ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
એ મદ્રાસ વિધાનસભાની પ્રથમ મહિલા સભ્ય હતી, મદ્રાસ વિધાનસભાની પ્રથમ ડેપ્યુટી સ્પીકર હતી અને મદ્રાસ પ્રેસિડેન્સીની પ્રથમ મહિલા મંત્રી હતી,પ્રથમ મહિલા આરોગ્ય મંત્રી અને પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી પણ એ જ હતી….
અહીં સુધી વાંચી, સાંભળીને એવું જણાય કે વાત કોઈ રાજકારણીની છે. હા, એ સાચું છે. એ મહિલા રાજકારણમાં રહી, પણ એની મૂળ ઓળખ તો સ્વતંત્રતા સેનાની તરીકેની જ છે. ભારત સરકારે એના માનમાં ૧૯૯૭માં ટપાલટિકિટ બહાર પાડી. એક મહત્ત્વના માર્ગ પર એની પ્રતિમા પણ મુકાઈ. આ સન્માનનું કારણ એ કે આઝાદી આંદોલન દરમિયાન મીઠાના સત્યાગ્રહમાં ધરપકડ વહોરીને જેલવાસ વેઠનાર મદ્રાસ પ્રેસિડેન્સીની પ્રથમ તમિળ મહિલા પણ એ જ છે!
નામ એનું રુક્મિણી લક્ષ્મીપતિ. મીઠાના સત્યાગ્રહ દરમિયાન તમિળનાડુમાં મીઠાનો કાયદો તોડવા વેદારણ્યમ કૂચ થયેલી. અજાયબીની વાત એ છે કે મહાત્મા ગાંધીની દાંડીકૂચમાં એક પણ મહિલાનો સમાવેશ કરાયો નહોતો, પણ ત્રિચિનોપલ્લીથી-તિરુચિથી અગત્સ્યનપલ્લી સુધીની વેદારણ્યમ કૂચમાં ચાર બહાદુર મહિલાઓ જોડાયેલી. બ્રિટિશ કમિશનર થોર્ને અત્યાચાર કરવામાં કાંઈ બાકી ન રાખ્યું. સત્યાગ્રહીઓ પર લાઠીચાર્જ કર્યો. સત્યાગ્રહીઓને અન્ન પૂરું પાડનારને સજા કરવામાં આવશે એવું જાહેર કર્યું. એથી ભયભીત ગામવાસીઓએ ભૂખ્યાંને ભોજન અને તરસ્યાંને પાણી ન પાયું. છતાં સત્યાગ્રહીઓએ ભૂખ્યાપેટે આગેકૂચ કરી. ચાર સ્ત્રી સત્યાગ્રહીઓ પણ ન ડગી, ન ઝૂકી. એમાંની એક એ રુક્મિણી લક્ષ્મીપતિ. રુક્મિણી તમિળનાડુના ખેડૂત કુટુંબની. એના દાદા જમીનદાર હતા. રુક્મિણીનો જન્મ ૬ ડિસેમ્બર ૧૮૯૨ના થયો. કોચીનના દીવાન રુક્મિણીના સંરક્ષક રહ્યા.રુક્મિણી એ જમાનામાં શાળાએ પણ ગઈ અને કોલેજમાં પણ. મદ્રાસની વિમેન્સ ક્રિશ્ર્ચિયન કોલેજની પ્રથમ બેચના એકતાળીસ સ્નાતક વિદ્યાર્થીઓમાંની એક રુક્મિણી હતી.
રુક્મિણી વાંચનનો શોખ ધરાવતી. વિશાળ વાંચનને કારણે રૂઢિચુસ્ત પરિવેશમાં રહેવા છતાં વિચારો સુધારાવાદી હતા. જ્ઞાનપિપાસા બુઝાવવા એ અવારનવાર ગ્રંથાલયમાં જતી. આવી જ એક ગ્રંથાલય મુલાકાત દરમિયાન એનો પરિચય વિધુર આયુર્વેદિક ડૉક્ટર લક્ષ્મીપતિ સાથે થયો. ડૉક્ટરનું દવાખાનું પેલા ગ્રંથાલયની બરાબર સામે આવેલું. ગ્રંથાલયની મુલાકાતો અને ડૉક્ટર સાથેનો મેળાપ વધતો ગયો. બેને બે ચાર થાય. ચાર આંખો મળી. મૈત્રીનું બીજ રોપાયું. બીજમાંથી પ્રેમનો ફણગો ફૂટ્યો. બન્ને મળીને પ્રેમાંકુરમાં સ્નેહનું સિંચન કરતાં રહ્યાં. જોતજોતામાં વહાલનું વટવૃક્ષ ઊગી નીકળ્યું. પ્રીતથી જોડાયેલાં હૈયાં વિવાહબંધને બંધાયાં. એ જમાનામાં આંતરજ્ઞાતીય લગ્ન કરીને રુક્મિણીએ ક્રાંતિ કરેલી.
