મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસા મજબૂત થઈને ૮૧.૮૨ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગત ફેબ્રુઆરી મહિનામાં દેશના ઔદ્યોગિક ઉત્પાદન જાન્યુઆરીના ૫.૫ ટકા સામે વધીને ૫.૬ ટકા અને ગત માર્ચ મહિનાનો રિટેલ ફુગાવો ઘટીને ૧૫ મહિનાની નીચી અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના લક્ષ્યાંકિત છ ટકા કરતાં પણ નીચી ૫.૬૬ ટકાની સપાટીએ રહ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૧૧ના બંધ સામે સુધારાના ટોને ૮૧.૯૯ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૦૧ અને ઉપરમાં ૮૧.૮૨ સુધી મજબૂત થયા બાદ સત્રની ઉપરની જ ૮૧.૮૨ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૩ ટકા ઘટીને ૧૦૧.૨૬ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨૭ ટકા ઘટીને બેરલદીઠ ૮૭.૦૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૮.૨૩ પૉઈન્ટનો અને ૧૫.૬૦ પૉઈન્ટનો સુધારો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૯૦૭.૯૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.