Homeઉત્સવઅટક માટે સિન્ધુને કિનારે સામસામા કટક

અટક માટે સિન્ધુને કિનારે સામસામા કટક

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

અપ્રતિમ શૌર્ય અને એટલી જ અદ્ભુત બુદ્ધિસભર રણનીતિ એ હરિસિંહ નલવાની વિશિષ્ટતા પરંતુ દુશ્મન સેના પાસેય સૈનિકો, તાકાત, શસ્ત્રો, ઝનૂન અને રણનીતિ હોય જ.
અટકના જંગમાં સરદાર હરિસિંહ નલવાએ ફરી અપ્રતિમ નેતૃત્વ, યુદ્ધ-કૌશલય, શૌર્ય અને અસ્ખલિત વફાદારી સિદ્ધ કરી બતાવી. કોઈ યુદ્ધ આસાન ન હોય અને આ તો વધુ મુશ્કેલ હતું. પણ નલવા માટે તો યુદ્ધ એ યુદ્ધ, એમાં આસાન શું ને અઘરું શું? કાશ્મીરના વઝિર અતા મોહમ્મદ ખાને તો ઝાઝો સામનો કરવાને બદલે સાવ પાણીમાં બેસી ગયા. બધુ સરળતાથી મળી ગયું એટલે ફતેહ ખાનની દાનત બગડી. તેણે મહારાજા રણજીતસિંહની દીવાન મોકહમચંદની આગેવાની હેઠળની સેનાય કંઈ પણ પરખાવવાનો નનૈયો ભણી દીધો. વ્યવસ્થા એવી હતી કે અતા મોહમ્મદ ખાનને હરાવવામાં શીખ સેના મદદ કરે અને બદલામાં ત્યાંથી જે કંઈ માલમિલકત-રોકડ મળે એમાંથી શીખ સેનાને ભાગ મળશે.
આ સંજોગો તો સુજા શાહ દુર્રાનીને પણ અતા મોહમ્મદ ખાન પર જરાય વિશ્ર્વાસ ન રહ્યો. સુજાએ જીવની સલામતી ખાતર દીવાન મોકહમચંદના રક્ષણ હેઠળ લાહોર જવાનું પસંદ કર્યું. એને ભય હતો કે જો સલામતપણે લાહોર ન પહોંચું તો કાબુલની જેલમાં કેદી બનવું પડશે. ત્યાં માનહાનિથી લઈને જાનહાનિ સુધીનું કંઈ પણ થઈ શકે એમ હતું. સુજા શાહ દુર્રાનીએ પોતાના જાતભાઈ અને સાથીને બદલે શીખો પર વિશ્ર્વાસ કર્યો. એ જ મહારાજા રણજીતસિંહજીના શાસનની વિશિષ્ટતા.
આશરે આવેલાને મહારાજાએ અભયદાન તો આપી દીધું પણ વચનભંગ કરનારા ફતેહ ખાનને માફ કેવી રીતે કરાય? કોઈ ઉતાવળીયું પગલું ભરવાને બદલે પોતાને પોતાની સેનાને વચન મુજબનું વળતર મળી રહે એ માટે તેમણે કાશ્મીરનો સત્તાભ્રષ્ટ અતા મોહમ્મદ ખાનના ભાઈ અને નવા સુબા જહાંદાદ ખાન સાથે મંત્રણા શરૂ કરી. શીખ સેનાએ અટકના કિલ્લા પર કબજો જમાવી દીધો. જહાંદાદ ખાને પોતાની જાગીર સ્વીકારીને સંતોષ માનવો પડ્યો, છૂટકો ક્યાં હતો? તાત્કાલિકપણે સરદાર દિયાસિંહ પોતાની નાનકડી શીખ ટુકડી સાથે અટકનો કિલ્લો અંકુશમાં લઈ લીધો. ૩૫૧૦ પાઉન્ડ (એક પાઉન્ડ એટલે ૩૭ કિલોગ્રામ) અને ૨૫૫ પાઉન્ડ સિંધાલૂણ (સિંધવ મીઠું) શીખ સેનાએ મેળવ્યું. સાથોસાથ ૭૦ તોપ, ૪૩૯ તોપગોળા અને નાના મોર્ટાર પણ મળ્યા. એ નાનકડી શીખ ચોકીનો ટેકો આપવા માટે અશ્ર્વ સેનાની ટુકડી સાથે સરદાર હરિસિંહ નલવા અને દીવાન દેવીદાસ સમયસર પહોંચી ગયા.
