(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, કૂડ તેલના ભાવમાં ઘટાડો ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૮૫.૨૯ કરોડની ચોખ્ખી લેવાલી જળવાઈ રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત ત્રણ સત્ર સુધી ડૉલર સામે રૂપિયામાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસાના સુધારા સાથે ૮૨.૨૦ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૩૧ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૨૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૨૯ અને ઉપરમાં ૮૨.૧૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૧ પૈસા વધીને ૮૨.૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૪ ટકા ઘટીને ૧૦૨.૨૮ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૯ ટકા ઘટીને બેરલદીઠ ૭૫.૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૧૩.૨૪ પૉઈન્ટનો અને ૧૧૨.૩૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારો સિમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.