ્વર્ગાશ્રમ તરફથી એક પગરસ્તો આવે છે અને હવે તો મોટરમાર્ગ પણ બન્યા છે. આ મોટરમાર્ગ ગરુડચટ્ટી, ફૂલચટ્ટી આદિ સ્થાનોમાંથી પસાર થઈને નીલકંઠ સુધી જાય છે.
ગરુડચટ્ટીમાં ગરુડજીનું એક નાનું મંદિર છે. ઋષિકેશથી બદરીનાથ જવાનો આ જૂનો પગરસ્તો છે. યાત્રી ઋષિકેશથી આવીને, લક્ષ્મણઝૂલા પરથી ગંગાજીને પાર કરીને પગરસ્તે આગળ વધે અને ગરુડચટ્ટી, ફૂલચટ્ટી થઈને ગંગાજીના કિનારે-કિનારે બ્યાસી અને ત્યાંથી દેવપ્રયાગ તરફ આગળ વધે છે.
આ બ્રહ્મપુરીમાં તમને આટલો બધો રસ કેમ પડ્યો છે?
આમ બનવાનાં બે કારણો છે:
૧. આ બ્રહ્મપુરીમાં આજે જ્યાં તેર જેટલા મોટા આશ્રમો બનેલા છે, તે ભૂભાગમાં પ્રાચીનકાળમાં ઉચ્ચ કોટિના સુસંસ્કૃત (વશલવહુ ભીહિીંયિમ) ઋષિકુલો રહેતા હતાં.
૨. ગરુડચટ્ટી, ફૂલચટ્ટી થઈને એક મોટરમાર્ગ નીલકંઠ જાય છે. આ નીલકંઠ મહાદેવના મંદિરથી નજીક અરણ્યમાં એક નાની ટેકરી પર સિદ્ધબાબાની સમાધિ છે. આ સમાધિ સિદ્ધબાબાની નહીં, પરંતુ સિદ્ધોના સિદ્ધની છે.
તમારી પાસે આ માટેનાં કોઈ પ્રમાણો છે? હા, અમારી પાસે પ્રમાણોનું પ્રમાણ છે.
અમે આ બ્રહ્મપુરીમાં ઊતરવાના રસ્તાની શોધ કરીએ છીએ, પરંતુ રસ્તો મળતો નથી. પૂછવું તો કોને પૂછવું? આખરે અમે જોયું કે સાધુઓની એક મંડળી રસ્તા પરથી પગપાળા ચાલીને આગળ જઈ રહી છે. અમે મોટર ઊભી રાખીને પૂછ્યું:
“બ્રહ્મપુરીમાં હનુમાનવાટિકા આશ્રમ ક્યાં છે?
“અરે! હનુમાનવાટિકા આશ્રમ અમારો જ છે. કહો, શું કામ છે?
“કાંઈ કામ નથી. અમે તો દર્શનાર્થી યાત્રીઓ છીએ.
“સારું, સામે જ્યાં જંગલખાતાનું બૅરિઅર છે, ત્યાં ગાડી રોકજો. અમે આવીએ છીએ.
તદનુસાર અમે જંગલખાતાના બૅરિઅર પાસે ગાડી ઊભી રાખી. અમે ગાડીમાંથી બહાર આવીને તે સાધુમંડળીની રાહ જોતા ઊભા રહ્યા.
તેઓ સૌ આવ્યા. અન્યોન્ય અભિવાદન થયું. આખરે તેમણે કહ્યું:
“પધારો.
તદનુસાર અમે સૌ રાજમાર્ગથી નીચે લઈ જતી એક ત્રાંસી પગદંડી દ્વારા નીચે ઊતર્યા.
એક સુંદર આશ્રમ છે, પુષ્કળ વૃક્ષો છે અને સામે જ ભગવતી ગંગાનો વિશાળ પ્રવાહ છે. મન પ્રસન્ન થઈ ગયું. આ હારમાળામાં અનેક આશ્રમો છે. સંભવત: તેર આશ્રમો છે.
આ રાજમાર્ગ પરથી તો અમે અનેક વાર પસાર થયા છીએ. ‘બ્રહ્મપુરી’નું બૉર્ડ પણ અનેક વાર વાંચ્યું છે, પરંતુ આ બ્રહ્મપુરી કહો કે આશ્રમપુરીનાં દર્શન તો પહેલી વાર થયાં. કોઈ મૂલ્યવાન વસ્તુ તમારી સાવ બાજુમાં જ હોય અને તમે તેનાથી અજાણ હો તેમ બની શકે છે. તમારા જ ખેતરમાં હીરાની ખાણ હોય અને તમે વેચી નાખો પછી ખાણ મળી આવે તેવું બની શકે છે. સાવધાન!
અમે એકાદ કલાક આ બ્રહ્મપુરી વિસ્તારમાં વ્યતીત કર્યો. રાજમાર્ગ પર આવ્યા. મોટર આગળ ચાલી. ઋષિકેશમાં અમે રોકાયા નહીં. રાયવાલામાં અમે રોકાયા નહીં.
અમે હરિદ્વારમાં બિલ્કેશ્ર્વર નગરમાં અમારા નિવાસસ્થાને પહોંચ્યા અને તદનુસાર હવે અમારી સપ્તબદરી-સપ્તપ્રયાગની યાત્રા પરિપૂર્ણ થઈ.