કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પહેલાંનો આદેશ પાછો ખેંચ્યો
પર્યાવરણ મંત્રાલયે બે પાનાનો પત્ર લખ્યો
કમિટીનું ગઠન કરવાનો કેન્દ્રનો આદેશ
નવી દિલ્હીઃ ઝારખંડમાં શ્રી સમ્મેત શિખરજી હવે પર્યટન સ્થળ નહીં પણ તીર્થ સ્થળ જ રહેશે. કેન્દ્ર સરકારે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને એક નોટિફિકેશન જાહેર કર્યું છે.
મધ્ય પ્રદેશના નેતા ઓ. પી. સકલેચાએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચવ્હાણે પહેલાં જ વડા પ્રધાન સાથે ચર્ચા કરી લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહના નિર્દેશને આધારે તીર્થ સ્થળ જ રહેશે, તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. એટલું જ નહીં તીર્થ ક્ષેત્રમાં કોઈ નિર્માણ કાર્ય નહીં થશે અને સ્થળની પવિત્રતા જાળવી રાખવા માટે ત્યાં હોટેલ, ટ્રેકિંગ અને નોનવેજ ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે આજે ત્રણ વર્ષ પહેલાં આપવામાં આવેલા પોતાના આદેશને પાછો ખેંચી લીધો છે. એટલું જ નહીં પણ આ માટે એક કમિટીનું ગઠન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સમિતિમાં જૈન સમુદાયના બે સદસ્ય અને એક સ્થાનિક જનજાતિ સમુદાયના સદસ્યનો સમાવેશ કરવામાં આવશે.
પર્યાવરણ મંત્રાલયે આ મામલે બે પાનાનો પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈકો સેન્સેટિવ ઝોન અધિસૂચનાના ખંડ-3ની જોગવાઈના અમલ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે છે, જેમાં અન્ય બધી પર્યટન અને ઈકો ટુરિઝમ એક્ટિવિટીનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારને આ સુનિશ્ચિત કરવા માટે તાત્તાલિક બધા આવશ્યક પગલાં ઉઠાવવાનો નિર્દેશ આપવામાં આવે છે.
સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવાના વિરોધમાં છેલ્લાં કેટલાય દિવસથી જૈન સમુદાય આંદોલનો કરી રહ્યો છે. જૈન મુનિઓએ તો આના વિરોધમાં અનશન પણ શરુ કર્યા છે અને આવા જ એક અનશનમાં જૈન મુનિ સુજ્ઞેયસાગર મહારાજ મંગળવારે કાળધર્મ પામ્યા હતા.