કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લાના હટલી મોરથી તેમની ભારત જોડો યાત્રા ફરી શરૂ કરી હતી ત્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉત પણ તેમની સાથે પગપાળા યાત્રામાં જોડાયા હતા.
આ યાત્રા સવારે 7 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે એક કલાક અને પંદર મિનિટ મોડી થઈ હતી. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી આ કૂચ ગુરુવારે સાંજે પંજાબથી જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશી હતી અને 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થવાની છે.
શિવસેના ઉદ્ધવ ઠાકરેના સાંસદ સંજય રાઉત રાહુલ ગાંધીને ઘણા પસંદ કરે છે. રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રામાં ભાગ લેવા માટે રાઉત પણ જમ્મુ પહોંચ્યા હતા. “હું મારી પાર્ટી વતી યાત્રામાં જોડાવા આવ્યો છું. દેશમાં વાતાવરણ ઝડપથી બદલાઈ રહ્યું છે અને હું ગાંધીને એક એવા નેતા તરીકે જોઈ રહ્યો છું જે વાસ્તવિક મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. જે રીતે લોકો આ યાત્રા સાથે જોડાઈ રહ્યા છે તે હૃદયસ્પર્શી છે. રાહુલ એક નેતા છે અને તેથી જ તેઓ રસ્તા પર છે. લોકો પસંદ કરશે કે તેમના નેતા કોણ હશે,” એમ મહારાષ્ટ્રના સંજય રાઉતે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રમાંથી પણ પસાર થઇ હતી, ત્યારે સંજય રાઉત આ યાત્રામાં જોડાવા માટે છેક કાશ્મીર ગયા એ વાતે સમાચાર જગતમાં આશ્ચર્ય જગાવ્યું છે.