Homeઈન્ટરવલસમુદ્રમંથન: કથા એક, પણ પાઠ અનેક

સમુદ્રમંથન: કથા એક, પણ પાઠ અનેક

વિરોધીઓને જોડવાની કળા થકી અમૃત નીકળે

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

મેનેજમેન્ટ લેક્ચરમાં હોય કે આપણે ત્યાં થતી રામાયણ ભાગવત જેવી સપ્તાહોમાં લોકસમૂહને આકર્ષી શકે એવી ઘણી કથાઓ કોમન હોય છે. આ કથાઓના હેડિંગનો ઉપયોગ લોકબોલીમાં અત્યંત સહજ રીતે થતો હોય છે. ભારતીય કથાઓમાં સૌથી વધુ ઉપયોગ થતી કથાઓ પૈકીની એક છે, સમુદ્રમંથન.
જ્યારે મુશ્કેલ ઘડી હોય, સફળતા માટે અગણિત પ્રયત્નો કરવા પડે. સખત મહેનત થકી પરિણામ તરફેણમાં આવે કે ન પણ આવે. આ પ્રયાસને એક પ્રકારનો સમુદ્રમંથન કર્યો કહેવાય. આ વિષય પર મૂળ કથા અનેક સ્વરૂપમાં ઉપલબ્ધ છે. અત્યંત સરળ કથાને દરેક ભાષા, વિસ્તાર અને જરૂરિયાત મુજબ રજૂ કરવામાં આવી છે, પણ તેનો મૂળ હેતુ દરેક કથામાં જળવાઈ રહ્યો છે. આપણે પણ એવી થોડી અલગ પડતી કથાનો ઉલ્લેખ કરીએ. દુર્વાસા ઋષિ તેમના તપ કરતાં વધારે સામાન્ય લોકોમાં પ્રચંડ ક્રોધ માટે વધુ જાણીતા છે. ઘણીવાર ક્રોધી વ્યક્તિનો પર્યાય શબ્દ દુર્વાસા કહેવામાં આવે છે. આપણા વિદ્વાન દુર્વાસા ઋષિને ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠમાંથી એક હાર આપવામાં આવ્યો. આ હાર તેમણે સ્વર્ગના રાજા ઇન્દ્રને ભેટ આપ્યો. ઇન્દ્ર હારનું યોગ્ય સન્માન જાળવી શક્યો નહીં, પરિણામે દુર્વાસા ક્રોધિત થયા. દુર્વાસાએ તમામ દેવતાઓને શાપ આપ્યો કે તમારું યૌવન હણાઈ જાય અને તમારી પાસે રહેલી શક્તિઓ નાશ પામે. કુછ સમજે? કોઈ પ્રેમથી ભેટ આપે તો તેની કદર કરતાં શીખવું જોઈએ.
સમય જતાં શાપ સાચો પડવા લાગતા સ્વાભાવિક છે કે ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ ડરી ગયા. દરવખતની કથાઓની જેમ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કહ્યું કે તમને ભગવાન વિષ્ણુ જ બચાવી શક્શે. ભૂલ થાય તો યોગ્ય વ્યક્તિની સલાહ લેવામાં દેવોએ પણ શરમ રાખી ન હતી, આપણે એટલા ઇગોઇસ્ટ બનીએ છીએ કે જાણે બધું આવડતું જ હોય. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને ભગવાન પ્રગટ થયા. દેવોએ પોતાની સમસ્યા જણાવી અને જો અસુરો શક્તિશાળી બનશે તો બ્રહ્માંડમાં રહેલા સત્ત્વનો નાશ થશે જેવી વાતો પણ કરી. ભગવાને શાંતિથી વાત સાંભળીને કહ્યું કે આ બધી સમય સમયની વાત છે, મૂળે સમય હી બલવાન હૈ. અત્યારે સમય તમારી વિરુદ્ધ છે, અસુરોની ફેવરમાં છે. તમારી ફેવરમાં સમયને લાવવો હોય તો ક્ષીરસાગરમાંથી અમૃત કાઢવું પડશે. અમૃત કાઢવું એ અત્યંત કષ્ટદાયક છે. કેટલી મૌલિક વાત કહેવામાં આવી કે તમારી ફેવરમાં સમય લાવવા સખત મથવું પડે.
