જમીનના વિવાદને લઇ પિતરાઇને ત્રાસ આપવાને ઇરાદે ગુનો આચર્યાની કબૂલાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા ત્રણ આતંકવાદી મુંબઈમાં ઘૂસ્યા હોવાની અફવા ફેલાવીને પોલીસની દોડધામ વધારનારા ૪૭ વર્ષના વેપારીને મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) ઝડપી પાડ્યો હતો. વેપારીની ઓળખ યાસીન યાકુબ સૈયદ તરીકે થઇ હોઇ જમીનના વિવાદને લઇ પિતરાઇને ત્રાસ આપવાને ઇરાદે ગુનો આચર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી. અહમદનગરના રહેવાસી યાસીનને બાદમાં વધુ તપાસ માટે આઝાદ મેદાન પોલીસને
હવાલે કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ૭ એપ્રિલે બપોરે ૧૦.૦૫ વાગ્યે અજાણી વ્યક્તિએ કૉલ કર્યો હતો. કૉલ કરનારી વ્યક્તિએ પોતાની ઓળખ રાજા ઠોંગે તરીકે આપી હતી અને તે પુણેનો રહેવાસી હોવાનું કહ્યું હતું. મળસકે ત્રણ શંકાસ્પદ આતંકવાદી મુંબઈમાં આવ્યા છે અને એક કારમાં તેઓ શહેરમાં ઘૂસ્યા છે. પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા શકમંદોનો બે નંબરનો વ્યવસાય છે. ત્રણેયમાંથી એકનું નામ મુજીબ મુસ્તફા સૈયદ હોવાનું જણાવીને ફોન કરનારી વ્યક્તિએ તેના મોબાઇલ નંબર તથા કારનો રજિસ્ટ્રેશન નંબર પણ પોલીસે આપ્યો હતો.
આતંકવાદીઓ સંબધી માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ તપાસમાં લાગી હતી. પોલીસ ક્ધટ્રોલ રૂમને મોબાઇલ નંબર પરથી કૉલ કરવામાં આવ્યો હોવાથી પોલીસે તેને ટ્રેસ કરવાના પ્રયાસ કર્યા હતા. જોકે ફોન કર્યા બાદ વ્યક્તિએ તેનો મોબાઇલ બંધ કરી દીધો હતો. દરમિયાન જે નંબર પરથી કૉલ આવ્યો હતો તેની વિગતો મેળવવામાં આવી હતી, જેમાં મોબાઇલ નંબર બીડના આષ્ટી તાલુકામાં રહેતા શખસના નામે રજિસ્ટર્ડ હોવાનું જાણવા મળ્યું હતું. એ શખસની પોલીસે પૂછપરછ કરતાં તેણે સંબંધિત નંબરનું સિમકાર્ડ ક્યારેય ખરીદ્યું ન હોવાનું પોલીસને જણાવ્યું હતું.
આ પ્રકરણે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ એટીએસના નાશિક યુનિટની ટીમ ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરીને સીસીટીવી ફૂટેજ તથા મળેલી માહિતીને આધારે યાસીન સૈયદ સુધી પહોંચી હતી. યાસીનની પૂછપરછ કરાતાં તેણે પોલીસ ક્ધટ્રોલ રૂમમાં કૉલ કરીને ખોટી માહિતી આપી હોવાનું જણાવ્યું હતું. યાસીન સૈયદે પૂછપરછમાં જણાવ્યું હતું કે અહમદનગરમાં સાડાપાંચ ગુંઠા જમીનને લઇ પિતરાઇ મુજીબ મુસ્તફા સૈયદ સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હોવાથી તેમની વચ્ચે ઝઘડો થતાં મુજીબ અને તેના પરિવારને ત્રાસ આપવાને ઇરાદે પોતે ગુનો આચર્યો હોવાની તેણે કબૂલાત કરી હતી.