પ.બંગાળની પ્રતિષ્ઠિત ગાયિકા અને રવીન્દ્ર સંગીતના ઘડવૈયા સુમિત્રા સેન હવે રહ્યાં નથી. આ સમાચારે સંગીત સમુદાયને સંપૂર્ણ આઘાતમાં મૂકી દીધો છે. પીઢ ગાયિકા સુમિત્રા સેનનું લાંબી માંદગી બાદ સોમવારે કોલકાતામાં અવસાન થયું હતું. તેઓ 89 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમની બે પુત્રીઓ છે.
અહેવાલો મુજબ, સેનને ગયા મહિને અચાનક શરદી લાગી હતી અને તેમને 29 ડિસેમ્બરના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની બગડતી તબિયતને કારણે તેમનો પરિવારે તેમને ઘરે લઇ આવ્યો હતો, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
સુમિત્રા સેનને 2012 માં પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સંગીત મહાસમ્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે રવીન્દ્ર સંગીતથી સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
સુમિત્રા સેનની બંને પુત્રીઓ શ્રાવણી અને ઈન્દ્રાણી પણ રવીન્દ્ર સંગીતની પ્રખ્યાત ગાયિકા છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ સુમિત્રા સેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું સુમિત્રા સેનના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમણે દર્શકોને દાયકાઓ સુધી મંત્રમુગ્ધ કર્યા હતા. મારા તેમની સાથે ગાઢ સંબંધો હતા. પશ્ચિમ બંગાળ સરકારે તેમને 2012માં ‘સંગીત મહાસમ્માન’થી સન્માનિત કર્યા હતા. તેમના અવસાનથી સંગીત જગતને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. સુમિત્રા દીની પુત્રીઓ ઈન્દ્રાણી અને શ્રાવણી અને તેના ચાહકો પ્રત્યે મારી સંવેદનાઓ, જેમણે ચાર દાયકાથી વધુ સમયથી રવીન્દ્ર સંગીતના પ્રેમીઓનું મનોરંજન કર્યું હતું.”