મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીની રેલી આગળ ધપવાની સાથે ગઈકાલે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૩૪ પૈસા ઉછળીને ૮૧.૩૮ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૭૨ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૧.૬૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૬૪ અને ઉપરમાં ૮૧.૩૮ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૩૪ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૧.૩૮ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નબળો પડ્યો હતો.
એકંદરે વૈશ્ર્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને રોકાણકારો ઈક્વિટી જેવી જોખમી અસ્ક્યામતો તરફ વળ્યા હોવાથી અગિયાર મહિનામાં પહેલી વખત અથવા ઑગસ્ટ ૨૦૨૧ પછી પહેલી વખત ડૉલર સામે રૂપિયામાં માસિક ધોરણે ૧.૬ ટકા જેટલો સુધારો જોવા મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતા ઉમેર્યું હતું કે ચીન ધીમે ધીમે કોવિડ-૧૯ નિયંત્રણો હળવા કરે તેવી શક્યતાએ જોખમી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી નીકળતાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હોવાનું જણાય છે. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૨૯ ટકા ઘટીને ૧૦૬.૫૧ આસપાસ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૧૭.૮૧ પૉઈન્ટ અને ૧૪૦.૩૦ પૉઈન્ટનો સુધારો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૨૪૧.૫૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.