થાણે: નવી મુંબઈમાં સગીરા પર કથિત બળાત્કાર ગુજારી તેને ધમકી આપવાના કેસમાં બરતરફ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી.
એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઈમ) મહેશ દુર્યેએ જણાવ્યું હતું કે પીડિતાએ 14 ડિસેમ્બર, 2022ના રોજ નેરુળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારી હોવાનો દાવો કરનારા અજાણ્યા શખસે બળાત્કાર ગુજાર્યો હોવાનું સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું.
આ પ્રકરણે ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીની શોધમાં લાગી હતી. પોલીસે 40થી 50 સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી આરોપીને ઓળખી કાઢ્યો હતો.
મુંબઈ, નવી મુંબઈ, થાણે અને રાયગડના રેકોર્ડ પરના પંદરેક જેટલા આરોપીની પૂછપરછ પછી કોન્સ્ટેબલની મુંબઈના અંધેરીથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આરોપીને 16 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.ે
તપાસમાં જણાયું હતું કે આરોપી ડિસેમ્બર, 2008માં નવી મુંબઈ પોલીસ દળમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયો હતો. અગાઉ તેની સામે એનઆરઆઈ સાગરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તે સમયે તેની નિયુક્તિ તળોજા પોલીસ સ્ટેશનમાં હતી. એ ગુનામાં પણ કોન્સ્ટેબલની ધરપકડ કરાઈ હતી અને હાલમાં તે જામીન પર છે. એનઆરઆઈ સાગરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તેની સામે ખાતાકીય તપાસ હાથ ધરાઈ હતી અને તપાસ બાદ 2017માં તેને પોલીસ દળમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)