મુંબઈમાં રહેતા અને ઉછરતા કલાકારોને એક ફાયદો હોય છે કે તેઓ અલગ અલગ ભાષા સાથે પરિચયમાં આવે છે અને તેને શીખવાનો અવકાશ મળે છે. ખાસ કરીને એક કલાકાર માટે આ ખૂબ મહત્વની કડી બની જાય છે હીન્દી તેમ જ અન્ય ભાષાની કલાજગતમાં પોતાની ઓળખ બનાવવા. આવા જ એક અલગ અલગ ભાષાઓમાં પોતાનું નામ કરી ચૂકેલા કલાકારનો આજે જન્મદિવસ છે. 14મી મે, 1965ના રોજ મુંબઈના વિલેપાર્લેમાં જન્મેલા સચિન ખેડકરનો આજે જન્મદિવસ છે. મરાઠી પરિવારમાં જન્મેલા સચિને શરૂઆત મરાઠી થિયેટરથી કરી અને તેથી જ તેના અભિનયમાં તે ઊંડાણ જોવા મળે છે. ફિલ્મો અને ટીવીજગતમાં ખેડેકરે એક મકામ હાંસિલ કર્યો છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો અસ્તિત્વ, ઝીદ્દી, સુભાષચંદ્ર બોઝ-ધ અનફરગોટેબલ હીરો જેવી ફિલ્મો કરી તો ગુજરાતીમાં ગોળકેરી ફિલ્મમાં તે દેખાયા હતા. આ સાથે મલ્યાલમ, તેલુગુ, તમિળ ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે.
ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલોમાં પણ લોકોએ તેને ખૂબ વખાણ્યો છે. 90ના દાયકામાં આવેલી તેની સિરિયલ સૈલાબમાં તેણે ભજવેલું રોહિતનું પાત્ર આજે પણ લોકો યાદ કરે છે. આ ઉપરાંત થોડા હૈ, થોડે કી જરૂરત હૈ, ઈલ્મિતિહાન સિરિયલ તેમણે કરી હતી. આ સાથે સંવિધાન સિરિયલમાં તેમણે ડો. બાબાસાહેબ આંબેડકરની ભૂમિકા ભજવી હતી. મરાઠી કૌન બનેગા કરોડપતિ શોના તેઓ હોસ્ટ હતા. મરાઠી નાટકો-ફિલ્મોમાં તેમણે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ આ રીતે જ લોકોને મનોરંજન પિરસતા રહે તેવી શુભેચ્છા.