ઉરગમ વૅલીનું સાંસ્કૃતિક અને શૈક્ષણિક ધોરણ ઘણું ઊંચું છે
જીવનનું અમૃત -ભાણદેવ
સામેના પહાડ પર ખૂબ ઊંચાઈ પર એક નાનું ગામ દેખાય છે. તે ગામથી દરરોજ અહીં ઉરગમમાં ભણવા માટે તેઓ આવે છે. દરરોજ આટલી ઊંચાઈથી ઊતરીને અને પછી તેટલી જ ઊંચાઈ ચડીને આ નાની બાલિકાઓ ભણવા માટે આવનજાવન કરે છે! અમે તે ગામની ઊંચાઈ અને આટલી નાની બાલિકાઓ જોઈને છક થઈ ગયા.
ઉરગમ-ઘાટીમાં ૧૨ ગામો છે. આ બારેય ગામોમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા છે, પરંતુ માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણની વ્યવસ્થા માત્ર સૌથી મોટા ગામ ઉરગમમાં જ છે, તેથી આ નાના ગામોનાં બાળકો અને બાલિકાઓ માધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શિક્ષણ માટે દરરોજ આટલું ચાલીને, કહો કે ચઢાણ ચડીને અને ઉતરાણ ઊતરીને ઉરગમ આવે છે. તેમની શિક્ષણપ્રીતિ અને તિતિક્ષા જોઈને માથું નમી ગયું. અહીં શાળાની બસો જ નથી અને બસો ચાલી શકે તેવા રસ્તા સર્વત્ર નથી.
અમારી હિમાલયની યાત્રા દરમિયાન મેં અનેક વાર જોયું છે કે હિમાલયમાં ભણતરનો માહોલ ઘણો સારો છે, શિક્ષણની ટકાવારી ઊંચી છે.
બાલિકાઓની એવી એકાધિક મંડળીઓ અમને સામી મળી. હવે તેઓ શાળાએથી ઘર તરફ પ્રયાણ કરી રહી છે.
અમે આગળ ચાલ્યા.
આ વિસ્તૃત, સુંદર અને સમૃદ્ધ વૅલીનું દર્શન કરતાં-કરતાં અમે આગળ ચાલી રહ્યા છીએ. આ વૅલીનું સાંસ્કૃતિક અને શૈક્ષણિક ધોરણ ઘણું ઊંચું છે અને હવે તો આ વૅલીને મોટરરસ્તો પણ મળી ગયો છે, તેથી તેના વિકાસની તકો અનેકગણી વધી ગઈ છે.
અમારા ડ્રાઈવર પ્રવીણભાઈનો ફોન વારંવાર આવે છે:
“રસોઈ તૈયાર છે. જલદી આવો.
અમે જલદી ચાલી શકીએ, પરંતુ દોડી ન શકીએ.
આમ ઝડપથી ચાલતાં-ચાલતાં અમે અમારી મોટર પાસે પહોંચ્યા. એક નાના પતરાના ઢાળિયામાં એક હિમાલયન હોટલ ચાલે છે. અહીં ભોજન અને ચા-પાણીની વ્યવસ્થા થઈ શકે છે. પ્રવીણભાઈનું ભોજન તો સંપન્ન થયું છે. અમે હાથ-મોં ધોઈને ભોજન માટે બેઠા. આલુ-પરોઠાં, દાળ, ભાત, શાક, કચુંબર આદિ વાનગીઓ પ્રચુર માત્રામાં બનાવી છે અને ખૂબ સારી રીતે તૈયાર કરી છે. અમે ભોજન કરતાં-કરતાં ભોજન બનાવનાર બહેનની પ્રશંસા કરી અને પતિદેવ બોલી ઊઠ્યા:
“મહારાજ! મારે બે પત્ની છે. બંને પત્નીથી બાળકો છે. એક પત્ની અને બધાં બાળકો ગામમાં રહે છે. અમે બંને અહીં રહીએ છીએ.
હું તો તેમનું આ પરાક્રમ સાંભળીને નારાજ થઈ ગયો, પરંતુ તેમનાં પત્ની તો મરકમરક હસી રહ્યાં છે.
તે જ સમયે અમે પેલા પક્ષીનો મધુર અવાજ સાંભળ્યો.
મેં અમારા હોટેલ માલિકભાઈને આ પક્ષીનું નામ પૂછ્યું. તેમણે કહ્યું: “આ સંગીતકાર પક્ષીનું સ્થાનિક નામ તો ‘લંબપૂંછા’ છે. તેની પૂંછડી લાંબી છે, તેથી અમે તેને લંબપૂંછા કહીએ છીએ. તેનું ખરું નામ મને યાદ નથી. બાજુમાં બેસી ચા પી રહેલા ભાઈએ નામ કહ્યું: “ન્યુલી. તો આ ન્યુલી છે.
આ ન્યુલી અને તેના ગાન વિશે આ વિસ્તારમાં એક કથા પ્રચલિત છે. હોટલના માલિકભાઈએ અમને આ કથા કહી:
અહીં આ વિસ્તારમાં એક બહેન સાસરે રહેતાં હતાં. તેમના પર સાસુનો બહુ ત્રાસ હતો. એક વાર તે બહેને પોતાને પિયર જવા માટે સાસુ પાસે રજા માગી. સાસુએ રજા ન આપી, એટલું જ નહીં, પણ લોખંડનો એક સળિયો ગરમ કરીને તે ગરમ સળિયો તેના મસ્તકમાં ભરાવી દીધો. તે બહેન પિયરનું સ્મરણ કરતાં-કરતાં અને ‘મૈજ-મૈજ’ બોલતાં-બોલતાં મૃત્યુ પામ્યા. સ્થાનિક ભાષામાં પિયરને મૈજ કહે છે. તે દુખિયારી બહેન પછીના જન્મમાં પક્ષી બની. તે જ આ લંબપૂંછા અર્થાત્ ન્યુલી છે. ગત જન્મના દુ:ખદ સ્મરણરૂપે આજે પણ આ ન્યુલી ‘મૈજ-મૈજ’ અર્થાત્ ‘પિયર-પિયર’ એમ પોકારતી રહે છે.
આપણે જેને પક્ષીનું મધુર ગીત ગણીએ છીએ તે વસ્તુત: પક્ષીનું આક્રંદ છે!
અમારું ભોજન પૂરું થયું અને અમારી આ ન્યુલીની કથાનું શ્રવણ પણ પૂરું થયું.
અમે સૌની વિદાય લીધી. અમે અમારી મોટરમાં બેઠા. મોટર સડસડાટ દોડવા લાગી અને અમે હેલંગ પહોંચ્યા. હેલંગથી મોટર હવે બદરીનાથ-હૃષિકેશ રોડ પર દોડવા લાગી.
ઉરગમ-ઘાટીની અમારી ધ્યાનબદરીની યાત્રા પરિપૂર્ણ થઈ.