મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલા સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધથી સાત પૈસાના ઘટાડા સાથે ૮૨.૮૦ની સપાટીએ બંધ રહ્યો હતો. સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૭૩ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે ૮૨.૭૬ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૮૩ અને ઉપરમાં ૮૨.૭૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી સાત પૈસા ઘટીને ૮૨.૮૦ના મથાળે બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૨ ટકા વધીને ૧૦૩.૯૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૮.૮૨ પૉઈન્ટનો અને ૧૭.૯૦ પૉઈન્ટના ઘટાડા ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૫૮.૯૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો.