મેલબર્નઃ પોતાની કારકિર્દીની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ રમનારી સાનિયા મિર્ઝા રોહન બોપન્નાની સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં મિક્સ ડબલમાં ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે ત્યારે તેમનો ટાર્ગેટ હવે સાતમા ક્રમના ખિતાબ પર છે. ભારતીય જોડીએ સેમિફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત બ્રિટનના નીલ સ્કૂપ્સ્કી અને અમેરિકાની દેસિરા ક્રોજ્જિકને 7-6(5), 6-7(5) અને 10-6થી પરાજય આપ્યો હતો. અગાઉ ભારતીય જોડીને યેલેના ઓસ્ટાપેંકો અને ડેવિડ વેગા હર્નાડિજને હરાવીને સેમી ફાઈનલમાં સ્થાન મળ્યું હતું.
ભારતીય જોડીએ મેચની શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ સેટ 7-6ના માર્જિનથી જીતી લીધો હતો. જોકે, સાનિયા અને બોપન્ના બીજો સેટ 6-7ના માર્જિનથી હારી ગયા હતા. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ભારતીય જોડીએ શાનદાર કમબેક કર્યું હતું અને 10-6ના માર્જિનથી ત્રીજો સેટ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ સાનિયા અને કઝાકિસ્તાનની અન્ના ડેનિલિના વિમેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં હારી ગઈ હતી. ભારતીય જોડીએ ઉરુગ્વે અને જાપાનની એરિયલ બેહાર અને માકાટોનિનોમિયાની જોડીને 6-4, 7-6 (11-9)થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
અહીં એ જણાવવાનું કે સાનિયા મીરઝાએ અગાઉ જાહેરાત કરી હતી કે આ તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ હશે. સાનિયા છ ગ્રાન્ડ સ્લૈમ જીતી છે, જેમાં ત્રણ મિક્સ ડબલ છે, જેમાં એક મહેશ ભૂપતિ (2009 ઓસ્ટ્રિલયન ઓપન, 2012 ફ્રેન્ચ ઓપન) અને બ્રાઝિલના બૂનો સોરેસ સાથે (2014માં અમેરિકન ઓપન) જીતી હતી.