કેફિયત-એ-કચ્છ-રાજેશ માહેશ્ર્વરી
આગળના બે પ્રકરણમાં આપણે ફકીરાણી જતની જીવનચર્યા, સામાજિક જીવન વગેરે પર ચર્ચા કરી.
આજે ૪૫૦થી વધુ વર્ષોથી ગુજરાતના ખૂણે ખૂણે વસવાટ કરતાં અને પરિભ્રમણ કરતા જત સમુદાયએ પરંપરાગત વ્યવસાય એવો ઊંટ પાલન ટકાવી રાખ્યું છે. અમુક વિસ્તારોમાં ઊંટના ચરિયાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં ઊંટ પાલન વ્યવસાય છોડયો નથી. જુદા જુદા વિસ્તારોમાં ઊંટોને લઇ જઇ ચરિયાણ કરાવે છે. રાજાશાહી અને લોકશાહીના શરૂઆતના વર્ષોમાં કાયદેસર પન્સારી ચૂકવીને ઊંટો ચરિયાણ કરાવતા હતા, અલ્યાબેટમાં તો નર્મદાના વહેણ બંધ થવાથી ચેરિયા અને જાર હવે થતા નથી ફકત લાણો અને ખારીયા ઘાસ જ બચ્યું છે. ત્યાં ચરિયાણની સમસ્યા, ઊંટડીના દૂધનું વેચાણ ના થવા છતાં ઊંટ પાલન કરી રહ્યાં છે. આજે પણ ભટકતું જીવન ગુજારે છે. પરિવારમાં બાળકો અને વૃદ્ધો સાથે ઊંટોના ચરિયાણ માટે સ્થાનાંતર કરતા રહે છે. ઊંટો પ્રતિ દિવસ ૧૫-૨૦ કિ.મી. સરેરાશ ચરિયાણ માટે ચાલે છે. એની સાથે માલધારીઓ પણ સતત ચાલ્યા કરે છે. રહેમતુલ્લા જત જણાવે છે કે, જયાં ઊંટોને ચરિયાણ મળે અને ઊંટ ખુશ ત્યાં અમે ખુશ… આજના આધુનિક યુગમાં યુવાન છોકરા-છોકરીઓ પણ સીમાડામાં પશુઓ સાથે વસે છે અને એમને શહેરી સંસ્કૃતિથી અજાણ પશુઓ સાથે જીવનનિર્વાહ કરે છે. આજે પણ પોતાનો પહેરવેશ અને ભાષા નથી બદલાવી. આપણે ગુજરાત આ વિસ્તારોમાં જોઇએ આપણને લાગે કે, કચ્છના સીમાડામાં હોઇએ અને આપણા જત સમુદાયના જત યાદીમાં હોવાનો અહેસાસ થાય છે.
ધર્મ : ફકિરાણી જતો સુન્ની મુસ્લિમો છે તેમના ……. છઠ્ઠી પેઢીના વારસ છે. તે ભૂટાઉમાં રહે છે. તે લખપત તાલુકામાં આવેલું છે. આજે પણ ફકિરાણી જત સમુદાય સૂફી પરંપરામાં માને છે. અને તેને અનુસરે છે. કચ્છથી અન્ય સ્થળે સ્થાયી થયેલ ફકીરાણી જતની એમના પર અતૂટ શ્રદ્ધા છે. ધાર્મિક અને સામાજિક માર્ગદર્શન સમાજને આપતા રહે છે. સાદું અને ફકીરી જીવન જીવતા હોવાથી આ સમુદાયને ફકીરાણી જત તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં કૌટુંબિક કે સામાજિક સમસ્યા થાય કે વિવાદ થાય તો તેનો ઉકેલ પણ કરાવી આપે છે. કુુટુંબો વચ્ચે વેરઝેર-વિવાદ મિટાવીને સંપ કરાવી આપે છે. ધાર્મિક બાબતોમાં તેમનો મત આખરી ગણાય છે. બધા સમુદાયના લોકો તેમની આમન્યા રાખે છે. ધર્મ સિવાયની બાબતોમાં તેમનો મત સંપૂર્ણ સ્વીકાર્ય નથી બનતો.
દર વર્ષે પીપરમાં સાવલા પીરનો મેળો ભરાય છે, જેમાં તમામ ફકીરાણી જત ઉપસ્થિત રહે છે. જેમાં પરંપરાગત રીતે સાવલા પીરને પ્યારી એવી હોડી પ્રતીક સ્વરૂપે ત્યાં માનતાઓ માનેલ હોય એ લઇ આવે છે. રાત્રે ફકીરાણી જત દ્વારા દેશી ઢોલ પર પરંપરાગત રાસ રમીને હર્ષઉલ્લાસ સાથે મેળો મનાવે છે અને ઉજાણી કરે છે.
