Homeમેટિનીએક નિર્માતા તરીકે સલમાન ખાનનો અનોખો વિક્રમ

એક નિર્માતા તરીકે સલમાન ખાનનો અનોખો વિક્રમ

લોન્ચ કરેલા કલાકારોને બોલીવૂડમાં ફિલ્મ મળવાના ધાંધિયા

ફોકસ -રશ્મિ ત્રિવેદી

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ, કિસી કી જાન’ ઈદના આગલા દિવસે રજૂ થઈ છે અને આ ફિલ્મને મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાને બોલીવૂડમાં બે અભિનેત્રીઓનું બોલીવૂડમાં પદાર્પણ કરાવ્યું છે. ફિલ્મમાં તેણે શહનાઝ ગીલ અને પલક તિવારીને ઈન્ટ્રોડ્યુસ કરી છે. આ બંને અભિનેત્રીઓની ભલે આ પહેલી જ ફિલ્મ હોય પણ સોશિયલ મીડિયા પર આ બંને અભિનેત્રીઓ ખૂબ જ લોકપ્રિય છે.
જો કે, સલમાન ખાનનો એક નિર્માતા તરીકે ખૂબ જ ખરાબ રેકોર્ડ છે, જેની બહુ ઓછાં લોકોને જાણ હશે. આ જ સુધીમાં તેણે બોલીવૂડમાં જે પણ કલાકારને લોન્ચ કર્યાં છે એ બધાં જ કલાકારને અત્યારે ફિલ્મોનાં વાંધા છે. જોઈએ હવે પલક તિવારી અને શહનાઝ ગીલનું શું થાય છે.
સ્નેહા ઉલ્લાલ: ભૂતકાળની વાત કરીએ તો સલમાન ખાને પોતાની ફિલ્મ ‘લકી: નો ટાઈમ ફોર લવ’ નામની ફિલ્મ ૨૦૦૬માં બનાવી હતી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સલમાન ખાન, મિથુન ચક્રવર્તી અને સ્નેહા ઉલ્લાલની હતી. સલમાન ખાન આ ફિલ્મ પહેલાં ઐશ્ર્વર્યા રાયનો પ્રેમ ખોઈ ચૂક્યો હતો એટલે તેણે ઐશ્ર્વર્યા રાય જેવી જ દેખાતી સ્નેહા ઉલ્લાલને આ ફિલ્મ દ્વારા બોલીવૂડમાં ઈન્ટ્રોડ્યુસ કરાવી હતી.
આ ફિલ્મ પછી સ્નેહાને બોલીવૂડમાં માંડ એક કે બે ફિલ્મો મળી. પછી તે દક્ષિણની ફિલ્મોમાં ચાલી ગઈ. ત્યાં તેણે તેલુગુ અને ક્ધનડ ફિલ્મોમાં અભિનય કર્યો. આ સિવાય તેણે એકાદ અંગ્રેજી ફિલ્મ અને એકાદ બંગાળી ફિલ્મ પણ કરી. જોકે, બોલીવૂડમાં તેને ફિલ્મો મળતી જ નથી. છેલ્લે તે ૨૦૨૨માં ‘લવ યુ લોકતંત્ર’માં દેખાઈ હતી. આ ફિલ્મ પણ ક્યારે આવી અને ક્યારે થિયેટરમાંથી ઉતરી ગઈ તેની કોઈને જ જાણ નથી.
સોનાક્ષી સિંહા: શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહાએ સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’થી શરૂઆત કરી હતી. ત્યાર પછી તેણે કેટલીક ‘હિટ’ ફિલ્મોમાં અભિનય કર્યો. સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ જેવાં કલાકારો સાથે તેણે ફિલ્મો કરી છે. ૨૦૧૦માં ‘દબંગ’ ફિલ્મ આવી હતી અને અનેક સફળ ફિલ્મોમાં અભિનય કરવા છતાં પણ ૧૩ વર્ષમાં જ સોનાક્ષી સિંહાની કારકિર્દી જાણે અટકી પડી છે.
સોનાક્ષી સિંહાની છેલ્લી ફિલ્મ ‘ડબલ એક્સ એલ’ હતી. જે બોક્સઓફિસ પર ધબાય નમ: થઈ હતી. હવે સોનાક્ષી સિંહા ઓટીટી પર સક્રિય થઈ છે અને ૧૨મી મેથી તેની નવી કારકિર્દી શરૂ થવા જઈ રહી છે. ‘દહાડ’ નામની સિરીઝમાં તે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે દેખાવાની છે. પણ બોલીવૂડમાં હવે તેને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ છે. નહીંતર તેને ‘સ્ટાર ડોટર’ હોવાનો ફાયદો મળ્યો હોત તો તેની કારકિર્દી વધુ સારી રીતે આગળ વધી શકી હોત.
