બંગાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ અધિકારી પ્રકાશ પોદ્દારનું 82 વર્ષની વયે હૈદરાબાદમાં નિધન થયું છે. પ્રકાશ પોદ્દારે ક્રિકેટ જગતને મહેન્દ્ર સિંહ ધોની જેવો હીરો આપ્યો છે. સ્થાનિક ક્રિકેટમાં બંગાળ તરફથી રમતા ભૂતપૂર્વ બેટ્સમેને વિકેટ કીપર અને બેટ્સમેન પદ માટે BCCIને મહેન્દ્ર સિંહ ધોનીનું નામ સૂચવ્યું હતું.
પોદ્દારે સ્થાનિક ક્રિકેટમાં બંગાળ અને રાજસ્થાન બંનેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ 1960ના દાયકાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક હતા, તેમણે 1962માં ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે શ્રેણી માટે ભારતીય ટેસ્ટ ટીમમાં પ્રવેશ કર્યો હતો. તેણે માત્ર 40 વર્ષથી ઓછીની સરેરાશથી 11 ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી. તેમને પ્રેમથી પીસી દાના નામથી બોલાવવામાં આવતા હતા.
પોદ્દારે નિવૃત્તિ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડની (BCCI) ‘ટેલેન્ટ રિસોર્સ ડેવલપમેન્ટ વિંગ’ (TRDS)ના અધિકારી તરીકે સેવા આપી હતી, જેની સ્થાપના યુવા અને આશાસ્પદ ભારતીય ક્રિકેટરોને શોધવા માટે કરવામાં આવી હતી.
TRDSમાં કામ કરતી વખતે નેશનલ ક્રિકેટ એકેડેમીને મોકલવામાં આવેલા રિપોર્ટમાં પોદ્દારે ધોની વિશે લખ્યું હતું કે, ‘તે બોલને સારી રીતે ફટકારે છએ. તેની પાસે ઘણી શક્તિ છે, પરંતુ તેને વિકેટ કિપીંગ પર કામ કરવાની જરૂર છે. તેનું રનિંગ બિટ્વિન ધ વિકેટ પણ ઉત્તમ છે.’ તેમની ભલામણ બાદ ધોનીને ભારતીય ક્રિકેટ ટીમમાં લેવામાં આવ્યો હતો.