મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આયાતકારોની ડૉલરમાં વ્યાપક માગ ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા નરમ પડીને ૮૨.૧૨ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૧.૯૯ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૧.૯૬ની સપાટીએ ખૂલ્યા બાદ આયાતકારોની વ્યાપક લેવાલી અને બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધી આવ્યાના નિર્દેશો સાથે ઘટીને ૮૨.૧૫ અને ઉપરમાં ૮૧.૯૬ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૩ પૈસા ઘટીને ૮૨.૧૨ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩૦ ટકા વધીને બેરલદીઠ ૮૪.૪૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ આયાતકારોની ડૉલરમાં લેવાલી રહેતાં રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૧૧.૨૧ પૉઈન્ટનો અને ૯૮.૨૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો.