મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બોલાયેલા કડાકા ઉપરાંત વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા ગબડીને ૮૨.૮૯ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવઘટાડો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશોને કારણે રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હતું. આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૭૯ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૨.૭૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૮૯ અને ઉપરમાં ૮૨.૭૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૦ પૈસા ઘટીને સત્રની નીચી ૮૨.૮૯ની સપાટીએ જ બંધ રહ્યો હતો.
દરમિયાન આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૨ ટકા વધીને ૧૦૪.૨૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૯૨૭.૭૪ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૨૭૨.૪૦ પૉઈન્ટનો કડાકો બોલાઈ જવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.