ઝરીન ખાન: એક સમયની ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ જેવી ઝરીન ખાન દેખાતી હતી, એટલે સલમાન ખાન તેને બોલીવૂડમાં લઈ આવ્યો. સલમાન ખાન સાથે ૨૦૧૦માં આવેલી ‘વીર’ ફિલ્મમાં તેને તક મળી હતી. પણ આ ફિલ્મ ફ્લોપ થઈ અને ઝરીન ખાનની કારકિર્દીનો પણ અસ્ત થયો. ત્યાર પછી ઝરીન ખાન અલપઝલપ દેખાય છે, પણ તેનું નસીબ કેટરીના કૈફ જેટલું ચમક્યું નથી.
ઝરીન ખાનની પહેલી ફિલ્મ ‘વીર’નો નિર્માતા સલમાન ખાન નહોતો, પણ ફિલ્મનાં નિર્માતા વિજય ગાલાનીને કહીને સલમાને ઝરીન ખાનને બ્રેક અપાવ્યો હતો. થોડી ફિલ્મો કર્યા પછી હવે ઝરીન ખાનને હિરોઈન તરીકે ફિલ્મો મળતી બંધ થઈ ગઈ છે અને તે ક્યારેક માત્ર ‘આઈટમ ગીત’માં દેખાય છે.
ડેઈઝી શાહ: તમિળ ફિલ્મોથી પોતાની અભિનયની કારકિર્દી શરૂ કરનારી ડેઈઝી શાહે ૨૦૧૪માં આવેલી સલમાન ખાનની ‘જય હો’ દ્વારા મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરી હતી. આ ફિલ્મ સારી ચાલી હતી, પણ ડેઈઝી શાહની કારકિર્દી પછી ઊંચકાઈ જ નથી. ડેઈઝી શાહ મૂળ ગુજરાતી છે. ૨૦૧૯માં તે ‘ગુજરાત-૧૧’ નામની ગુજરાતી
ફિલ્મમાં પણ દેખાઈ હતી. તેમાં તેનું કામ વખણાયું હતું.
ડેઈઝી શાહને ‘જય હો’ જેવી મોટી ફિલ્મ તેની કારકિર્દીમાં પછી મળી જ નથી અને અત્યારે પણ તે એવી કોઈ ફિલ્મ કરી
નથી રહી.
સાઈ માંજરેકર: સલમાન ખાનના ખાસ મિત્ર અને જાણીતાં દિગ્દર્શક કલાકાર મહેશ માંજરેકરની પુત્રી સાઈ માંજરેકરને સલમાન ખાને પોતાની ફિલ્મ ‘દબંગ-થ્રી’ દ્વારા બોલીવૂડમાં પ્રવેશ કરાવ્યો હતો. જોકે, આ ફિલ્મ જોઈએ એવી ચાલી નહીં અને સાઈની કારકિર્દીને પણ તેનાં કારણે અસર થઈ હતી. સાઈ માંજરેકરને ૨૦૧૯માં ‘દબંગ-થ્રી’ મળી હતી. પણ ત્યાર પછી કોઈ જ મોટી ફિલ્મ મળી નથી. હા! એટલું જરૂર છે કે ‘દબંગ-થ્રી’ પછી તેને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ મળી ગયો છે.
સાઈ માંજરેકરની આગામી બે ફિલ્મોનાં નામ વાંચીએ તો પણ એ ખબર પડી જાય છે કે આ લગભગ નાના બજેટની ફિલ્મ હશે અથવા તે ઓટીટી પર રિલીઝ થવાની હશે. અત્યારે ૨૬ વર્ષની થયેલી સાઈ માંજરેકરની કારકિર્દી અત્યારે એવાં સ્થાને છે કે એ વિશે કાંઈ કહેવું વહેલું ગણાશે. સાઈની આગામી ફિલ્મ છે ‘કુછ ખટ્ટા હો જાયે’ અને બીજી ફિલ્મ છે ‘ઓરોંમેં કહાં દમ થા.’
