મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે બે તરફી વધઘટે અથડાઈ ગયા બાદ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે બૅન્ચમાર્ક વ્યાજદર ૬.૫ ટકાની સપાટીએ જાળવી રાખવાનો નિર્ણય લેતાં સત્રના અંતે રૂપિયો સાધારણ ત્રણ પૈસાની નરમાઈ સાથે ૮૧.૯૩ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આવ્યો હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૯૦ના બંધ સામે નરમાઈના ટોને ૮૧.૯૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૦૬ અને ઉપરમાં ૮૧.૮૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૧.૯૩ના મથાળે બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ વધતા ફુગાવાને અંકુશમાં લાવવા માટે ગત મે ૨૦૨૨થી સતત છ નાણાનીતિની સમીક્ષાની બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યા બાદ આજે સમાપન થયેલી બેઠકનાં અંતે વ્યાજદર ૬.૫ ટકાના સ્તરે યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો.