(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટી માર્કેટમાં જળવાઈ રહેલી ખરીદી ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં એક તબક્કે ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં ૨.૩૩ ટકા જેટલો ઉછાળો આવતાં રૂપિયામાં જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે ચાર પૈસાની નરમાઈ સાથે ૮૧.૭૨ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૬૮ના બંધ સામે સુધારાના ટોને ૮૧.૫૮ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૧.૭૪ અને ઉપરમાં ૮૧.૫૭ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ચાર પૈસાના ઘટાડા સાથે ૮૧.૭૨ના મથાળે બંધ રહ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૨.૩૩ ટકા ઉછળીને બેરલદીઠ ૮૫.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો.
જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૭૭.૦૪ અને ૫૯.૧૦ પૉઈન્ટનો સુધારો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૯૩૫.૮૮ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.
આ ઉપરાંત વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૩૩ ટકા ઘટીને ૧૦૬.૩૩ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં મોટું ધોવાણ અટક્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.