સુખી દાંપત્યજીવનને પગલે પરિવારનો વિસ્તાર થયો. એક પુત્રનું નાનપણમાં જ મૃત્યુ થઇ ગયેલું. એ પછી રુક્મિણી પાંચ બાળકોની માતા બની. ચાર દીકરી અને એક દીકરો. રુક્મિણી પરિવારની જવાબદારીઓ નિભાવી રહી હતી. દરમિયાન દેશભરમાં સ્વતંત્રતા સંગ્રામની લહેર ઊઠેલી. રુક્મિણી મહાત્મા ગાંધી, સી. રાજગોપાલાચારી અને સરોજિની નાયડુ જેવા નેતાઓથી પ્રભાવિત થઇ. રાષ્ટ્રીય આંદોલન એના મનમસ્તિષ્કને આંદોલિત કરવા લાગ્યું. રાષ્ટ્રીયતાના સાદને પગલે રુક્મિણી ૧૯૨૩માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસમાં જોડાઈ ગઈ. કૉંગ્રેસની યુવા પાંખને સંગઠિત કરવાના કાર્યમાં જોતરાઈ ગઈ. યુવાઓને કૉંગ્રેસમાં અને રાષ્ટ્રીય આંદોલનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા. આઝાદી આંદોલનમાં રુક્મિણી એકત્રીસ વર્ષની વયે, પ્રમાણમાં મોડી જોડાઈ, પરંતુ એણે પહેલું પગલું જે ભર્યું એ કાબિલે તારીફ હતું. પોતાનાં બધાં ઘરેણાં પછાત અને વંચિત વર્ગના કલ્યાણ માટે દાન આપી દીધાં. એ પછી રુક્મિણીએ એ પછી લોકો ખાદીને અપનાવે એ માટેના પ્રચારકાર્યમાં જોડાઈ ગઈ. બાળવિવાહ જેવા સામાજિક દૂષણ અને કુરિવાજને દૂર કરવા માટેની દિશામાં કામ કર્યું. સાથે જ દારૂબંધી માટે પણ કામગીરી કરી.
વર્ષ ૧૯૨૬… પેરિસમાં સ્ત્રી મતાધિકારના મુદ્દે આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદનું આયોજન થયેલું. મદ્રાસમાં તો ૧૯૨૧માં જ સ્ત્રીઓને મતદાનનો અધિકાર મળી ગયેલો. એથી કૉંગ્રેસે આ પરિષદમાં ભાગ લેવા માટે રુક્મિણી લક્ષ્મીપતિના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો. રુક્મિણીએ પેરિસ મહિલા પરિષદમાં હાજરી આપીને સ્ત્રીઓના મતાધિકારનું ડંકાની ચોટથી સમર્થન કર્યું.
રુક્મિણી લક્ષ્મીપતિ પેરિસથી પાછી આવી એ પછી સાયમન કમિશન ભારતમાં આવ્યું. બ્રિટિશ પ્રધાનમંત્રી સર જ્હોન સાયમનના નેતૃત્વમાં કમિશનની રચના થયેલી. ૮ નવેમ્બર ૧૯૨૭ના કમિશનની ઘોષણા કરવામાં આવેલી. ભારતના લોકોને બંધારણીય અધિકારો આપવાની લાયકાત એમણે કેળવી છે કે નહીં એની તપાસ આ કમિશન કરવાનું હતું. જોકે સાત સભ્યના સાયમન કમિશનમાં એક પણ ભારતીયનો સમાવેશ ન કરાયો હોવાથી ભારતમાં એનો સ્વાભાવિક વિરોધ થયો. ભારતમાં સ્વશાસન અંગે વિદેશીઓ નિર્ણય લે એ બાબત જ હીણપતભરી હતી. એથી વિરોધનો વંટોળ ફૂંકાયો. દેશભરમાં ‘સાયમન ગો બેક’ના નારા ગુંજી ઊઠ્યાં. રુક્મિણીએ પણ જોરશોરથી સાયમન કમિશનનો વિરોધ કર્યો. સાયમન વિરોધી સરઘસમાં જોડાઈ ગઈ.
એ પછી ૧૯૩૦માં ૨૬ જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઘોષિત કરીને પંડિત જવાહરલાલ નેહરુએ રાષ્ટ્રગૌરવના પ્રતીકસમો ત્રિરંગો લહેરાવ્યો. રુક્મિણીએ પણ એ જ દિવસે રાષ્ટ્ધ્વજ ફરકાવ્યો. આ જ વર્ષમાં, ૧૯૩૦માં મહાત્મા ગાંધીએ બ્રિટિશ સલ્તનત વિરુદ્ધ મીઠાના સત્યાગ્રહ તરીકે જાણીતી થયેલી ઐતિહાસિક દાંડીયાત્રાનું આયોજન કર્યું..
