(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકામાં ગત એપ્રિલ મહિનાનો ફુગાવો બે વર્ષ પછી ઘટીને પાંચ ટકા કરતાં નીચી સપાટીએ રહ્યો હોવાના અહેવાલ સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં એક તબક્કે ઉછાળો આવ્યા બાદ નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે અમેરિકાની આર્થિક મંદીની ચિંતાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાની બેઠકમાં વ્યાજદર વધારા અંગે કેવું વલણ અપનાવશે તેની અવઢવ વચ્ચે હાજર અને વાયદામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા, જ્યારે ચાંદીમાં ઘટાડો આવ્યો હતો.
આમ વિશ્વ બજારમાં સોનાના ભાવમાં બેતરફી વધઘટના નિર્દેશ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે આજે મધ્યસત્ર દરમિયાન ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૭૩ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન રૂ. ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૭૩ના ઘટાડા સાથે રૂ. ૭૫,૬૮૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવા છતાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરોમાં વધારો થવાથી મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪ વધીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૨૯૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૫૩૯ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે અમેરિકામાં ગત એપ્રિલ મહિનામાં ફુગાવો ઘટીને બે વર્ષની નીચી પાંચ ટકાની સપાટીની અંદર ઊતર્યો હોવાના અહેવાલ સાથે ફેડરલ રિઝર્વ જૂન મહિનામાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ઓછી થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં તેજીનું વલણ રહ્યા બાદ નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ આસપાસની જ ઔંસદીઠ અનુક્રમે ૨૦૩૧.૧૦ ડૉલર અને ૨૦૩૭.૫૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલાં ક્વૉટ થઈ રહ્યાં હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. હાલમાં સોનામાં એકંદરે છૂટીછવાઈ સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે, પરંતુ ભાવ ઔંસદીઠ ૨૦૫૦ ડૉલરની સપાટી પાર કરતાં ફરી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળે તેવી શક્યતા સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સિમ્પસને વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગઈકાલે ફુગાવાની જાહેરાત થયા બાદ હાલ ૯૫ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદર હાલના સ્તરે જાળવી રાખે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.