રૂદ્રપ્રયાગ અને દેવપ્રયાગ
જીવનનું અમૃત -ભાણદેવ
સપ્તપ્રયાગની અમારી યાત્રાના ક્રમમાં પાંચ પ્રયાગની યાત્રા અમે પરિપૂર્ણ કરી છે. અમારી યાત્રાના ક્રમમાં હવે અમારે બે પ્રયાગની યાત્રા કરવાની છે. તદનુસાર અમે હવે રુદ્રપ્રયાગ તરફ ગતિ કરી રહ્યા છીએ.
ઋષિકેશ તરફથી ગણીએ તો આ રુદ્રપ્રયાગ દ્વિતીય પ્રયાગ છે અને બદરીનાથ તરફથી ગણીએ તો ષષ્ઠ અર્થાત છઠ્ઠું પ્રયાગ છે.
શું છે આ રુદ્રપ્રયાગ ?
રુદ્રપ્રયાગ એક પ્રયાગ છે, તદનુસાર તે સ્થાનમાં બે નદીઓનો સંગમ છે. અહીં અલકનંદા અને મંદાકિનીનો સંગમ થાય છે. અલકનંદા બદરીનાથથી આવે છે અને મંદાકિની કેદારનાથથી આવે છે. એક વિષ્ણુસ્થાન બદરીનાથથી વિષ્ણુનો સંદેશો લઇને આવે છે. અન્ય શિવસ્થાન કેદારનાથથી શિવનો સંદેશો લઇને આવે છે. બંને અહીં મળીને એકાકાર બની જાય છે. જાણે શિવ-વિષ્ણુનું મિલન! અલકનંદા અને મંદાકિનીના મિલન પછી જલ અર્થાત્ રૂપ તો બંનેનું રહે છે, પરંતુ નામ અલકનંદાનું રહે છે. મંદાકિની પોતાના નામનો ત્યાગ કરે છે. પોતાના નામનો ત્યાગ કરવો તે બહુ મોટો ત્યાગ છે.
ઋષિકેશથી આવતો રાજમાર્ગ અહીં બે માર્ગમાં ફંટાઇ જાય છે: એક માર્ગ અલકનંદાના કિનારે-કિનારે બદરીનાથ તરફ જાય છે અને બીજા માર્ગ મંદાકિનીને કિનારે કિનારે કેદારનાથ જાય છે.
રુદ્રપ્રયાગ એક સંગમસ્થાન પર વસેલું ગામ છે, આમ છતાં આ ગામ વિશેષત: અલકનંદાને કિનારે વસેલું ગામ છે. ગામનું મૂળ નામ તો પુનાડ છે, પરંતુ આ જૂનું નામ હવે વીસરાઇ ગયું છે અને હવે તો ‘રુદ્રપ્રયાગ’ નામ જ વિશેષ પ્રચલિત બની ગયું છે.
આ પ્રયાગનું નામ રુદ્રપ્રયાગ કેમ પડ્યું છે? નિશ્ર્ચિત સ્વરૂપે કહેવું તો મુશ્કેલ છે, પરંતુ એવું અનુમાન થઇ શકે છે કે અહીં સંગમ પર ભગવાન રુદ્રનું સ્થાન છે, તેથી આ પ્રયાગને રુદ્રપ્રયાગ કહેવામાં આવે છે.
આ રુદ્રપ્રયાગના સંગમ સ્થાન પર સ્નાન કરવાનું વિશેષ મૂલ્ય છે. આ સંગમસ્થાન અતિ રમણીય અને દર્શનીય છે. સ્નાનની ઇચ્છા કે હિંમત ન હોય તો પણ માત્ર દર્શન માટે પણ આ સંગમ પર જવું જોઇએ, તેવું આ સ્થાન છે. પ્રચંડ વેગથી આવતી બે નદીઓનાં પાણી અહીં સંગમસ્થાન પર જોરથી ઉછાળા મારે છે. આ દૃશ્ય ચિત્તને જકડી રાખે તેવું છે. કાચાપોચા માનવીને પાણીનો આ પ્રચંડ વેગ અને ઉછાળા ભયથી કંપિત કરી મૂકે તેમ છે. સંગમસ્થાન સુધી જવા માટે પગથિયાં છે અને પાકો બાંધેલો ઘાટ પણ છે.
અહીં સ્નાન ખૂબ સાવધાનીપૂર્વક કરવામાં આવે તે આવશ્યક છે. અન્યથા આ મહાનદીઓના વેગમાં તણાઇ જવાનું જોખમ છે! અહીં બે નદીઓ જાણે રણચંડી બનીને એકબીજીને માત કરવા માટે એકબીજી પર પ્રહારો કરતી હોય તેવું દૃશ્ય ઊભું થાય છે. આ રુદ્રપ્રયાગ છે, તદનુસાર તેનું સ્વરૂપ પણ રૌદ્ર જ છે.
