પત્તા વડે રમાતી રમત ‘રમી’ ખુબ પ્રચલિત છે. ડિજીટલ યુગમાં ઓનલાઈન રમી રમવા માટે અનેક ગેમિંગ પ્લેટફોર્મ ફૂટી નીકળ્યા છે. સામાન્ય રીતે રમીને જુગારની રમત માનવા આવે છે. પરતું કર્ણાટક હાઈકોર્ટે તેના તાજેતરના એક ચુકાદામાં કહ્યું છે કે પત્તા વડે રમાતી રમીની રમત જુગાર નથી. હાઈકોર્ટના જસ્ટિસ એસઆર કૃષ્ણ કુમારે કહ્યું કે રમતમાં પૈસા દાવ પર લાગ્યા હોય કે ન હોય, રમી એ ભાગ્યની નહીં પણ કુશળતાની રમત છે.
હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું કે રમીમાં ભલે રૂપિયા દાવ રાખવામાં આવ્યા હોય કે ન હોય પણ એ જુગાર નથી. કોર્ટે વધુમાં કહ્યું કે ઓફલાઈન કે ઓનલાઈન રમી વચ્ચે કોઈ તફાવત નથી અને બંને કુશળતાની રમત છે અને તકની નથી.
કર્ણાટક હાઈકોર્ટે આ ચુકાદો ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ દ્વારા ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મને જારી કરવામાં આવેલી 21 હજાર કરોડની નોટિસ પર અંગે આપ્યો હતો.
એક ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મને GST પ્રસાશન તરફથી 8 સપ્ટેમ્બર 2022 ના રોજ એક નોટીસ જારી કરવામાં આવી હતી, જેમાં રૂ.21 હજાર કરોડની રકમ ટેક્સ પેટે ચુકવવાનું કહેવામાં આવ્યું હતું. આ નોટિસને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. ગેમિંગ પ્લેટ્ફોર્મે દલીલ કરી હતી કે દાવ પર પૈસા લગાવી રમાતી કુશળતાની રમતો સટ્ટાબાજી નથી.
કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગેમિંગ પ્લેટફોર્મ પર રમાતી રમતો સટ્ટાબાજી અને જુગારના હેડ હેઠળ કરપાત્ર નથી,જેવું CGST ના નિયમો હેઠળ જણાવવામાં આવ્યું છે. 325 પાનાના ચુકાદામાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે CGST કાયદામાં સટ્ટાબાજી અને જુગારની શરતોમાં કુશળતાની રમતોનો સમાવેશ થઈ શકે નહિ.