Homeવાદ પ્રતિવાદસંસાર અસાર, જગત નાશવંત માત્ર રબ્બતઆલા જ અમર-અનંત

સંસાર અસાર, જગત નાશવંત માત્ર રબ્બતઆલા જ અમર-અનંત

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

એકવાર રાતના સમયે એકાંતમાં મજનૂએ બારગાહે ઈલાહી (અલ્લાહના દરબાર)માં અરજ કરી: ‘યા અલ્લાહ! મેં એવો તે શો કસૂર કર્યો હતો કે, જેની સજારૂપે તે મારૂં દિલ લયલાની ઝુલ્ફોમાં ફસાવી દીધું? આખી દુનિયા રાતના સૂવે છે, પણ હું રડતો રહું છું. લોકો માટે ઘરના ખૂણે સુંવાળી પથારી અને શાંતિની નિદ્રા છે, પણ મારા માટે વેરાન જંગલ અને ધૂળની પથારી છે! દુનિયામાં ઝલીલ (ધિક્કારપાત્ર) થયો, રુસ્વા (ખુવાર) થયો, મારો આત્મા અશાંત છે, આ તેં મને કયા ગુનાની સજા આપી છે મારા માલિક!’
મૌલાના રૂમ પોતાની હિકાયત (વાર્તા, દંતકથા)માં ફરમાવે છે: ‘મજનૂની ફરિયાદે અર્શે આઝમ (આઠમું સ્વર્ગ જ્યાં ખુદા રહે છે તેના સિંહાસન)ને હચમચાવી દીધું. જવાબ મળ્યો: ‘દીવાના! આ લયલાનો ઈશ્ક નથી, બલ્કે મારી મુહબ્બત છે. જો તું લયલાના ઈશ્કમાં ગિરફ્તાર ન થાત તો રાતના સમયે અમને ક્યાંથી યાદ કરત! હારી આહોઝારી (યાચના, દર્દભરી ફરિયાદ) અમને પસંદ છે. તારૂં ‘યા રબ્બ! યા રબ્બ!’નું રટણ અમને બહુ ગમે છે,
સારાંશ કે, સંસાર અસાર છે – જગત નાશવંત છે – માત્ર રબતઆલા અમર છે, અનંત છે, તેનો નાશ નથી. એટલે સત્ય પણ એ જ છે, આટલું સમજી લેવામાં આવે તો પછી એ પણ સમજાઈ જશે કે, દુનિયાવાળાઓની દોસ્તી ક્ષણજીવી છે અને એમની મદદ પણ. સાચી દોસ્તી અને સાચી મદદ તો માત્ર રબ્બતઆલાની જ છે.
બુદ્ધિ કહે છે, આગ બાળે છે અને પાણી પ્યાસ બુઝાવે છે. દવા રોગ મટાડે છે અને છરી કાપે છે. પરંતુ સુલ્તાને ઈશ્કનો ફતવો છે કે, આ બધામાં હકીકત એટલે અમરે ઈલાહી જલ્વાગર છે. અર્થાત અલ્લાહની કુદરત સદા અમર અને રોશન છે તેના જ ઈરાદાથી આગ બાળે છે, એના જ ઈશારાથી પાણી પ્યાસ બુઝાવે છે. જો તેની ઈચ્છા, તેનો ઈરાદો અને તેનો કરમ (કૃપા) ન હોય તો દુનિયાનું કોઈપણ કામ ક્યારે પણ થઈ શકે નહીં.
એકવાર ભીંતના પડછાયાએ ભીંતને સંબોધીને કહ્યું, હે ભીંત! તું મારી આગળથી ખસી જા. મારે સૂરજને જોવો છે.
એની આવી મૂર્ખાઈભરી માંગણી સાંભળીને ભીંતે જવાબ આપ્યો: રે ઘેલા પડછાયા! તને આ શું મૂર્ખાઈ સૂઝી? અરે મૂરખા! જો હું તારી આગળથી હટી જઈશ તો તારો નાશ થઈ જશે. તને આટલું પણ ભાન નથી કે તારી હસ્તી મારા જ કારણે અને મારા જ પ્રતાપે છે. હું ન હોઉં તો તું ય નહીં હોય. તારૂં અસ્તિત્વ તો મારા લીધે છે. તું કંઈ મૂળ સ્વરૂપ નથી, પડછાયો છે. મૂળ વસ્તુ તો હું છું અને તું તો માત્ર મારી છાયા છે. હું હટી જઈશ તો તારો નાશ પણ એ જ ઘડીએ થઈ જશે એ નક્કી જાણ. એટલે આવી મૂર્ખાઈભરી માગણી મૂક અને ડાહ્યોડમરો થઈ તારી હસ્તીને સલામત રાખ!
બોધ: આ દાખલા પરથી એવો બોધ ગ્રહણ કરવો જોઈએ કે, આ જગત નાશ પામનારી વસ્તુ છે. માત્ર અલ્લાહની ઝાત અને એની સિફાત અર્થાત વિશેષતાઓ સચ્ચાઈ, હકીકત છે – મૂળ તત્ત્વ છે, અને એ જ અમર રહેનારી ચીજ છે.
રબ્બતઆલા બીજી આયતોમાં ફરમાવે છે:
* મારા સિવાય કોઈને વકીલ ન બનાવો. * અલ્લાહ જ હિસાબ લેનાર છે. * અલ્લાહનો જ હુકમ છે. * અલ્લાહ જ જીવંત છે, કાયમ રહેનાર છે. * એ જ સાંભળનાર, એ જ જોનાર છે.
આ તમામ આયતો (વાક્યો)માં જે કંઈ નિર્દેશ કરાયો છે તે ‘હકીકત’ અર્થાત્ વાસ્તવિકતા તરફ કરાયો છે.
* અમે ઈન્સાનને અઝમાઈશ માટે વિર્યબિંદુમાંથી પેદા કર્યો અને એને સાંભળનાર એ જોનાર બનાવ્યો. માશાઅલ્લાહ. (ભાવાનુવાદ: સઘળી પ્રસંશા ઈશ્ર્વર માટે જ) – જાફરઅલી ઈ. વિરાણી
આજનો બોધ
હલાલ અર્થાત ઈમાનદારી, સચ્ચાઈ, સત્ય, સ્પષ્ટ, ખુલ્લું છે, હરામ પણ સ્પષ્ટ છે. તે બંનેની વચ્ચે જે બાબતો છે તે શંકાવાળી છે, જેને ઘણા લોકો જાણતા નથી. જે શખસ શંકાવાળી બાબતોથી બચ્યો તેણે પોતાના દીનધર્મ તથા ઈજ્જતને સ્વચ્છ-સાફ કરી લીધી અને જે કોઈ શંકાસ્પદ બાબતોમાં પડ્યો, તે હરામમાં પડ્યો. – પયગંબર હુઝૂરે અનવર (સલ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -