નવી દિલ્હી: સમલૈંગિક લગ્નને જો માન્યતા આપવામાં આવશે તો સમાજમાં વધારે વિકૃતિ ફેલાશે એમ અનેક ડૉક્ટરો અને તેમની સાથે સંકળાયેલા અનેક તબીબો માની રહ્યા છે એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સાથે જોડાયેલી મહિલા પાંખ સંવર્ધિની ન્યાસ દ્વારા કરવામાં આવેલાં સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે.
આરએસએસની સમાંતર એવા મહિલા સંગઠન રાષ્ટ્ર સેવિકા સમિતિના એક સિનિયર કાર્યકરે જણાવ્યું હતું કે દેશભરમાં આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ સહિત સારવારની જુદી જુદી આઠ પદ્ધતિ સાથે સંકળાયેલા તબીબોમાં કરાયેલા સર્વેક્ષણ પછી ૩૧૮ પ્રતિભાવ જાણ્યા પછી આ મુજબ જણાવાયું હતું.
આ સર્વેક્ષણમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં ૭૦ ટકા ડૉક્ટરો અને તેમની સાથે સંકળાયેલા લોકોએ એમ જણાવ્યું હતું કે, ‘સજાતીય સંબંધ એ વિકૃતિ છે, જ્યારે ૮૩ ટકા લોકોએ એમ જણાવ્યું હતું કે સજાતીય સંબંધમાં લૈગિક રોગ અચૂક જોવા મળે છે.
‘આ સર્વેક્ષણમાં એવું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે, ‘આવા લગ્નને કાયદેસર કરવાનો નિર્ણય લેવામાં આવશે તો સમાજમાં વિકૃતિ વધશે અને દર્દીઓની સારવાર કરીને તેમને સામાન્ય બનાવવાની પ્રક્રિયા આગળ નહીં વધી શકે, એ આરએસએસની આ સંસ્થાએ જણાવ્યું હતું.
‘આવી માનસિક વિકૃતિ ધરાવનારા દર્દીઓને સારવાર આપવા માટે તેમની સાથે વાતચીત કરવી એ સૌથી સારું છે’ એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
સમલૈંગિક લગ્નને કાયદેસર કરવાની માંગણી પર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતાં અગાઉ લોકોનો પ્રતિભાવ લેવો જોઈએ એવી ભલામણ સંવર્ધિની ન્યાસના સર્વેક્ષણમાં કરવામાં આવી છે. (પીટીઆઈ)