અમૃત કાઢવાની સૂચના આપ્યા પછી ભગવાન વિષ્ણુએ જે વાત કરી એ દરેક માણસે શીખવી જોઈએ. જ્યારે સમય વિરુદ્ધમાં જતો હોય એ સમયે તમારે દુશ્મનો પાસે જવું પડશે, એમની સાથે ચર્ચા કરીને થોડી બાંધછોડ કરીને સમુદ્રમંથન જેવા કાર્યમાં જોતરવા પડશે. અમૃત કાઢવાનું કામ તમે એકલા કરી શક્શો નહીં. વાહ…. કેટલી ઉમદા વાત, જરૂર પડે વિરોધીઓને પણ સમજાવીને સાથે રાખવા. તમે દુશ્મનોને સાથે રાખીને અમૃત મેળવવા પ્રયત્ન કરશો તો જ તમે પાછી શક્તિ પ્રાપ્ત કરી શક્શો. જે અમૃત પીશે એ અમરત્વ પ્રાપ્ત કરશે, તો સમય બગાડો નહીં અને અસુરોનો સહયોગ માગો.
ભગવાને એક ખાસ સૂચના પણ આપી કે સમુદ્રમંથન દરમિયાન અનેક મૂલ્યવાન વસ્તુઓ મળશે, પણ એ બધા પર મોહ કરવાની જરૂર નથી. જે મળે એ સ્વીકારવું, જો એ ન મળે તો જવા દેવાનું. જો તમે અન્ય કિમતી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિતા કરશો તો અમૃત મેળવવામાં રહી જશો. તમારું ફોકસ ફક્ત અમૃત પર રાખવું. વન્સ અગેઇન, કેટલા મૌલિક મેસેજ આપ્યા છે, ફોકસ મેનેજમેન્ટ શબ્દ એક કથા થકી આપણને શીખવી દીધો. હજારો વર્ષ પહેલાં લખાયેલી આ વાતો આજે નવા સ્વરૂપે મેનેજમેન્ટ શીખવે છે, માફી માગીને સહકાર મેળવવા જેવી વાતો આપણા વડવાઓ પહેલેથી જ અનુભવોને આધારે લખી ચૂક્યા છે.
સમુદ્રમંથન કરવા માટે મંદાર પર્વતનો વલોવવાના પાત્ર તરીકે ઉપયોગ કરવો પડશે અને વલોવવા મજબૂત દોરડું જોઈએ જે વાસુકિ નાગ થકી થઈ શક્શે.
દેવતાઓએ અસુરોની મદદ માગી, હિસ્સો આપવાની શરતો નક્કી થઈ. બન્ને પક્ષો સાથે મળીને મંદાર પર્વતને સમુદ્રમાં લઇ જવા લાગ્યા, પણ થોડીવારમાં થાકી ગયાં. ભગવાન વિષ્ણુની મદદ માગવામાં આવી અને ભગવાન તેમના
વાહન ગરુડ પર પ્રગટ થયા અને એક હાથે મંદાર પર્વતને ઉપાડી ક્ષીરસાગરમાં મુકી દીધો.
વાસુકિ નાગને અમૃતમાં ભાગ આપવાની શરતે તૈયાર કર્યા, ઉત્સાહ સાથે દેવો અને દાનવોએ પર્વતને નાગ થકી વલોવવાનું શરૂ કર્યું. દેવતાઓ તો દુર્વાસાએ આપેલા શાપને લીધે
નબળા પડી ગયા હતાં, ભગવાન વિષ્ણુએ તેમને સાથ આપ્યો. ભગવાને વાસુકિ નાગના મોં વાળો ભાગ પકડ્યો અને અસુરોને પૂંછડીવાળો ભાગ આપ્યો. અસુરોનો ઇગો હર્ટ થયો, અમને મોં વાળો ભાગ મળવો જોઈએ. ભગવાન વિષ્ણુએ તુરંત સંમતિ આપીને પૂંછડી વાળો ભાગ દેવો તરફ રાખ્યો અને મોં વાળો ભાગ અસુરોને આપ્યો.
ફરી મંથન શરૂ થયું, પરિણામ આવવાને બદલે પર્વત ધીમે ધીમે ડૂબવા લાગ્યો. ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર ધારણ કર્યો અને મંદરાચલને સ્થિર કર્યો. ફરી જોરશોરથી મંથન શરૂ થયું પણ મિત્રો, તમારું ય મનોમંથન ચાલુ રાખજો. દરેક નાનીમોટી વાત એક મેસેજ આપે છે. મારા માટે તો સ્પેસ લિમિટેડ હોય પણ તમે વાંચતી વેળા જિંદગીના લેશનના ખુલ્લા આકાશમાં વિહાર કરી શકો છો. પોતાની રીતે વિચારતા રહેવાની વિનંતી સાથે આપણે વાત આગળ વધારીએ.