અહીં પાણી ખૂબ ઠંડું હોય છે. બંને મહાનદીઓ હિમશિખરોનું પાણી લઇને આવે છે. ઠંડું પાણી અને જોખમી સંગમ હોવા છતાં ભાવિક યાત્રીઓ અહીં સંગમસ્થાન પર સ્નાન કરે છે.
સંગમસ્થાન પર સાંજના સમયે ગંગાજીની આરતી થાય છે. કેટલાક સ્થાનિક ભાવિક સજજનોએ એક સમિતિની રચના કરી છે. આ સમિતિ નિત્ય-આરતીની વ્યવસ્થા ગોઠવે છે. સંગમસ્થાન પર તેમણે એક રૂમ બનાવ્યો છે. સ્થાનિક ભાવિક જનો અને થોડા યાત્રીઓ આ સાયં-આરતીમાં સંમિલિત થાય છે. બે મહાનદીઓ તેમનો સંગમ ચારેય બાજુ વિશાળ પહાડો અને સંગમસ્થાન પર શિવજીનું સ્થાન આવા સ્થાન પર આરતીનું વાતાવરણ યાત્રીઓને ભાવવિભોર કરી દે છે.
સંગમની પાસે જ થોડી ઊંચાઇ પર અહીં ભગવાન રુદ્રનાથનું મંદિર છે. સંગમ પરથી પગથિયાં ચડીને મંદિર સુધી પહોંચી શકાય છે. બન્ને બાજુથી આવવાના બીજા રસ્તાઓ પણ છે.
‘સ્કંદપુરાણ’ના કેદારખંડમાં એવો ઉલ્લેખ મળે છે કે દેવર્ષિ નારદજીએ સંગીતવિદ્યાની પ્રાપ્તિ માટે અહીં ભગવાન શિવની આરાધના અને તપશ્ર્ચર્યા કરી હતી. શિવજીએ પ્રસન્ન થઇને અહીં નારદજીને સંગીતવિદ્યાનું સંપૂર્ણ રહસ્ય બતાવ્યું હતું.
કર્ણપ્રયાગથી અલકનંદાને કિનારેકિનારે દોડતાં-દોડતાં અમે રુદ્રપ્રયાગ પહોંચ્યા. રુદ્રપ્રયાગ અર્થાત્ આ પુનાડ ગામની બજાર ઘણી સાંકડી છે અને અહીં વાહનવ્યવહાર ખૂબ હોય છે. બદરીનાથ અને કેદારનાથ જતાં વાહનો અને ત્યાંથી આવતાં વાહનો રુદ્રપ્રયાગથી પસાર થાય છે. આ સાંકડા માર્ગમાંથી પસાર થઇને અમે અલકનંદા પરના પુલ પર પહોંચ્યા. પુલ પાર કરીને આગળ ચાલ્યા. આગળ ચાલતાં પહાડની અંદર એક બોગદું આવે છે. આ બોગદામાંથી પસાર થઇને મંદાકિનીને કિનારેકિનારે રહેલા રસ્તા પર ચડીને કેદારનાથ પહોંચી શકાય છે. અમારે કેદારનાથ તો જવું નથી. અમારે તો સંગમસ્થાન પર જવું છે. તોયે અમે આ બોગદામાંથી પસાર થવાયા ને ખૂણા પર મોટર ઊભી રાખીને અમે સંગમસ્થાન તરફ પગલાં માંડ્યાં.
આ વર્ષે કેદારનાથમાં ભયંકર પૂર આવ્યું છે અને ભારે મોટી તારાજી થઇ છે. આ પૂરનાં પાણી મંદાકિનીમાં તો આવે જ, કારણ કે મંદાકિની કેદારનાથથી જ આવે છે. મંદાકિનીમાં પણ ભારે મોટું પૂર આવ્યું અને પૂરનાં આ પાણી અહીં રુદ્રપ્રયાગમાં પણ આવ્યાં, પરિણામે રુદ્રપ્રયાગના આ સંગમસ્થાનને પણ ભારે મોટું નુકસાન થયું છે. ઘાટ પગથિયાં, મંદિરથી મંદાકિની બાજુના પહાડી ભાગને તથા કેટલીક પગવાટોને ભારે મોટું નુકસાન થયું છે. મંદાકિનીથી સામે કિનારે જવા માટે એક પુલ હતો. આ પુલના અવશેષ પણ જોવા ન મળ્યા. પુલને બદલે લોખંડના વાયર પર ગરગડી ગોઠવીને તેની સાથે એક નાની ડોળી ગોઠવી છે, તેના પર થઇને લોકો આવનજાવન કરે છે. આ આવનજાવન જોખમી તો છે જ, પરંતુ હિમાલયના લોકો જોખમોથી ટેવાઇ ગયા છે અને આ ડોળીમાં બેસીને મોજથી આવનજાવન કરે છે. અમે થોડીવાર ઊભા રહીને આ ડોળી અને ડોળીમાં બેઠેલાં નર-નારીઓની આવનજાવન જોઇ.