તમિળનાડુમાં રાજાજીએ તિરુચિથી વેદારણ્યમ સુધીની કૂચનું નેતૃત્વ કર્યું. રાજાજીએ નાણીને, તાવીને કૂચમાં જોડાવા માટે ૯૯ સત્યાગ્રહીઓને પસંદ કર્યા. આ ૯૯ સત્યાગ્રહીઓમાં ચાર સ્ત્રીઓ હતી. ચારમાંની એક એ રુક્મિણી લક્ષ્મીપતિ.
બ્રિટિશ શાસકોએ આ કૂચની કેડીને કાંટાળી બનાવી. કૂચ થંભી જાય એ માટે જાતભાતના કારસા કર્યા. સત્યાગ્રહીઓ પર ડંડા વરસાવ્યા.
રુક્મિણી સહિતની ચારેય મહિલાઓએ સત્યાગ્રહીઓને બચાવવા અંગ્રેજ પોલીસની લાઠી ખાધી. વેદારણ્યમ પહોંચ્યાં. અંગ્રેજ પોલીસે દરિયાકાંઠે મીઠું પકવતા સત્યાગ્રહીઓની ધરપકડ કરી. એમાં રુક્મિણી લક્ષ્મીપતિ પણ હતી. એને એક વર્ષનો કારાવાસ થયો મીઠાનો સત્યાગ્રહ કરીને જેલવાસ ભોગવનાર પ્રથમ તમિળ સ્ત્રી સ્વતંત્રતા સેનાની તરીકે આઝાદીના ઇતિહાસમાં રુક્મિણીએ પોતાનું નામ અંકિત કરવા બદલ એ ગૌરવ અનુભવતી હતી.
એક વર્ષ બાદ જેલમાંથી બહાર આવેલી રુક્મિણી લક્ષ્મીપતિ ફરી એક વાર આઝાદીયજ્ઞમાં આહુતિ આપવા માટે જોડાઈ ગઈ. કાળક્રમે રુક્મિણી રાજકારણમાં પ્રવેશી. મદ્રાસ મહાપાલિકામાં નગરસેવિકા બની. એ પછી મદ્રાસ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવીને જીતી ગઈ.
ડેપ્યુટી સ્પીકર બની. જોકે આ હોદ્દાઓ ટૂંકા ગાળાના સાબિત થયા.
બન્યું એવું કે મહાત્મા ગાંધીએ વ્યક્તિગત સત્યાગ્રહની ઘોષણા કરી. વ્યક્તિગત સત્યાગ્રહ એટલે એવો સત્યાગ્રહ જેમાં ગાંધીજી ખુદ સત્યાગ્રહીની પસંદગી કરે. આ સત્યાગ્રહીએ નગરના કોઈક મહત્ત્વના ઠેકાણે બાંકડા પર ઊભા રહીને બ્રિટિશ સરકાર વિરુદ્ધ એક વાક્ય બોલવાનું. જો ધરપકડ થાય તો સત્યાગ્રહીએ ગુનાનો સ્વીકાર કરવાનો અને કાયમ માટે યાદ રહી જાય એવું ચિરંજીવ નિવેદન કે વિધાન આપવાનું. મદ્રાસમાં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ માટે બરાબર ચકાસીને એકવીસ ટકોરાબંધ સત્યાગ્રહીઓની પસંદગી કરી. એમાંની એક એ રુક્મિણી લક્ષ્મીપતિ.
રુક્મિણીએ ગાંધીજીની સૂચનાનું અક્ષરસ: પાલન કર્યું. મહત્ત્વના સ્થળે ઊભા રહીને અંગ્રેજ સરકાર વિરુદ્ધ એક વાક્ય બોલી. પરિણામે ધરપકડ થઇ. મહિનો અને વર્ષ હતા ૧૯૪૧ જાન્યુઆરી. રુક્મિણીએ અંગ્રેજ અદાલતમાં નિવેદન કર્યું: ‘હું ભારતીય સ્ત્રીઓને કહેવા માંગું છું કે તેઓ મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સ્વતંત્રતા સંગ્રામમાં આગળ વધે તથા માતૃભૂમિનું સન્માન અને ગૌરવ જાળવે.’
અઠ્ઠાવન વર્ષની ઉંમરે રુક્મિણીનું મૃત્યુ થયું, પણ ગાંધીજીની સૂચના પ્રમાણે એણે કરેલું આ વિધાન ચિરંજીવ બની ગયું છે એમાં કોઈ મીનમેખ નથી!