ખોરાક: આમ તો સમગ્ર કચ્છના ગ્રામીણ વિસ્તારનો મુખ્ય પાક બાજરો હોવાથી આહાર પણ બાજરીના રોટલા જ છે પણ વર્તમાન સમયમાં તેમના કહેવા મુજબ મુખ્યત્વે ઘઉંની રોટલી, ચટણી, બટેકા તેઓ ખોરાકમાં લે છે. આ ઉપરાંત ખારાઇ ઊંટડીનું દૂધ તેમના માટે મુખ્ય છે. તેમ જ તેનાથી બનતા દહીં, છાશ, અને પોષાક: તેમનો પોષાક મુસ્લિમોનો જ પઠાણ જેવો છે. પુરુષો માથાં પર ફાળિયુ, લાંબો ઝબ્બો અને ચોથણો અથવા લુંગી પહેરે છે.
ફકીરાણી જતની મહિલાઓ/બહેનો પોતાના હાથે ભરત ભરી વસ્ત્રો તૈયાર કરે છે. તે પહેરવેશને ધધો કહે છે. ધંધાનું મહત્ત્વ ખૂબ માનવામાં આવે છે. બહેનો કહે છે
દેશ મૂકવો પડે તો મૂકી દેવાનો પણ પહેરવેશ ના મુકાવો જોઈએ. પશુઓના નિભાવ માટે સારા ચરિયાણ માટે પોતાના ગામ છોડી અન્ય સ્થળે સ્થાળાંતર કરે છે, ત્યાં પોતાનો પહેરવેશ બીજો પહેરતા કોઈ કહે તો એ ધધાનું વેચાણ પણ કરતા નથી.
ફકીરાણી જત બહેનો/મહિલાઓ પોતાના હાથે ભરતકામ કરે છે. લગ્ન થવાના હોય એ યુવાન બહેન દ્વારા પૂર્વ તૈયારી રૂપે તેઓ ધધા બનાવવામાં આવે છે. માતા દ્વારા યુવતી/દીકરીઓને ભરતકામ શીખવાડવામાં આવે છે.
મુખ્યત્ત્વે ઘરેણામાં નાકમાં “નથ અને “ભૂલી પહેરે છે. આ ઘરેણાઓનો શણગાર તેમની પરંપરાગત ઓળખ છે.
આ ઉપરાંત બહેનો દ્વારા પંખો પણ બનાવવામાં આવે છે. તે ઉનાળામાં ગરમી ન થાય અને શિયાળામાં ઠંડીના લાગે એવી રીતે બનાવવામાં આવે છે. પંખો બનાવવામાં બહેનો બધી સાથે મળી તે બનાવે છે.
રહેઠાણ: ફકીરાણી જતો હવે કાચા-પાકા બન્ને મકાનોમાં વસવાટ કરવા લાગ્યા છે. પણ મુખ્યત્ત્વે તેઓ માલધારી હોવાથી સ્થળાંતર કરનારી પ્રજા છે પાછા ગરીબ હોવાથી કાચા ઝૂંપડા (ભૂંગા)માં રહે છે. તેને “પખો કહે છે. આ ભૂંગા ઘાસ, લાકડાં અને માટી-ગારોથી તૈયાર કરવામાં આવે છે.
તેમાં કોઈ સગવડો હોતી નથી. ચોમાસામાં વરસાદ વધારે પડે તો પાણી અંદર આવે છે. અને તેમને રાત્રે જાગવું પણ પડે છે. વાવાઝોડું આવે તો ભૂંગું ઊડી પણ જાય છે અને તેઓ બેઘર બની જાય છે. આ ભૂંગાની એક ખાસિયત એ પણ છે કે દરિયાકિનારે જે બાજુએથી પવન આવે તે બાજુ તેને ખોલી શકાય છે. પવનને કારણે બારી-બારણાં ફરી શકે છે.
વાંઢોમાં વસતિ થોડી અને છૂટક-છૂટક હોવાથી એક વાંઢમાં દૂર-દૂર આ ભૂંગાઓ જોવા મળે છે. ભૂંગા આસપાસ થોડી જમીન રાખવામાં આવે છે. જેમાં પશુઓ બાંધે છે. તેની આસપાસ —-થડિયાની વાડ બનાવે છે. જંગલમાં રહેતા હોવાથી જીવજંતુઓનો સતત ભય રહે તો હોય છે.
શિક્ષણ: જતોના ગામો દરિયા કિનારે અને મુખ્ય માર્ગોથી ખૂબ જ અંદર આવેલા હોય છે. પરિણામે શિક્ષણની સુવિધા નહીંવત કે અલ્પ માત્રામાં જોવા મળે છે. મોટા ભાગે વાંઢોની નજીક પ્રાથમિક શાળાઓમાં તેમના બાળકોને જવાનો મોકો મળતો હોય છે. માધ્યમિક માટે તેમને વાયોર/નલિયામાં જવું પડતું હોય છે. આમ તેઓ અલ્પ શિક્ષિત કે નિરક્ષર રહે છે.
