(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક સ્તરે જોખમી પરિબળોમાં ઘટાડો થવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે ૮૧.૬૨ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિદેશી ફંડોનો આંતરપ્રવાહ જળવાઈ રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૭૦ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૧.૬૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૭૧ અને ઉપરમાં ૮૧.૪૪ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી આઠ પૈસા વધીને ૮૧.૬૨ના મથાળે બંધ રહ્યો હતો.
ફેડરલ ઓપન માર્કેટ કમિટીનાં બહુધા સભ્યોએ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવી શક્યતા વ્યક્ત કરી હોવાથી ડૉલરમાં સલામતી માટેની માગમાં ઘટાડો
થવાથી ઈન્ડેક્સમાં નરમાઈનો ટોન રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૧૧ ટકા ઘટીને ૧૦૫.૯૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૦.૯૬ પૉઈન્ટનો અને ૨૮.૬૫ પૉઈન્ટનો સુધારો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકોરોની રૂ. ૧૨૩૧.૯૮ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૧.૭૦ ટકા વધીને બેરલદીઠ ૮૬.૭૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.