ભગવાન વિષ્ણુ દ્વારા થયેલા પ્રયાસ હજી ઓછા લાગતા હતાં. મંથનનું કામ હજી પણ ઝડપથી થતું ન હતું. ભગવાનને લાગ્યું કે દેવતાઓ કે અસુરોને ભરોસે રહેવાનું નથી, મારે જ કંઈક કરવું પડશે. ભગવાનના એક અંશ દેવતાઓ તરફ તથા બીજો અંશ અસુરોને મદદ કરવા લાગ્યો. ભગવાનને લાગ્યું કે બધા જે જોર કરે છે એ તો વાસુકી પર છે. ભગવાને ત્રીજો અંશ વાસુકિમાં મૂક્યો અને તેનું દર્દ દૂર કર્યું. વાસુકિ નાગને થાક અને દર્દમાં મોંમાંથી આગ અને અત્યંત ગરમ હવાઓ નીકળવા લાગી. અસુરોને થયું કે આના કરતાં પૂંછડી પકડી હતી એ સારું હતું. કુછ સમજે? થોડો ભરોસો રાખતા શીખવાની જરૂર છે. ભગવાને પર્વતને બેલેન્સ આપવા સાથે બધાને સપોર્ટ કરવા હજાર હાથવાળા બન્યા. ભગવાન વિષ્ણુની આકરી મહેનત જોવા એક સમયે દેવતાઓ અને અસુરો બાજુમાં ઉભા રહી ગયા. ભગવાનની મહેનતનું અનુપમ દ્રશ્ય જોઇને ગદગદિત થઈ ગયાં. દેવતાઓ તરફ, અસુરો તરફ, વાસુકી નાગમાં, પર્વત ટકાવી રાખવા તથા ડુબી ન જાય એ માટે નીચેથી ટેકો આપવાના લગભગ તમામ કામ ભગવાને ઉપાડી લીધા. નરસિંહ મહેતો આમ જ થોડો વખાણ કરતો હતો? માનવજાત દૂર બેસીને હંમેશાં ખામીઓ શોધશે, આ કથામાંથી પણ ખામીઓ શોધશે પણ સખત પુરુષાર્થની ચર્ચાથી દૂર રહેશે.
આ આખા મંથન દરમિયાન વાસુકિ નાગ થાકીને લોથપોથ થઈ ગયો, તેના મોંમાંથી કાલકૂટ નામનું અત્યંત હળાહળ વિષ નીકળવા લાગ્યું. કેટલીક કથાઓમાં સમુદ્રમંથનમાંથી વિષ નીકળ્યાની વાત છે, શક્ય છે.
આપણા માટે જે લેશન છે એ અગત્યનું છે. વિષ ક્યાંથી નીકળ્યું એ અગત્યનું નથી, કોણે પચાવ્યું એ મહત્ત્વનું છે. નાની મોટી લખાણોની ભૂલોના ચક્કરમાં અગત્યની વાત રહી જતી હોય છે. ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવતાઓએ ભગવાન શિવને આ સમસ્યા ઉકેલવા પ્રાર્થના કરી. ભગવાન શિવ તેમના પત્ની પાર્વતી સાથે પ્રગટ થયાં. ભગવાન શિવને કહ્યું કે જો આ વિષ ફેલાશે તો અસ્તિત્વ ટકાવવું અશક્ય બનશે. ભગવાન શિવે એક પણ પળનો વિલંબ કર્યા વિના વિશ્ર્વના હિતમાં વિષ ગટગટાવી ગયા, પાર્વતીએ તુરંત ભગવાનનું ગળું પકડીને ઝેરને ગળામાં રોકી નાખ્યું. ભગવાન શિવનું નામ નીલકંઠ થયાની કથા જાણીતી છે. આ વાત પર તો કોલમો ભરીને મેસેજ લખાયા છે.
હવે જે વાત લખી છે એ આધુનિક સમયમાં પણ એટલી જ સ્વીકાર્ય છે કે જેણે ઝેર પીધું હોય એને સૂવા દેવો નહીં. આખી રાત દેવો અને અસુરો શિવની સ્તુતિ કરતાં રહ્યા અને ભગવાનને જગાડી રાખ્યા. આ જ રાત્રિને આપણે સહુ મહાશિવરાત્રી તરીકે ઉજવીએ છીએ.
ભગવાને જે ઝેર પોતાના ખોબામાં ભરીને પીધું હતું તેમાંથી થોડા થોડા ટીપા ધરતી પર પડ્યા, જે કેટલાક સર્પો, વીંછી તથા કેટલીક વનસ્પતિઓ પર પડ્યા હતાં. જેમના પર ઝેરના ટીપાં પડ્યા એ બધા ઝેરીલા બન્યા, આ ટીપાં માનવ સમુદાય પર પડ્યા હોવાની શંકા તો થાય.