આખરે અમે સંગમસ્થાન પર પહોંચ્યા. પૂરના કારણે ઘાટ પર ઘણી તોડફોડ થઇ છે. કામચલાઉ વૈકિલ્પક વ્યવસ્થા ઊભી કરી છે. નદીના પ્રવાહો અને સંગમ ઘાટથી ઘણા દૂર ચાલ્યા ગયા છે. સિમેન્ટની એક નાની પગદંડી અને સાયં-આરતી માટે એક નાનો પાકો ચબૂતરો બનાવી લીધાં છે. તેના પર થઇને અમે સંગમ પાસે પહોંચ્યા. આ સંગમસ્થાન પર અમે આ પહેલાં અનેકવાર આવી ચૂક્યા છીએ. દરેક વખતે સંગમનું સ્વરૂપ જુદું જુદું હોય છે. સંગમ કોઇ સ્થિતિ નથી, સંગમ તો ગતિ છે, તેથી તેનું સ્વરૂપ પરિવર્તનશીલ હોય તે સ્વાભાવિક જ છે.
અમે સંગમનાં દર્શન પામ્યા. અમે આ બંને મહાનદીઓને પ્રણામ કર્યા, થોડીવાર શાંતિથી બેઠા અને આ પવિત્ર સ્થાનને અનુભવતા રહ્યા.
હવે અમે આગળ ચાલ્યા. પગથિયાં ચડતાં-ચડતાં ઉપરવાસ પ્રતિષ્ઠિત ભગવાન રુદ્રનાથના મંદિરે પહોંચ્યા. સંગમસ્થાનથી રુદ્રનાથ સુધી પહોંચવા માટે ઘણાં પગથિયાં ચડવાં પડે છે. અમે પણ ઘણાં પગથિયાં ચડ્યા અને આખરે રુદ્રનાથ શિવજીનાં મંદિર સુધી પહોંચ્યા.
અહીં ભગવાન રુદ્રનાથના મંદિરની અંદર જવાની અને જલાભિષેક કરવાની અનુમતિ છે. તદનુસાર અમે પણ મંદિરમાં પ્રવેશ પામ્યા. ‘લદ્મળજ્ઞઘળટ’ ના પંચવકત્રમંત્રો સાથે ભગવાન રુદ્રનાથને જલાભિષેક કર્યો. દર્શન કરી, પ્રણામ કરી અમે મંદિરની બહાર આવ્યા.
અહીં ભગવાન રુદ્રનાથના મંદિર પરિસરમાં એક સંસ્કૃત મહાવિદ્યાલય ચાલે છે. અમે જયારે અહીં આવીએ ત્યારે આ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્યને, પ્રાધ્યાપકોને અને વિદ્યાર્થીઓને જરૂર મળીએ છીએ. આ વખતે કોઇ કેમ દેખાતા નથી? કાર્યાલયને પણ તાળું છે. અમે થોડીવાર સામે ઊભા રહ્યા. આખરે એક સજજન આવ્યા. તેમણે કાર્યાલયનું દ્વાર ખોલ્યું અને અમારું સ્વાગત કર્યું.
તેમના દ્વારા અમે જાણ્યું કે અત્યારે પરીક્ષા ચાલે છે અને સૌ પરીક્ષામાં રોકાયેલા છે. અમે થોડીવાર તેમની સાથે કાર્યાલયમાં બેઠા અને પછી બહાર આવ્યા. રુદ્રનાથ ભગવાનનાં પુન:દર્શન પામીને, તેમને પુન: પ્રણામ કરીને અમે આગળ ચાલ્યા. પગથિયાં ઊતરીને અમે અમારી મોટર પાસે પહોંચ્યા.
અમારી મોટર બોગદામાંથી પસાર થઇને પાછી ફરી. અમે પુલ પાસે પહોંચ્યા. પુલ પાસેથી જ સામેની દિશામાં એક રસ્તો સીધો જ જાય છે. આ રસ્તા પર થઇને કોટેશ્ર્વર નામના એક સ્થાને પહોંચી શકાય છે.