ઉત્સવો: તેમના મુખ્ય ઉત્સવો બકરી ઈદ અને રમજાન ઈદ છે. લખપત-અબડાસા વિસ્તારમાં સ્થાનિકે મુખ્ય મેળો “સાવલા પીરનો ચૈત્ર સુદ પૂનમના રોજ ભરાય છે. આ ઉપરાંત નીંપણી વાંઢ પાસે ભારદરવા સુદ ચૌદસના “શેખરણ પીર પણ દરિયામાં જ છે. તમે મેળો ભરાય છે.
રિવાજો: ફકીરાણી જત સમુદાયના લોકો ટેક (માન્યતા ચૂકશે ત્યારે કુદરત અસમતુલા સર્જાશે જેથી કયામત આવશે. એવું ધાર્મિક સંતો માનતા હતા એટલે ઊંટડીના દૂધમાંથી માખણ ન લેવો દૂધને બહુજ પવિત્ર માનવામાં આવે છે. ઊંટડીનું દૂધ આરોગ્ય માટે સારું હોય છે. તેને માખણ બનાવાની પ્રક્રિયા કરવામાં આવશે તો એના ઔષધિ ગુણો ઓછા થઈ જશે, સાથે ઊંટડીના બચ્ચાને દૂધ ના મળવાના કારણે તેના સ્વાસ્થ્ય પર પણ અસર પડશે, એટલે દૂધને દૂધ તરીકે જ ઉપયોગ કરવામાં માનતા હતા. ફકીરાણી જતની ઓળખ એ એમનો પહેરવેશ છે. જત સમુદાયની પેટા જ્ઞાતિઓ એના પહેરવેશ ઉપરથી ઓળખાય છે. કચ્છના મોહાડીથી જામનગર, અમદાવાદ, ભરુચ, આણંદ સુધી સ્થળાંતર કર્યું છે. છતાં પોતાના પહેરવેશ તો એ જ રાખ્યો છે. પહેરવેશ સાથે પખો (આવાશ) પણ પરંપરાગત એ જ રાખ્યો છે. કુદરતી ઘાસમાંથી બનાવવામાં આવે છે.
ઉપરોક્ત બાબત પરથી એ જાણવા મળે છે કે ફકીરાણી જત સમુદાય આ ત્રણ ટેક છૂટશે તો ક્યામત આવશે એટલે કે પ્રકૃતિનામાં રહેનાર સમુદાય એનાથી દૂર થશે તો ત્યાં અસમતુલા સર્જાશે જેથી પરંપરા ચાલી આવે છે. એ પ્રકૃતિ માટે અસહનીય રહેશે.
ઊંટોના ચરિયાણની વિવિધતા જોઈ જાપાનની ક્યોટો યુનિવર્સિટી અને ઈગ્લેન્ડની સસેક્સ યુનિવર્સિટી એ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને સહજીવન સાથે મળી મોહાડી, ભાગુડી અને વાલાવારી ના ખારાઈ ઊંટ ચરિયાણ ઉપર સંશોધનની કામગીરી કરેલ એ પ્રમાણે ભારતની સંશોધક યુનિવર્સિટીઓએ પણ સ્થળાંતર ઉપર સંશોધનો કરવા જોઈએ જેથી આવનાર સમયમાં લુપ્ત થતી પ્રજાતિ એવા ખારાઈ અને કચ્છી ઊંટો બચાવી શકાય અને ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતી ફકીરાણી જત સમુદાયનું પ્રકૃતિમાં યોગદાન અંગે આવનારી પેઢી માહિતગાર બને. આજના યુગમાં પણ કુદરતી સંશાધનો નો યોગ્ય ઉપયોગ કરવો એ પર્યાવરણ માટે જાગૃત રહેવાનો એ અક્ષર જ્ઞાન પણ જાણતા નથી એવા માલધારી લોકો પાસેથી આપણે શીખવા જેવું છે. સતત ફરતા રહેવું એક સ્થળે વધુ સમય ના રહેવું, જેના કારણે ઝાડ-ઝાડવા, વેલાઓ અને ઘાસની વૃદ્ધિ સારી થાય છે. ઋતુ પ્રમાણે અમુક વિસ્તારમાં જવાથી પશુઓનું સ્વાસ્થ્ય સારું રહે માટે જરૂર પડે પરિવાર, ગામ અને સમુદાયના લોકોથી પણ દૂરદૂર ઊંટો લઈ ચરિયાણ માટે જાય છે જના કારણે પ્રકૃતિનું પણ જતન થાય છે. (સંપૂર્ણ પૂરક માહિતી : મહેન્દ્ર ભાનાણી)