બીજા દિવસે બધા તાજામાજા બનીને ફરીથી સમુદ્રમંથન શરૂ થયું. પ્રથમ કામધેનુ ગાય પ્રગટ થઈ, જે ઋષિઓને આપવામાં આવી. એક અદ્ભૂત સફેદ અશ્ર્વ, ઉચ્ચૈશ્રવા પ્રગટ થયો જે અસુર વાલીને આપવામાં આવ્યો. ચાર દાંતવાળો સફેદ ઐરાવત ઇન્દ્ર પાસે ગયો. પારિજાત વૃક્ષ અને અપ્સરાઓ દેવતાઓને હવાલે કરવામાં આવી.
લાલ કમળ પર અત્યંત સુંદર અને તેજસ્વી લક્ષ્મીજી પ્રગટ થયાં, દેવતાઓ અને અસુરોને મોહ લાગ્યો પણ લક્ષ્મીજીને જ સ્વયં વર શોધવાનું જણાવતા તેમણે એક તરફ શાંતિપૂર્વક બેઠેલા ભગવાન વિષ્ણુને પસંદ કર્યા. લક્ષ્મીજી હંમેશાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાવાળા પર પ્રસન્ન થાય છે. કુછ સમજે? પૂજા એટલે દીવો અગરબત્તી નહીં પણ મંથન માટે ભગવાને કરેલી મહેનત. ઇન શોર્ટ લાઇફમાં કશું છોટા શોર્ટકટ હોતું નથી. સંઘર્ષ અને નિષ્ઠા હોય તો જ લક્ષ્મી તેને વરે છે.
ભગવાન વિષ્ણુના અંશ એવા ધન્વંતરિ એક ઘડો લઇને પ્રગટ થાય છે, અસુરો ઘડો લઇને ભાગી જાય છે. દુર્વાસાએ આપેલા શાપને કારણે શારીરિક રીતે નબળા દેવતાઓ રોકવામાં અસમર્થ છે તેથી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરે છે.
ભગવાન વિષ્ણુ કહે છે કે બધાને અમૃત મળવાનું હતું પણ અસુરોએ લાલચ કરી અને દગો દીધો. તેમને તેનું ફળ મળશે, ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ઘડો પોતાની પાસે લીધો, પોતાની અપ્રિતમ સુંદરતા થકી બંને વચ્ચે એગ્રીમેન્ટ કરાવ્યો કે મોહિની જે કરશે એ બંને પક્ષને માન્ય હશે. આપણે જાણીએ છીએ કે જેવા સાથે તેવા ન્યાય મુજબ દેવતાઓને અમૃત મળતા પુન: શક્તિશાળી બન્યા. દેવો અને અસુરો વચ્ચે ફરી એકવાર યુદ્ધ થયું પણ દેવોએ અસુરોને ભગાડી દીધાં. શું શીખ્યા? કોર્પોરેટ લેશન એ છે કે જીવન હોય કે ઇન્ડસ્ટ્રીઝ. ક્ષીરસાગર સહુને સાથે રાખીને મંથન કરવાથી પરિણામ મળે છે. વાત ફક્ત મહેનત, નિષ્ઠા અને ઇશ્ર્વરકૃપાની જ છે. આ કથાના અસંખ્ય સ્વરૂપ છે, અનેક ઉપકથાઓ પણ જોડાયેલી છે. સમુદ્રમંથન કથા થકી હનુમાનજીના જન્મ સુધી અનેક પેટાકથાઓ લખાયેલી છે. આ વાતો યાદ કરાવવાનો હેતુ એટલો જ છે કે, અસંખ્ય લાઇફ લેશન આપણી કથાઓમાં છે પણ વાંચવા અને વિચારવા સમય કાઢવો પડે. આજકાલ સોશિયલ મીડિયા ઘણો સમય લઇ જાય છે…. એમાં પણ થોડું મનોમંથન કરીને મૌલિક વાંચન માટે સમય કાઢવો જોઈએ.

ધ એન્ડ : સર્પને ગળે લગાવીને મહાદેવે બહુ સરળતાથી કહી દીધું કે શા માટે ડરવાનું? ઇવન ભગવાને મેક અપ કર્યો, તો શેનો? માનવ ભસ્મનો… નિવાસ કર્યો તો ક્યાં? સ્મશાનમાં કપડું વાઘચર્મ તો વાહન નંદી… નૃત્ય તો આનંદ તાંડવ આપણે જેનાથી ડરીએ એ તમામનો શિવ દ્વારા સ્વીકાર હકીકતમાં સ્લોગન હોવું જોઈએ કે “ડર કે આગે શિવ હૈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -