… અને સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર બિયરની બોટલની રેલમછેલ થઈ!
સમૃદ્ધિ મહામાર્ગ જ્યારથી જનતા માટે ખુલ્લો મુકાયો છે ત્યારથી લઈને કોઈને કોઈ કારણસર આ માર્ગ ચર્ચામાં રહે જ છે. ફરી એક વખત એક્સપ્રેસ હાઈવે ચર્ચામાં આવ્યો છે અને એનું કારણ છે સોમવારે વહેલી સવારે આ રસ્તા પર થયેલાં અકસ્માતને કારણે એક આખી ટ્રક ઉંધી વળી ગઈ હતી અને એને કારણે રસ્તા પર જ્યાં જુઓ ત્યાં બસ બિયરની બોટલ્સ જ દેખાઈ રહી હતી. આ અકસ્માત બાદ સ્થાનિકોએ શક્ય એટલી બિયરની બાટલીઓ એકઠી કરી લેવા માટે રીતસરની પડાપડી જ કરી હતા. દારુબંધીવાળા જિલ્લામાં બિયરની બોટલ લઈ જતી ટ્રક ઉંધી વળી જતા સ્થાનિકોને ચાંદી જ ચાંદી થઈ ગઈ હતી.
નાગપુરની ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક ઔરંગાબાદથી બિયરના બોક્સ લઈને નાગપુર આવી રહી હતી એ સમયે આ વર્ધા જિલ્લા પાસે ટ્રકની સામે નીલગાય આવી જતાં ટ્રક ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માત સોમવારે વહેલી સવારે સાડાચાર વાગ્યાની આસપાસ થયો હતો.
આ અકસ્માતને કારણે નવથી દસ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરાઈ રહ્યો હોઈ સદ્ભાગ્યે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને પંચનામુ શરૂ કરી દીધું હતું. રસ્તા પર બિયરનો ટ્રક ઉંધો વળી ગયો હોવાની માહિતી મળતાં જ નાગરિકોએ પણ ઘટનાસ્થળે પહોંચીને ભેગી કરી શકાય એટલી બિયરની બોટલ્સ ભેગી કરીને ઘરભેગી કરી દીધી હોવાની માહિતી મળી રહી છે.
સમૃદ્ધિ મહામાર્ગ પર અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે પરિવહન વિભાગ દ્વારા કમર કસવામાં આવી હોઈ જૂના ટાયરવાળા વાહનોને આ હાઈવે પર નહીં જવા દેવામાં આવે. જ્યારે એક્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમના માધ્યમથી વાહનોના ઓવરસ્પિડિંગ પર પણ વોચ રાખવામાં આવી રહી છે.
સમૃદ્ધિ મહામાર્ગના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર વાહને કેટલા સમયમાં આ અંતર કાપ્યું છે એના પરથી તેની સ્પીડનો અંદાજો કાઢવામાં આવે છે અને જો એમાં ઓવરસ્પિડિંગ જોવા મળે તો વાહનચાલક સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ વાહનચાલકને 20 મિનીટ સુધી રોકીને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.