કોેટેશ્ર્વર રુદ્રપ્રયાગથી ચાર કિ. મી. દૂર છે. અહીં અલકનંદાનો કિનારો છે, સુંદર ઘાટ છે અને નદીનો વિસ્તૃત આકાર છે. અહીં અલકનંદામાં સ્નાન કરવાની સરસ વ્યવસ્થા છે. અહીં અલકનંદાના કિનારે ભગવાન કોેટેશ્ર્વર શિવનું મંદિર છે. અહીં એક ગુફામંદિર છે, જેમાંથી સતત પાણી ટપકતું રહે છે અને અનેક શિવલિંગ પર સતત અભિષેક થતો રહે છે.
કોટેશ્ર્વર આવવાનો રસ્તો પ્રધાન માર્ગથી ફંટાય છે. આ કોેટેશ્ર્વરનો રસ્તો લેવાને બદલે મૂળ માર્ગ પર જઇએ તો અહીંથી ‘કાર્તિકેય’ નામના તીર્થ સુધી પહોંચી શકાય છે. આ તીર્થ એક એકાંત રમણીય સ્થાન છે. એક પહાડની ટોચ પર કાર્તિક સ્વામીનું નાનું મંદિર છે. અહીંથી બસ કે મોટર જઇ શકે છે, પરંતુ છેલ્લા ત્રણ કિલોમીટર ચાલીને જવાનું છે.
અમારે આ વખતે કોટેશ્ર્વર કે કાર્તિકેય જવાનું નથી. અમે પુલ પાર કરીને બદરીનાથ-ઋષિકેશ રાજમાર્ગ પર આવી ગયા અને અમારી મોટર શ્રીનગર તરફ દોડવા લાગી.
અમે શ્રીનગર પહોંચીએ તે પહેલાં અમારે રસ્તામાં એક મંદિરમાં દર્શન કરવાં છે. તે મંદિર છે ધારીદેવીનું મંદિર.
શ્રીનગરમાં એક મોટો પાવર પ્રોજેક્ટ બન્યો છે. આ પાવર પ્રોજેક્ટ માટે આવશ્યક એક તળાવ પણ બન્યું છે. આ તળાવના એક છેડા પર, પરંતુ તળાવની અંદર એક મંદિર છે. તે જ છે ધારીદેવીનું મંંદિર. અમે રાજમાર્ગ પરથી અમારી મોટરને જમણી બાજુ ફંટાતા એક નાના રસ્તા પર વાળી અને અમે તે રસ્તા પરથી થોડીવારમાં સરોવરના કિનારે પહોંચી ગયા. મોટર કિનારા પર મૂકીને અમે દર્શન માટે મંદિરમાં ગયા.
આ મંદિર મૂલત: દક્ષિણકાલીનું મંદિર છે. બાજુમાં એક ગામ છે. તે ગામનું નામ ધારી છે. તદનુસાર આ દેવીને લોકો ‘ધારીની દેવી’ કે ‘ધારીદેવી’ કહે છે.
વસ્તુત: આ ધારી દેવીનું મંદિર આ પાવર પ્રોજેક્ટ માટે બનેલ તળાવમાં ડૂબમાં આવી જાય છે, તેથી તે જ સ્થાન પર સિમેન્ટના મોટા પિલર્સ બનાવીને તેના પર નવું મોટું મંદિર બનાવીને તેના પર દેવીની પ્રતિષ્ઠા કરવી, તેથી વસ્તુત: આ મંદિર કે દેવીનું સ્થાન બદલાતું નથી, પરંતુ મંદિર નીચાણમાં છે. તે ભાગ સરોવરમાં ડૂબમાં જાય છે, એટલે તે સ્થાન પર સિમેન્ટના મોટા પીલર બનાવી તેના પર દેવીનું પ્રતિષ્ઠાન કરવું એવો કોન્ટ્રાક્ટ કંપનીનું નવું આયોજન છે. તદનુસાર મોટા પીલર્સ બની ગયા છે. તેના ઉપર મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું. તે જ ભાગમાં પીલર્સ પર કામચલાઉ મંદિર બનાવીને તેમાં ધારીદેવી અર્થાત્ દક્ષિણકાલીદેવીની પ્રતિષ્ઠા થઇ છે. યાત્રીઓ તે સ્થાન પર જઇ શકે છે અને દર્શનપૂજા પણ કરી શકે છે. અમે પણ મંદિરમાં ગયા નિરાંતે દર્શન પામ્યા. દક્ષિણ કાલીમાતાની તે જ પ્રાચીન મૂર્તિ અહીં ઊંચા સ્થાન પર પ્રતિષ્ઠિત થઇ છે.
મંદિર અને માતાજીની મૂર્તિને પોતાના મૂળ સ્થાનેથી ઉપર લેવાના કાર્ય સામે માતાજીના સ્થાનિક ભક્તોએ ખૂબ મોટો વાંધો લીધો, ધરણાં થયાં, દેખાવો.