અલબત્ત, અટકના કિલ્લા પર શીખોના કબજાથી મામલો પૂરો નહોતો થયો. હકીકતમાં તો હવે શરૂઆત થવાની હતી. અટકના કિલ્લા પર શીખ સામ્રાજ્યના કબજાને પગલે અટકનો જંગ શરૂ થવાનો હતો. એ અગાઉ કેવા સંજોગો સર્જાયા અને સરદાર હરિસિંહ નલવાએ કેવા યુદ્ધ-વ્યૂહ અપનાવ્યા એ અગાઉ જોયું.
લાચારીવશ અફઘાનોએ ભલે હથિયાર હેઠા મૂક્યા હતા. પણ કટક પર ખાલસા ધ્વજ કોઈનાથી સહન થતો નહોતો. ન ધીરજ, ન સંયમ, ન સમજ. ટૂંકમાં વિનાશકાળે વિપરીત કબુદ્ધિ.
અફઘાન સેના ફરી એક થઈને સામે આવી અને ૧૮૧૩ની એપ્રિલે ફતેહખાને કાશ્મીરથી આગેકૂચ કરીને અટક કિલ્લા સુધી પહોંચી ગયો. આ અફઘાનોને મારી હઠાવવા માટે ખાલસા રાજે સૈન્ય-શસ્ત્રો રવાના કર્યા. હરિસિંહ નલવા, મોહકમચંદ અને કરમચંદ ચહલ આમાં આગેવાની તરીકે ગયા હતા.
અફઘાન છાવણીથી તેર કિલોમીટરના અંતરે ખાલસા સેનાએ તંબુ બાંધ્યા. બંને પક્ષ નાના-નાના છમકલા-ઘર્ષણ થવા માંડ્યા પણ એકેય પક્ષે નિર્ણાયક હુમલાની તૈયારી ન બતાવી. આમને આમ ઈ.સ. ૧૮૧૨ની ૧૨મી જુલાઈએ અફઘાન છાવણીમાં અન્ન-પુરવઠો ખૂટી ગયો. આ તકનો લાભ લઈને શીખ સેના આઠ કિલોમીટર વધુ આગળ વધી ગઈ.
એ બન્ને શત્રુ વચ્ચે માત્ર પાંચ કિલોમીટરનું અંતર રહી ગયું અને તેરમી જુલાઈએ દિવાન મોહકમચંદે અશ્ર્વ સેનાને ચાર ભાગમાં વહેંચી દીધી. આમાંથી એક-એક ટુકડીની કમાન સરદાર હરિસિંહ નલવા અને જનરલ સરદાર ગુરુમુખસિંહ લામ્બાને સોંપી, તો ત્રીજી ટુકડીની કમાન દીવાને ખુદ સંભાળી લીધી. એક માત્ર પાયદળ બટાલિયનને ચાર ભાગમાં વહેંચીને ચોરસ આકારે ઊભી રખાઈ.
હૈદારૂ પાસે ખાલસા સેના અને ઘૌસખાનની અફઘાન લશ્કરી ટુકડી સામસામે આવી ગઈ. બીજી અફઘાન ટૂકડીનું સુકાન દોસ્ત મોહમ્મદ ખાન હસ્તક હતું.
સિંધુ નદીને કિનારે થનારા આ જંગથી નવો ઈતિહાસ લખવાની શરૂઆત થવાની હતી. વિશ્ર્વની ભૂગોળ બદલાવાની હતી. ભવિષ્યની ઘણી આફતોમાંથી એશિયા ખાસ તો ભારત બચી જવાનું હતું. આ જંગમાં નિર્ણાયક ફાળો સરદાર હરિસિંહ નલવાનો રહેવાનો હતો એમાં શંકાને સ્થાન નથી. (ક્રમશ:)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -