(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસાના સુધારા સાથે ૮૨.૭૫ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૮૮ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૭૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૭૯ અને ઉપરમાં ૮૨.૭૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૩ પૈસાના સુધારા સાથે ૮૨.૭૫ના મથાળે બંધ રહ્યો હતો. આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૦૨ ટકાના સુધારા સાથે ૧૦૪.૬૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલની નીચી સપાટીએથી ૦.૩૪ ટકાના સુધારા સાથે બેરલદીઠ ૮૦.૮૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.