પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલ્લિક સાથે છુટાછેડાના સમાચાર વચ્ચે હવે ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ એક એવી જાહેરાત કરી છે કે જેને કારણે તેના ફેન્સ નિરાશ થઈ ગયા છે. વાત જાણે એમ છે કે સાનિયાએ હવે પ્રોફેશનલ ટેનિસ કરિયરને અલવિદા કહેવાનું નક્કી કરી લીધું છે અને તે ફેબ્રુઆરી મહિનાની દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ બાદ ટેનિસને અલવિદા કહી દેશે. સાનિયાએ આ નિર્ણય તેને થયેલી ઈજાને કારણે લીધો છે. આ ચેમ્પિયનશિપ સાનિયાની છેલ્લી ટુર્નામેન્ટ હશે.
View this post on Instagram
19મી ફેબ્રુઆરીથી શરુ થનાર આ ટુર્નામેન્ટ એક WTA 1000 ઈવેન્ટ હશે. જેમાં સાનિયાના ફેન્સ તેને છેલ્લી વખત ટેનિસ રમતી જોઈ શકશે. સાનિયાએ ગયા વર્ષે જ જાહેર કરી દીધું હતું કે 2022ના અંતમાં તે ટેનિસમાંથી ક્ષેત્ર સંન્યાસ લઈ લેશે. પણ ઈજાને કારણે તે યુએસ ઓપન નહીં રમી શકી. આવામાં હવે સાનિયા આ વર્ષની પહેલી ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન રમશે. ત્યાર બાદ યુએઈમાં ચેમ્પિયનશિપ રમીને ટેનિસના ટાટા-બાય બાય કરી દેશે.
સાનિયાએ જણાવ્યું હતું કે મેં ગયા વર્ષે જ WTA ફાઈનલ્સ બાદ જ નિવૃત્તિ લેવાનું નક્કી કરી લીધું હતું, પણ ઈજા થતાં યુએસ ઓપન અને બાકીની મેચમાંથી મારે મારું નામ પાછું લેવું પડ્યું હતું. હું મારી શરતો પર જીવી છું. આ જ કારણ છે કે હું ઈજાગ્રસ્ત થઈને બહાર જવા નહોતી માગતી અને હજી પણ ટ્રેનિંગ લઈ રહી છું. આ જ કારણ પણ છે કે દુબઈ ચેમ્પિયનશિપ બાદ રિટાયરમેન્ટ લેવાની છું. અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ મહિના સુધી ડેટ કર્યા બાદ સાનિયા અને શોએબે 2010માં લગ્ન કરી લીધા હતા. 2018માં સાનિયાએ એક દીકરાને જન્મ આપ્યો હતો.