ભારતે ગુરુવારે (માર્ચ 16) રૂ. 70,584 કરોડના સ્વદેશી રીતે વિકસિત લશ્કરી સાધનોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીને પગલે સ્થાનિક સંરક્ષણ ઉત્પાદનને મોટું પ્રોત્સાહન મળે એવી અપેક્ષા સેવાઈ રહી છે. આ બાબતે અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) એ પ્રાપ્તિ દરખાસ્તોને મંજૂરી આપી હતી.
પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન સાથેના લગભગ ત્રણ વર્ષના અવરોધ વચ્ચે નવી સંરક્ષણ પ્રાપ્તિ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. DACએ લશ્કરી સાધનોની પ્રાપ્તિ માટે રૂ. 70,584 કરોડના મૂલ્યની ‘એક્સેપ્ટન્સ ઑફ નેસેસિટી’ (AON)ને મંજૂરી આપી હતી, જે હેઠળ તમામ ખરીદી ‘સ્વદેશી રીતે ડિઝાઇન, વિકસિત અને ઉત્પાદિત’ શ્રેણી હેઠળ કરવામાં આવશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના કાર્યાલયે ટ્વિટ કર્યું હતું કે આ તીવ્રતાની સ્વદેશી પ્રાપ્તિ માત્ર ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે નહીં, પરંતુ વિદેશી વિક્રેતાઓ પરની ભારતની નિર્ભરતામાં પણ ઘટાડો કરશે.
સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ બાબતે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2022-23માં મૂડી સંપાદન માટે આપવામાં આવેલી કુલ મંજૂરી હવે 2,71,538 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાંથી 98.9 ટકા ભારતીય ઉદ્યોગો પાસેથી પ્રાપ્ત થશે.