આથિયા શેટ્ટી: સલમાન ખાન નિર્માણ સંસ્થાની ફિલ્મ ‘હીરો’થી સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ થતાંની સાથે જ આથિયાની કારકિર્દી પણ પહેલી જ ફિલ્મ સાથે પૂરી થઈ ગઈ એમ કહી શકાય. ૨૦૧૫માં આવેલી આ ફિલ્મ પછી આથિયાએ ૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯માં એક-એક ફિલ્મ કરી તેમાંય એક ફિલ્મમાં તે માત્ર એક ગીતમાં દેખાઈ હતી. ૨૦૧૭માં ‘મુબારકાં’માં તે
દેખાઈ, અર્જૂન કપૂર, અનિલ કપૂર, ઈલિયાના ડિ’ક્રુઝ સાથેની આ ફિલ્મ પણ બોક્સઓફિસ પર જામી નહોતી. ૨૦૧૮માં તે ‘નવાબજાદે’માં ફક્ત એક ગીતમાં હતી અને ૨૦૧૯માં ‘મોતીચૂર ચકનાચૂર’ નામની ફિલ્મમાં તે દેખાઈ હતી. નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની આ ફિલ્મ ક્યારે આવી અને ક્યારે ચાલી ગઈ તેની ય લોકોને જાણ નથી.
આ ફિલ્મ પછી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કે. એલ. રાહુલ સાથે તેનું નામ જોડાયું અને તેની સાથે ૨૦૨૨માં તેનાં લગ્ન પણ થઈ ગયા છે એટલે આથિયા હવે ફિલ્મોમાં અભિનય કરે એ જરાય લાગતું નથી.
સૂરજ પંચોલી: ‘હીરો’ ફિલ્મ દ્વારા જ આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીની અભિનય યાત્રાની શરૂઆત થઈ હતી. જો કે, ત્યાર પછી સૂરજ પંચોલીની કારકીકિર્દીને પણ ગ્રહણ લાગી ગયું છે એમ કહી શકાય. ૨૦૧૯માં તેની ‘સેટેલાઈટ શંકર’ અને ૨૦૨૧માં ‘ટાઈમ ટુ ડાન્સ’ નામની ફિલ્મ આવી છે, પણ એક હીરો તરીકે સૂરજ પંચોલી ઓળખ ગુમાવી ચૂક્યો છે. તેને ય ફિલ્મો મળવાના ફાંફા થઈ ગયા છે. અત્યારે તે હવા સિંહ નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે, જે એક બોક્સરના જીવન પર બનેલી ફિલ્મ છે.
સિદ્ધાર્થ નિગમ: સલમાન ખાનની ‘ઈદ’ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં શહનાઝ ગીલ, પલક તિવારી સાથે જ સિદ્ધાર્થ નિગમને પણ ઈન્ટ્રોડ્યુસ કરાવવામાં આવ્યો છે. સલમાન ખાનના ત્રણ ભાઈઓમાંથી તેણે એક ભાઈની ભૂમિકા ભજવી છે.
સિદ્ધાર્થ નિગમ એ ટેલિવિઝનનું ખૂબ જ જાણીતું નામ છે. મહાકુંભ: એક રહસ્ય-એક કહાની, ચક્રવર્તી અશોક સમ્રાટ, અલાદ્દીન- નામ તો સૂના હોગા અને ‘હીરો- ગાયબ મોડ ઓન’ જેવી સિરિયલોમાં તે દેખાયો છે. ચક્રવર્તી અશોક સમ્રાટમાં તેણે સમ્રાટ અશોકની તરુણ વયની ભૂમિકા કરી હતી અને તેમાં તેનો અભિનય ખૂબ જ વખણાયો હતો.
‘કિસી કા ભાઈ – કિસી કી જાન’માં સિદ્ધાર્થ નિગમ સલમાન ખાનના ભાઈ તરીકે દેખાયો છે. તેનાં ભાગે સારાં એક્શન દૃશ્યો આવ્યા છે. આ અગાઉ, સિદ્ધાર્થ નિગમે ‘ધૂમ-થ્રી’માં ડબલ રોલ કર્યો હતો. પણ એ આમિર ખાનની તરુણ વયની ભૂમિકા હતી. ત્યાર પછી ‘મુન્ના માઈકલ’માં તેણે નવાઝુદ્દીનની તરુણ વયની ભૂમિકા કરી હતી. આમ, સલમાનની ફિલ્મએ પુખ્તવયના કલાકાર તરીકેની પહેલી જ ફિલ્મ છે. આ ફિલ્મ પછી સિદ્ધાર્થ નિગમની કારકિર્દી કેટલી આગળ વધે છે એ જોવું રસપ્રદ સાબિત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -